ENG vs AUS: ઈંગ્લેન્ડના વાવાઝોડામાં ઉડી ગયું ઓસ્ટ્રેલિયા, મોર્ગનની ટીમનો 8 વિકેટે ભવ્ય વિજય

ઈંગ્લેન્ડની ટીમ શાનદાર ફોર્મમાં આવી ગઈ છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં આજે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપી ઈંગ્લેન્ડ સેમીફાઇનલની નજીક પહોંચી ગઈ છે. 

ENG vs AUS: ઈંગ્લેન્ડના વાવાઝોડામાં ઉડી ગયું ઓસ્ટ્રેલિયા, મોર્ગનની ટીમનો 8 વિકેટે ભવ્ય વિજય

દુબઈઃ ક્રિસ વોક્સ (23 રન બે વિકેટ), ક્રિસ જોર્ડન (17 રન ત્રણ વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ જોસ બટલર (32 બોલમાં અણનમ 71 રન) ની આક્રમક ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે આઈસીસી ટી20 વિશ્વકપમાં સુપર-12 મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપી સતત ત્રીજી જીત મેળવી છે. આ જીત સાથે ઈયોન મોર્ગનની ટીમ સેમીફાઇનલની વધુ નજીક પહોંચી ગઈ છે. તેના છ પોઈન્ટ છે અને ગ્રુપ-એમાં ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાને છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 125 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડે માત્ર 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ઈંગ્લેન્ડને મળી સતત ત્રીજી જીત
ઈંગ્લેન્ડની ટીમ આ વિશ્વકપમાં એક મજબૂત દાવેદારના રૂપમાં ઉતરી છે. ઈંગ્લેન્ડે સતત ત્રીજી મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. ઈયોન મોર્ગનની ટીમ સેમીફાઇનલની નજીક પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડે ત્રણેય મેચ રનચેઝ કરીને જીતી છે. તેની નેટ રનરેટ પણ ખુબ સારી છે. 

ઈંગ્લેન્ડની ઘાતક શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ આપેલા સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડને જોસ બટલર અને જેસન રોયે આક્રમક શરૂઆત અપાવી હતી. ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 66 રન બનાવી લીધા હતા. જેસન રોય 22 રન બનાવી ઝેમ્પાનો શિકાર બન્યો હતો. 

જોસ બટલરનું વાવાઝોડું
ઈંગ્લેન્ડના ઓપનર જોસ બટલરે આજે દુબઈમાં ધમાલ મચાવ્યો હતો. બટલરે 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 71 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટો 11 બોલમાં બે સિક્સ સાથે 16 રન બનાવી અણનમ રહ્યો હતો. ડેવિડ મલાન 8 રન બનાવી અગરનો આઉટ થયો હતો. 

પાવરપ્લેમાં ઈંગ્લેન્ડની ઘાતક બોલિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઈનિંગની બીજી ઓવરમાં ક્રિસ વોક્સે ડેવિડ વોર્નર (1)ને જોસ બટલરના હાથે કેચ આઉટ કરાવીને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી  હતી. ત્યારબાદ ત્રીજી ઓવરમાં ક્રિસ જોર્ડનની ઓવરમાં સ્ટીવ સ્મિથ (1) રન બનાવી ક્રિસ વોક્સના શાનદાર કેચ દ્વારા આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ (6) રન બનાવી વોક્સનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. 

મિડલ ઓર્ડર ફેલ
માર્કસ સ્ટોયનિસ (0) રન બનાવી આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ 18 બોલમાં 18 રન બનાવી લિવિંગસ્ટોનનો શિકાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 51 રનમાં પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન ફિંચ અને એસ્ટોન અગર (20) વચ્ચે છ્ઠી વિકેટ માટે 47 રનની ભાગીદારી થઈ હતી. અગર 20 રન બનાવી ટાઇમલ મિલ્સનો શિકાર બન્યો હતો. 

કેપ્ટન આરોન ફિન્ચ 44 રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. ફિન્ચે 49 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. કમિન્સ (12) અને સ્ટાર્ક (13) ની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ 125 રન બનાવવામાં સફળ રહી હતી. 

ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ટાઇમલ મિલ્સ અને ક્રિસ વોક્સને બે-બે તથા આદિલ રાશિદ અને લિવિંગસ્ટોનને એ-એક સફળતા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news