રાંધણ છઠ્ઠના દિવસે શા માટે બનાવવામાં આવે છે વડા, પુરી અને થેપલાં...? જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક કારણ

શ્રાવણ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે. આ ગુજરાતી મહિનામાં જેટલા તહેવારો આવે છે, તેટલા ભાગ્યે જ બીજા મહિનામાં આવે છે. શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ જન્માષ્ટમીની પહેલા કેટલાક તહેવારો આવે છે. જેનુ હિન્દુ સંસ્કૃતિમાં આગવુ મહત્વ છે.

રાંધણ છઠ્ઠના દિવસે શા માટે બનાવવામાં આવે છે વડા, પુરી અને થેપલાં...? જાણો આ પરંપરા પાછળનું ધાર્મિક કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ શ્રાવણ મહિનાને તહેવારોનો મહિનો કહેવામાં આવે છે. આ ગુજરાતી મહિનામાં જેટલા તહેવારો આવે છે, તેટલા ભાગ્યે જ બીજા મહિનામાં આવે છે. શ્રાવણ વદ આઠમે જન્માષ્ટમીની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ જન્માષ્ટમીની પહેલા કેટલાક તહેવારો આવે છે. જેનુ હિન્દુ સંસ્કૃતિમાં આગવુ મહત્વ છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળ-આરોગ્યની કામના હેતુ મનાવવામાં આવતુ પર્વ એટલે શીતળા સાતમ. આ તહેવારની પરંપરાગત ઉજવણી કરવા માટે રાંધણ છઠ્ઠની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણ છઠ્ઠ તો ક્યાંક આ પર્વને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.

રાંધણ છઠ્ઠનું મહત્વ:
રાંધણ છઠ્ઠના દીવસે રસોઈ તૈયાર કરી સાતમના દિવસે ઠંડી રસોઈ આરોગવાની પરંપરા છે. આ દિવસે ઘરમાં વહેલી સવારથી રસોઈ બનવાનું શરૂ થઈ જાય છે. ઘરે ઘરે વડા, થેપલા, પુરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર સહિતની વાનગીઓ બનાવવામાં આવે છે. આખો દિવસ રસોઈ કર્યા બાદ ઘરની મહિલાઓ ચુલાને ઠંડો કરીને કંકુ-અક્ષત વડે તેની પૂજા કરે છે. આમ કરલા પાછળ એક પ્રસિદ્ધ લોકવાયકા છે.

રાંધણ છઠ્ઠની દંતકથા:
કથા પ્રમાણે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સૂમસામ શાંતિમાં શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણીના ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શ્રાપ આપ્યો, ‘જેવી હું બળી, એવુ તારું પેટ એટલે તારી સંતતિ બળજો...’

બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈએ કહ્યું કે, નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા. ડોશીએ તેને બોલાવી. વહુ ત્યાં ગઈ અને ડોશીના કહેવા પ્રમાણે તેના માથામાંથી ‘જુ’ સાફ કરી. વહુની સેવાથી પ્રસન્ન થયેલા ડોશીએ આશીર્વાદ આપ્યા. કહ્યું ‘જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.’ આટલુ કહીને ડોશીએ દીકરાને સ્પર્શ કર્યો. દીકરો સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી વહુ અને દીકરાને ઘરે મોકલ્યા.

રાંધણ છઠ્ઠના દિવસે આંબાનાં રોપની પરંપરા:
રાંધણ છઠ્ઠના દિવસે આંબાના રોપ વાવવાની પરંપરા છે. શહેરમાં આ પરંપરા વિસરાઈ ગઈ છે પરંતુ ગામડાઓમાં આ પરંપરા જળવાઈ રહી છે. આ પરંપરાનો હેતુ કુટુંબીજનોને આમ્રવૃક્ષની શીતળતા મળતી રહે તેવી ભાવના સાથે આંબાના રોપ વાવવામાં આવે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news