GTU ના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઇકને બનાવી દીધી ઇલેક્ટ્રિક બાઇક, 25 પૈસા પ્રતિ કિમી ખર્ચ
દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈકનું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3 કે 4 દિવસના સમયમાં 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: સમગ્ર વિશ્વમાં પુન:અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતોના વપરાશમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આગામી પેઢી માટે પુન: અપ્રાપ્ય ખનીજ સ્ત્રોતનો વૈકલ્પીક સ્ત્રોત મેળવવો ખૂબ જ આવશ્યક છે. સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય અને અન્ય વૈકલ્પિક સ્ત્રોતનો વપરાશ સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ ફાયદાકારક છે.
આ હેતુથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે ઈનોવેશન એન્ટરપ્રિન્યોરશિપમાં અભ્યાસ કરતાં અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયા નામના વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રીક બાઈક (Electric Bike) માં રૂપાંતરીત કર્યું.
એર્કી મોટર્સના સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ જણાવ્યું કે સામાન્ય લોકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને અમે પેટ્રોલ બાઈક (Petrol Bike) માં કન્વર્ઝન કિટનો ઉપયોગ કરી ઈલેક્ટ્રીક બાઈકમાં રૂપાંતરીત કર્યું છે. છેલ્લા 6 વર્ષથી અમે રીસર્ચ કરી રહ્યા હતા, જે આખરે હવે સફળ થયું છે. દરેક વ્યક્તિને આર્થિક રીતે પરવડી શકે અને પ્રદૂષણ રહીત આ ઈલેક્ટ્રીક બાઈક (Electric Bike) નું રૂપાંતરણ કોઈ પણ પેટ્રોલ બાઈકમાંથી 3 કે 4 દિવસના સમયમાં 15 થી 20 હજારના ખર્ચમાં કરાવી શકાય છે.
જેમાં 4 લેટએસિડ અને લિથિયમની 2 કુલ મળીને 6 બેટરીનો ઉપયોગ થયો છે. 90 મીનીટના સમયગાળામાં ફૂલ ચાર્જીંગ કરેલ બેટરીથી 0.25 પૈસા / કિમીની એવરેઝથી 80 કિમી સુધીની મુસાફરી કરી શકાય છે. જેનો ખર્ચ માત્ર 2 યુનિટ લાઈટ બિલના 12 થી 20 રૂપિયા જેટલો થાય છે. આ બેટરી 2,000 વખત ચાર્જીંગ કરી શકાય છે.
સ્ટાર્ટઅપકર્તા અર્પિત ચૌહાણ અને કાર્તિક આત્રેયાએ કહ્યું કે, પેટ્રોલથી સંચાલિત બાઈકમાં પ્રતિ કિમી 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે 10 થી 12 ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદૂષણ ફેલાય છે. જ્યારે ઈલેક્ટ્રીક કન્વર્ઝન બાઈકમાં હવાનું પ્રદૂષણ થતું નથી , માત્ર 3 થી 6 ડેસીબલની માત્રામાં જ અવાજ થતો હોવાથી 70% થી પણ ઓછી માત્રામાં ધ્વની પ્રદૂષણ થતું જોવા મળે છે.
કેટલાક ઉપકરણોનો વપરાશ ના હોવાને કારણે બાઈકમાંથી તેને દૂર કરવામાં આવે છે. પરતું બાઈકનું બેલેન્સ પણ જળવાઈ રહે તે હેતુસર , તેનું વજન અન્ય બાઈકની સમકક્ષ જ 100 થી 150 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. ગેરલેસ ઈલેક્ટ્રીક બાઈક 60 થી 120 કિમી / કલાકની ઝડપ ધરાવે છે. આગામી સમયમાં ટ્રેક્ટર , રીક્ષા , ઈલેક્ટ્રીક સાઈકલ અને કાર પણ વિકસાવવા માટેના રીસર્ચ ચાલુ છે. હાલની તારીખમાં દરેક ઓટોમોબાઈલ્સ કંપનીની તમામ પ્રકારની બાઈકની કન્વર્ઝન ડિઝાઈન તૈયાર કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે