તો શું ધીમે ધીમે કાયમ માટે નાનો થઈ જશે દિવસ? પૃથ્વી પર થઈ રહેલી રહસ્યમય હલચલ વિશે જાણો
છેલ્લાં 12 મહિનામાં પૃથ્વી 28 વાર તેની નિયમિત ઝડપ કરતાં વધારે ઝડપે ફરી છે. જે ચોંકાવનારું છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વર્ષમાં બે દિવસ એવા હોય છે જેમાંથી એક દિવસ આખા વર્ષનો મોટામો મોટો દિવસ અને બીજો આખા વર્ષનો નાનામાં નાનો દિવસ હોય છે. વર્ષોથી પૃથ્વી પોતાની ધરી પર ફરી રહ્યી છે અને આપણે સેકન્ડના હિસાબે દિવસો વીતાવી રહ્યાં છે પણ શું તેમને એવું ખબર પડે કે પૃથ્વી પોતાની ધરી પરથી ઝડપથી ફરી રહી છે તો? હોલિવુડની ફિલ્મોમાં જ આવું સાંભળવા મળે છે. પણ કદાચ આ હકીકત સાબિત થઈ છે. આ ઝડપથી ગતિ માત્ર 0.05 મિલી સેકન્ડમાં જ છે પણ તે અચરજ પમાડે તેવું છે.
પોતાની ધરી પર 'ઓલિમ્પિક મેડલ' જીતવાની હઠ પર પૃથ્વી!
સદીઓથી આપણે જોતા આવ્યાં છીએ કે સમય જતાં બધુ બદલાય છે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. વગેરે વગેરે પણ પૃથ્વી જાણે કે એ બાબતમાં અફર હતી. સદીઓથી પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકે એક આંટો મારતી જ મારતી પણ હવે એવું નથી રહ્યું. છેલ્લાં એક વર્ષમાં તેમાં પણ બદલાવ આવી રહ્યો છે. નિયમિત અભ્યાસ પછી એવી ખબર પડી છે કે છેલ્લાં એક વર્ષમાં પૃથ્વી અગાઉના 50 વર્ષની સરખામણીમાં વધુ ઝડપથી પોતાની જ ધરી પર ફરી રહી છે. જાણે કે પૃથ્વીને કોઈ ઓલિમ્પિક મેડલ કેમ જીતી લેવો ન હોય! વૈજ્ઞાનિકોને આ ડેટા હેરાન કરી રહ્યો છે. આખરે એવું તો શું કારણ છે કે પૃથ્વી પોતાની જ ધરી પર અગાઉ કરતાં વધુને વધુ ઝડપે ફરે છે? વિગતો એવી છે કે પૃથ્વી હાલમાં 24 કલાકમાં 0.5 મિલી સેકન્ડ વધુ ઝડપે ફરી રહી છે. એટલે કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાક કરતા 0.5 મિલી સેકન્ડ ઓછા સમયમાં એક આંટો પૂરો કરી લે છે. 19 જુલાઈ 2020ના રોજ તો આ આંકડો 1.4602 મિલીસેકન્ડ ઓછો હતો એટલે કે દોઢ મિલી સેકન્ડ જેવો!
પૃથ્વી છેલ્લાં એક વર્ષમાં બહુ ઉતાવળી બની ગઈ છે!
મજાની વાત એ છે કે 24 કલાક કરતાં પહેલાં પૂરો થયો હોય એ રીતે સૌથી ટૂંકો દિવસ આ પહેલાં 2005માં હતો. પણ વૈજ્ઞાનિકોને સૌથી વધુ ચિંતા કરાવે છે હાલની પરિસ્થિતિ કેમ કે પૃથ્વી પોતાની ધરી પર ઝડપથી આંટો મારી લીધો હોય એવી ઘટના છેલ્લાં એક વર્ષમાં ચોંકાવી દે તે રીતે 28 વાર બની છે. વિચારો 12 જ મહિનામાં 28 વાર એવું બન્યું કે પૃથ્વીએ હડી કાઢીને પોતાની ધરી પર 24 કરતાં વહેલો આંટો મારી લીધો. સિનિયર રિસર્ચ સાયન્ટીસ્ટ પીટર વ્હિબર્લી મુજબ એ સાચુ કે પૃથ્વી વહેલો ચક્કર લગાવી રહી છે. અને એટલે જ કદાચ લોકોએ પૃથ્વીની સાથે રહેવા માટે થઇ એક નેગેટિવ લીપ સેકન્ડ જોડવી પડી શકે છે. છેલ્લાં 50 વર્ષમાં એ રીતે 27 સેકન્ડ જોડવામાં આવ્યાં છે. છેલ્લે આવું 2016માં થયું હતું.
પૃથ્વી 'હડી કાઢે' એમાં આપણને શું ફેર પડે?
મોટો સવાલ એ છે પૃથ્વીએ એની ઝડપ વધારી દીધી છે એની આપણી રોજિંદી જિંદગીમાં કોઈ અસર થશે ખરી? બહુ વધારે થયું તો મોટાભાગના દેશોએ પોતાના સમયમાં ફેરફાર કરવો પડે. બીજુ કે વધુ માત્રામાં આવું થવાથી તેની આપણી સમગ્ર સંચાર વ્યવસ્થા પર પણ અસર થઈ શકે છે. સંચાર વ્યવસ્થામાં ખામીઓ પણ ઉભી થઈ શકે છે. કેમ કે તમામ સેટેલાઈટ અને કોમ્યુનિકેશનની આખી સિસ્ટમ સોલર ટાઈમ પ્રમાણે જ સેટ કરાયેલી છે. અને આ બદલાવથી નેવિગેશન સિસ્ટમ ઉપર પણ અસર થઇ શકે છે. એટલે આવું થવું એ આપણા સહુના હિતમાં નથી. આપણે તો અત્યારે એટલું જ કરી શકીએ કે ખમ્મા પૃથ્વી ખમ્મા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે