દેવધર ટ્રોફીઃ ઈન્ડિયા-બીનો ઈન્ડિયા-એ સામે 43 રને વિજય, કાર્તિકની ઈનિંગ એળે ગઈ

ભારત-બીએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા હતા. 
 

 દેવધર ટ્રોફીઃ ઈન્ડિયા-બીનો ઈન્ડિયા-એ સામે 43 રને વિજય, કાર્તિકની ઈનિંગ એળે ગઈ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ બાદ એશિયા કપમાં ખાસ કમાલ ન કરનારા દિનેશ કાર્તિકે આજે દેવધર ટ્રોફીમાં શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તેની મોટી ઈનિંગ છતાં તેની ટીમનો પરાજય થયો હતો. 

મયંક માર્કંડેય (48 રનમાં 4 વિકેટ) અને શાહબાજ નદીમ (32 રનમાં 3 વિકેટ)ની ફિરકીના કમાલથી ભારત-બીએ મંગળવારે અહીં રમાયેલા દેવધર ટ્રોફીના એકદિવસીય મેચમાં ભારત-એને 43 રને હરાવી દીધું હતું. 

ભારત-બીએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા, જેના જવાબમાં ભારત એ ટીમ 46.4 ઓવરમાં 218 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન ન મેળવી શકનાર ભારત એના કેપ્ટન દિનેશ કાર્તિકે 99 રન ફટકાર્યા પરંતુ તેને રવિચંદ્રન અશ્વિન (54) સિવાય અન્ય કોઈ બેટ્સમેનનો સાથ ન મળ્યો. બંન્નેએ છઠ્ઠી વિકેટ માટે 123 રન જોડ્યા હતા. 

ભારતીય બી ટીમના નદીમે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારત-એને મેચની ત્રીજી ઓવરમાં સતત બે બોલ પર વિકેટ ઝડપીને મોટો ઝટકો આપ્યો હતો. તેણે પૃથ્વી શો (7) અને કરૂણ નાયર (0)ને આઉટ કર્યા હતા. 

ભારત એ ટીમે 87 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ કાર્તિક અને અશ્વિને મોરચો સંભાળ્યો હતો. કાર્તિકે 114 બોલની ઈનિંગમાં 11 ફોર અને એક સિક્સ ફટકારી હતી. માર્કંડેયે અશ્વિનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. 

ત્યારબાદ નદીમે પોતાના બોલ પર કાર્તિકને કેચ ઝડપીને ભારત-એની આશા પર પાણી ફેરવી દીધું હતું. દસ ઓવરમાં 32 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપનાર નદીમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. વરૂણ એરોને પણ બે વિકેટ ઝડપી હતી. 

આ પહેલા ભારત-બીએ હનુમા વિહારી (87) અને મનોજ તિવારી (52)ની અડધી સદીની અને બંન્ને વચ્ચે 99 રનની ભાગીદારીની મદદથી 261નો પડકારજનક સ્કોર કર્યો હતો. ઓપનિંગ બેટ્મસેન મયંક અગ્રવાલે 46 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત એ માટે અશ્વિને 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news