પૃથ્વીના વિનાશની આહટ! આ દેશમાં ત્રણ દિવસમાં 200 વખત ધ્રુજી ધરા, ભવિષ્ય વિશે આપી ચેતવણી

Greece: પોતાની સૂંદરતા અને સફેદ ઈમારતો માટે પ્રખ્યાત સેન્ટોરિન ટાપુ પર ત્રણ દિવસમાં 200 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દીધી છે. ભૂકંપને લઈને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિક અધિકારીઓએ લોકોને સાવચેત રહેવા અને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

પૃથ્વીના વિનાશની આહટ! આ દેશમાં ત્રણ દિવસમાં 200 વખત ધ્રુજી ધરા, ભવિષ્ય વિશે આપી ચેતવણી

Greece Earthquakes: ગ્રીસના સેન્ટોરિન આઈલેન્ડ પર સતત ભૂકંપ આવતાં સરકારે સાવચેતીના પગલાં લીધા છે. છેલ્લા ત્રણ દિવસમાં એજિયન સમુદ્રમાં 200થી વધુ ભૂકંપ આવ્યા છે, જેના કારણે મોટા ભૂકંપની આશંકા વધી રહી છે. તેને જોતા સરકારે તમામ શાળાઓ બંધ કરી દીધી છે અને ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત એજિયન સમુદ્ર પાસેના ટાપુઓ પર પણ સાવચેતી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

સેન્ટોરિનની સાથે-સાથે એમોર્ગોસ, અનાફી અને આયોસ ટાપુ પણ આ ભૂકંપથી પ્રભાવિત થયા છે. અહીં પણ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને સરકારે સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાની યોજના પણ બનાવી છે. સ્થાનિક અધિકારીઓએ પણ લોકોને સાવચેત રહેવા અને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

ભૂકંપની તીવ્રતા મહત્તમ 4.8 નોંધવામાં આવી છે. રવિવારે સેન્ટોરિન અને એમોર્ગોસ વચ્ચે આવેલા ભૂકંપની તીવ્રતા 4.6 હતી. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, આ આંચકા સેન્ટોરિનના જ્વાળામુખી જેવા નથી, પરંતુ સતત આંચકાના કારણે સ્થાનિક લોકો ડરી ગયા છે.

સરકારે બોલાવી ઈમરજન્સી બેઠક
આ ટાપુ ખૂબ જ પ્રખ્યાત છે, લોકો ઉનાળાની રજાઓ માણવા માટે અહીં આવે છે. નાગરિક સુરક્ષા મંત્રી વાસિલિસ કિકિલિયાસે રવિવારે મોડી રાત્રે એથેન્સમાં ઈમરજન્સી બેઠક બાદ કહ્યું કે, 'આ પગલાં સાવચેતીના છે, જેથી અધિકારીઓ સતર્ક રહેશે.'

ભવિષ્ય વિશે આપી ચેતવણી 
જો કે, ભૂકંપ સુરક્ષા સંગઠનના પ્રમુખ એફ્થિમિયોસ લેક્કાસે જણાવ્યું હતું કે, 5.5ની તીવ્રતાનો ભૂકંપ શક્ય છે, પરંતુ 6.0થી વધુની તીવ્રતાની કોઈ શક્યતા નથી. જ્યારે ગ્રીસના મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી ગેરાસિમોસ પાપાડોપોલોસે ચેતવણી આપી હતી કે, સતત ધ્રુજારીના કારણે ભવિષ્યમાં મોટો ભૂકંપ આવી શકે છે.

સેન્ટોરિનના રહેવાસીઓ અને મુલાકાતીઓને સલાહ આપવામાં આવી હતી કે તેઓ બંધ જગ્યાઓ પર મોટા મેળાવડાઓ કરવાનું ટાળે અને જ્યાં ખડકોનું જોખમ હોય તેવા વિસ્તારોને ટાળવા. રવિવારે સેન્ટોરિન ટાપુ પર પહોંચેલા ફાયર સર્વિસ રેસ્ક્યુ વર્કર્સે મુખ્ય હોસ્પિટલ નજીક બાસ્કેટબોલ કોર્ટની અંદર સ્ટેજ તરીકે પીળા તંબુ ગોઠવ્યા છે.

સરકારે લોકોને કરી છે આ અપીલ
સરકારે સેન્ટોરિનમાં રહેવાસીઓ અને પ્રવાસીઓને સાવચેત રહેવાની સલાહ આપી છે. લોકોને મોટી બંધ જગ્યાઓથી દૂર રહેવાની અને ભૂસ્ખલનની સંભાવના ધરાવતા વિસ્તારો, જેમ કે કેટલાક બંદરો અને સ્વિમિંગ પૂલ નજીકથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

આ સિવાય ફાયર અને રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી છે અને વિસ્થાપિત લોકો માટે કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. કેટલાક સ્થાનિક લોકો ભયના કારણે ખુલ્લામાં સૂઈ રહ્યા છે અને ઘણા લોકો ટાપુ છોડીને જતા રહ્યા છે.

પ્રવાસીઓ માટે ઘણા પડકારો
સેન્ટોરિન તેની સુંદર ખીણો અને સફેદ ઈમારતો માટે પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષિત કરે છે. વર્ષ 2023માં અહીં 34 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. વધતા પર્યટન અને ટાપુની મર્યાદિત ક્ષમતાને જોતા નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો માટે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કોઈપણ સંભવિત સમસ્યાનો સામનો કરવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news