રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકો

વર્ષ 1953 માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણીઆરની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો.

રાજકોટ સહકારી બેંકનું રાજકારણ ગરમાયું! મામા સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાણેજને HCમાંથી ઝટકો

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ નાગરિક સહકારી બેંકનું રાજકારણ ગરમાયું છે. ચૂંટણી આવતા જ ભાજપ અને સંઘના આગેવાનો જ સામ સામે કૌભાંડોના આરોપી લગાવી રહ્યા છે. વર્ષ 1953 માં સ્થપાયેલી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વર્ષ 1969 સુધી રહેલા ચાર ચેરમેન કોંગ્રેસી હતા ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ગણાતા અરવિંદભાઈ મણીઆરની એન્ટ્રી થઈ અને તેઓ ચેરમેન બન્યા બાદ આ બેંકમાં સંઘનો પાયો નખાઈ ગયો. જો કે તેના 55 વર્ષ બાદ આ બેંક સામે અરવિંદભાઈ ના જ પુત્ર અને સંસ્કાર પેનલના આગેવાન કે જેમની ઉમેદવારી રદ થઈ ચૂકી છે તેમના દ્વારા બળવો કરવામાં આવતા 28 વર્ષ બાદ આ બેંકમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે. 

કલ્પકભાઈ નો આક્ષેપ છે કે આ બેંકમાં કૌભાંડો થાય છે જુનાગઢ અને મુંબઈની કાલબાદેવી બ્રાન્ચમાં કૌભાંડો થયાની વાત સાથે તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા પરંતુ હવે તેમના પક્ષે ડિરેક્ટરોની 21 બેઠક સામે 11 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે આજે તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે બેંકમાં થતા કૌભાંડોની ફરિયાદ થાય એટલે અમે ચૂંટણી નહીં લડીએ પરંતુ જો ફરિયાદ નહીં થાય તો અમારા 11 ઉમેદવારો ચૂંટણી લડશે અને આ ઇલેક્શનમાં જીત થાય તો અમે તુરંત કૌભાંડો બંધ કરાવશો અને જો હારી જશુ તો અમારી લડત ચાલુ રહેશે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સંઘ અને ભાજપના જ લોકો અંદરો અંદર સામસામે આવી ગયા છે. જેનાથી રાજકારણ ગરમાયું છે. તેમાં પણ તાજેતરમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બેંકમાં લોન આપવામાં તેમજ નોકરીમાં કૌભાંડો થતા હોવાનો આક્ષેપ કરાયો હતો. 

આજે મીડિયા સમક્ષ કલ્પકભાઈ મણિઆરે જણાવ્યું હતું કે હાઇકોર્ટ દ્વારા સંસ્કાર પેનલના ચાર ઉમેદવારો ના નામ રદ કરવામાં આવ્યા તે હુકમને અમે સ્વીકારીએ છીએ પરંતુ સામે પક્ષે સહકાર પેનલમાં તમામ ઉમેદવારો બે જગ્યાએ સભ્યપદ ધરાવે છે જોકે અમે તેમાં પડવા માંગતા નથી અમારો એક જ મુદ્દા નો કાર્યક્રમ છે કે બેંકમાં થતા કૌભાંડો બંધ કરવામાં આવે રાજકોટ નાગરિક સહકારી બેંક કૌભાંડ મુક્ત બને તે જ અમારો આશય છે ચૂંટણી લડવી એ અમારો હેતુ નથી. સહકાર પેનલ સામે ચૂંટણી લડતા સંસ્કાર પેનલના ઉમેદવારો અને ટેકેદારોને સામ દામ દંડ ભેદ થી રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો હતો.

જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે ભાજપના આગેવાનો સમક્ષ આપે રજૂઆત કરી કે કેમ અને ચૂંટણી લડવાનું નક્કી કર્યું તો ત્યારે ભાજપ કે સંઘના આગેવાનો આપને મનાવવા આવ્યા હતા કે કેમ ? તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી સંઘ અને ભાજપના સભ્યો છીએ જેથી ન માત્ર રાજકોટ કે ગુજરાત જ પરંતુ પૂરા ભારતના સંઘ અને ભાજપના લોકો અમને મળવા આવશે. અમે શંખ અને ભાજપમાં જ છીએ અને રહેવાના છીએ અમને કોઈ દૂર નહીં કરી શકે. જોકે સહકાર પેનલ ને ભારતીય જનતા પક્ષ દ્વારા ખુલ્લુ સમર્થન આપવામાં આવતા તે બાબતે કલ્પકભાઈએ કોઈ જ ટિપ્પણી કરી ન હતી.

તેમણે જુનાગઢ બ્રાન્ચ દ્વારા જે પ્લોટ ઉપર રૂ. 10,00,000 ની લોન મળે ત્યાં રૂપિયા 40 લાખની લોન આપી કૌભાંડ કર્યા હોવાના આક્ષેપો કર્યા હતા અને તેમાં તેમણે એવું પણ કહ્યું કે જુનાગઢ મહાનગરપાલિકામાં રજૂ થયેલો પ્લાન સાચો છે જ્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રજૂ થયેલો પ્લાન ખોટો છે. આ જ રીતે મુંબઈના કાલબાદેવી બ્રાન્ચમાં પણ કૌભાંડ થયું છે જેથી તેની તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી હવે મામા - ભાણેજ વિના થશે તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે જોકે સહકાર પેનલનો જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલને કલ્પક મણિઆર (ભાણેજ) નો દોરી સંચાર રહેશે છે તે નક્કી છે. જોકે 28 વર્ષ બાદ ચૂંટણી થશે એ નક્કી છે કારણકે 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલ માંથી 21 ઉમેદવારો તો સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ થયા છે. 6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ છે તો હવે સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના નામ કલેકટર બાદ હાઇકોર્ટ માંથી પણ રદ કરવામાં આવતા હવે સંસ્કાર પેનલમાંથી માત્ર 11 બેઠક પર જ ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યારે સહકાર પેનલ હાલ 10 સીટ બિનહરીફ થવાને કારણે જીતી ચૂકી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભાજપ તરફી સહકારી પેનલમાં 21 ડિરેક્ટરોની બેઠક પર 21 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સંસ્કાર પેનલ તરફથી 21 માંથી માત્ર 15 બેઠક પર જ ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા અને આ 15 માંથી 4 બેઠક પર લડતા કલ્પક મણીઆર સહિતના નામ રદ કરવામાં આવ્યા અને તેમાં કારણ એ આપવામાં આવ્યું કે તેઓ બે જગ્યાએ ડિરેક્ટર હોવાથી ચૂંટણી ન લડી શકે. સંસ્કાર પેનલમાં 2 જગ્યાએ ડિરેક્ટર હોય તેવા કલ્પક મણિઆર અને તેમનાં ભાઈ મિહિર મણિઆર ઉપરાંત હિમાંશુ ચીનોઈ અને નિમેશ કેશરીયાનુ નામ રદ કરવામાં આવતા તેઓ હાઇકોર્ટમાં ગયા પરંતુ ત્યાંથી પણ રીટ રદ કરવામાં આવેલી છે. 

સહકાર પેનલ તરફથી 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં આ ઉમેદવારો મેદાન

1) માધવ દવે
2) ચંદ્રેશ ધોળકિયા
3) દિનેશ પાઠક
4) અશોક ગાંધી
5) ભૌમિક શાહ
6) કલ્પેશ ગજ્જર પંચાસરા
7) ચિરાગ રાજકોટિયા
8) વિક્રમસિંહ પરમાર
9) હસમુખ ચંદારાણા
10) દેવાંગ માંકડ
11)ડો.એન.જે.મેઘાણી
12) જીવણ પટેલ
13) જ્યોતિબેન ભટ્ટ
14) કિર્તીદાબેન જાદવ
15) નવીન પટેલ (બિનહરીફ)
16) સુરેન્દ્ર પટેલ (અમદાવાદ) (બિનહરીફ)
17) દીપક બકરાણીયા (મોરબી) (બિનહરીફ)
18) મંગેશ જોશી (મુંબઈ) (બિનહરીફ)
19) હસમુખ હિંડોચા (જામનગર) (બિનહરીફ)
20) બ્રિજેશ મલકાણ
21) લલીત વોરા (ધોરાજી) (બિનહરીફ)

સંસ્કાર પેનલ તરફથી 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં આ ઉમેદવારો મેદાને

1. જયંત ધોળકિયા
2. લલિત વાડેરીયા
3. ડૉ. ડી. કે. શાહ
4. દીપક કારીઆ
5. વિશાલ મીઠાણી
6. દીપક અગ્રવાલ
7. ભાગ્યેશ વોરા
8. વિજય કારીઆ
9. પંકજ કોઠારી
10. નીતાબેન શેઠ
11 હિનાબેન બોઘાણી

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં 28 વર્ષ બાદ ચૂંટણી

અગાઉ થયેલા ઇલેક્શનમાં કોણ ચેરમેન બન્યું અને કોણ હાર્યું ?
વર્ષ - ચેરમેન - પરાજીત ઉમેદવાર
1981 - હેમેન્દ્ર મહેતા - 4 ઉમેરવારો લડેલા
1988 - ગોદુમલ આહુજા - 4 ઉમેદવારો લડેલા
1996/97 - ચંદ્રકાંત પાવાગઢી - કશ્યપ શુક્લા

17 નવેમ્બરે આ મતદાન મથકો પરથી મતદાન થશે
રાજકોટ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર, અમદાવાદ, સુરત અને મુંબઈમાં આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની બ્રાન્ચ ખાતે 17મી નવેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે. જેમાં સવારે 8 વાગ્યે મતદાન શરૂ થઈ જશે. જે સાંજ સુધી ચાલશે. 3.37 લાખ સભાસદો એટ્લે કે શેર હોલ્ડર છે. તેના પ્રતિનિધિ તરીકે 332 મતદારો મતદાન કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news