MI vs RCB: બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત

IPL 2024: જસપ્રીત બુમરાહની પાંચ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટે હરાવ્યું છે.

MI vs RCB: બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત

મુંબઈઃ પ્રથમ ત્રણ મેચમાં પરાજય બાદ મુંબઈ ઈન્ડિયન્સે કમાલની વાપસી કરી છે. આજે મુંબઈએ વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. પાંચ મેચમાં મુંબઈની બીજી જીત છે. તો આરસીબીની 6 મેચમાં આ ચોથી હાર છે. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 15.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. 

પાવરપ્લેમાં ઈશાન કિશનનું વાવાઝોડું
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઈશાન કિશને શરૂઆતથી આક્રમક બેટિંગ કરી હતી. ઈશાન કિશને પાવરપ્લેમાં પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી હતી. મુંબઈએ પાવરપ્લેમાં 72 રન ફટકાર્યા હતા. ઈશાન કિશન નવમી ઓવરમાં 34 બોલમાં 7 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 69 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા 24 બોલમાં 3 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 38 રન બનાવી આઉટ થયો હતો. 

સૂર્યકુમાર યાદવે 17 બોલમાં ફટકારી અડધી સદી
ઈજા બાદ વાપસી કરનાર સૂર્યકુમાર યાદવે આજે વાનખેડે સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. સૂર્યાએ ક્રીઝ પર આવવાની સાથે આક્રમક બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. સૂર્યા 19 બોલમાં 5 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 52 રન બનાવી આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 6 બોલમાં 21 અને તિલક વર્મા 10 બોલમાં 16 રન બનાવી નોટઆઉટ રહ્યાં હતા. 

આરસીબીના ત્રણ બેટરોની અડધી સદી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ બેટરોએ અડધી સદી ફટકારી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. ફાફે 40 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારીહતી. આ સિવાય રજત પાટીદારે 26 બોલમાં 3 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 50 રન બનાવ્યા હતા. જ્યારે દિનેશ કાર્તિકે 23 બોલમાં 5 ફોર અને 4 સિક્સ સાથે અણનમ 53 રન બનાવ્યા હતા. 

કોહલી, જેક્સ અને મેક્સવેલ ફ્લોપ
વિરાટ કોહલી 9 બોલમાં 3 રન બનાવી આઉટ થયો હતો. કોહલી બુમરાહનો શિકાર બન્યો હતો. પ્રથમવાર આરસીબી માટે રમવા ઉતરેલો વિલ જેક્સ પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. જેક્સ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબી માટે સૌથી ચિંતાનો વિષય મેક્સવેલનું ફોર્મ છે. મેક્સવેલ આ સીઝનમાં ત્રીજીવાર શૂન્ય પર આઉટ થયો હતો. 

જસપ્રીત બુમરાહની 5 વિકેટ
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આજે કમાલની બોલિંગ કરી હતી. બુમરાહે 4 ઓવરમાં માત્ર 21 રન આપી પાંચ વિકેટ લીધી હતી. બુમરાહે કોહલી, ફાફ, લોમરોર, વિજયકુમાર અને સૌરવ ચૌહાણને આઉટ કર્યાં હતા. આ સિવાય જેરાલ્ડ કોએત્ઝી, આકાશ મેઢવાલ અને ગોપાલને એક-એક વિકેટ મળી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news