SA vs NZ: ન્યૂઝીલેન્ડનો સતત ત્રીજો પરાજય, આફ્રિકાએ 190 રને મેળવી શાનદાર જીત
World Cup 2023: આઈસીસી વિશ્વકપ-2023માં ન્યૂઝીલેન્ડે આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો છે. પુણેમાં રમાયેલા મુકાબલામાં આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને 190 રને પરાજય આપી સેમીફાઈનલની આશા મજબૂત કરી લીધી છે.
Trending Photos
પુણેઃ સાઉથ આફ્રિકાએ વિશ્વકપમાં પોતાનું વિજય અભિયાન જાળવી રાખતા ન્યૂઝીલેન્ડને 190 રને કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે સાઉથ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા આફ્રિકાએ ડી કોક અને રાસી વાન ડુર ડુસેનની સદીની મદદથી 50 ઓવરમાં 4 વિકેટે 357 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 167 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકાની સાત મેચમાં આ છઠ્ઠી જીત છે. જ્યારે ન્યૂઝીલેન્ડે સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
ન્યૂઝીલેન્ડ બેટરોનો ફ્લોપ શો
ગ્લેન ફિલિપ્સે ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા. ગ્લેન ફિલિપ્સ 50 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 60 રન બનાવી આઉટ થયો હતો. ઓપનર વિલ યંગે 37 બોલમાં 33 રન ફટકાર્યા હતા. ડેરિલ મિચેલે 30 બોલ પર 24 રનનું યોગદાન આપ્યું હતું. કીવી ટીમના આઠ બેટરો બે આંકડામાં પહોંચી શક્યા નહીં. આફ્રિકાએ શરૂઆતથી જ વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડ પર દબાવ બનાવ્યો હતો.
કેશવ મહારાજે ઝડપી ચાર વિકેટ
સાઉથ આફ્રિકી બોલરોની વાત કરીએ તો કેશવ મહારાજ સૌથી સફળ રહ્યો હતો. કેશવ મહારાજે 9 ઓવરમાં 46 રન આપી ચાર બેટરોને આઉટ કર્યો હતો. માર્કો યાન્સેનને ત્રણ વિકેટ મળી હતી. ગૈરાલ્ડ કોટ્ઝેને બે સફળતા મળી હતી. જ્યારે કગિસો રબાડાને એક વિકેટ મળી હતી.
પ્રથમ બેટિંગ કરી આફ્રિકાએ બનાવ્યો મોટો સ્કોર
ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 357 રન ફટકાર્યા હતા. આફ્રિકા માટે ઓપનર ડી કોકે સદી ફટકારી હતી. ક્વિન્ટન ડી કોકે 116 બોલમાં 114 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 3 સિક્સ ફટકારી હતી. આ ટૂર્નામેન્ટમાં તેની ચોથી સદી છે. આ સિવાય રાસી વાન ડુર ડુસેને પણ સદી ફટકારી હતી. રાસીએ 118 બોલમાં 9 ચોગ્ગા અને પાંચ સિક્સની મદદથી 133 રન ફટકાર્યા હતા.
ત્યારબાદ અંતિમ ઓવરોમાં ડેવિડ મિલરે આક્રમક બેટિંગ કરી હતી. ડેવિડ મિલરે 30 બોલમાં 2 ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 53 રન ફટકાર્યા હતા.
અત્યાર સુધી વિશ્વકપમાં ડી કોક 4 સદી ફટકારી ચુક્યો છે. જ્યારે રાસી વાન ડુર ડુસેને બીજીવાર સદી ફટકારી છે. ડી કોક વિશ્વકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટરોમાં પ્રથમ સ્થાને છે. ડી કોકે 77.86 ની એવરેજથી 7 મેચમાં 545 રન ફટકાર્યા છે.
ડી કોક અને ડુસેન વચ્ચે 200 રનની ભાગીદારી
આ પહેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ધીમી રહી હતી. ટીમને પ્રથમ ઝટકો કેપ્ટન બાવૂમાના રૂપમાં લાગ્યો હતો. બાવૂમા 24 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ ડી કોક અને રાસી વાન ડુર ડુસેને બીજી વિકેટ માટે 200 રનની ભાગીદારી કરી હતી.
ન્યૂઝીલેન્ડ માટે ટિમ સાઉદી સૌથી સફળ બોલર રહ્યો હતો. ટિમ સાઉદીએ 10 ઓવરમાં 77 રન આપી બે ખેલાડીઓને આઉટ કર્યાં હતા. આ સિવાય ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશમને 1-1 સફળતા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે