આનંદીબેનથી, રૂપાણી અને આજે ખટ્ટરનો વારો, ગુજરાતમાં પ્રયોગ બાદ આ 4 રાજ્યના CMની ખુરશી ગઈ
Loksabha election : ભાજપ માટે સીએમની ખુરશી એ નવી બાબત નથી. આ પહેલાં પણ 3 રાજ્યોના સીએમની ખુરશી બદલાઈ છે. ગુજરાતમાં તો આખેઆખી રૂપાણી સરકાર ઘરભેગી કરી દેવાઈ હતી. ગઈકાલે આ પ્રયોગમાં ખટ્ટરનો વારો પડી ગયો છે.
Trending Photos
Loksabha election: ભાજપ માટે ગુજરાત એ રાજકારણની લેબોરેટરી છે. અહીં થતા સફળ પ્રયોગોનો દેશભરમાં અમલ થાય છે. મોદી અને અમિત શાહ માટે ગુજરાતએ પ્રયોગશાળા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે આનંદીબેનને હટાવી વિજય રૂપાણીને સત્તા સોંપવાના ભાજપના નિર્ણય બાદ 4 રાજ્યોના સીએમની સત્તા ગઈ છે. આનંદીબેન ભલે આજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે પણ જેના કારણે આનંદીબેને ખુરશી ગુમાવવી પડી હતી એ હાર્દિક પટેલ આજે ભાજપની ખિસકોલી બનીને વિરમગામથી ભાજપનો ધારાસભ્ય છે.
આખે આખી સરકાર ઉથલાવવી, જૂના જોગીઓને સાઈડલાઈન કરવા, નો રિપીટ થિયરી વગેરે ગુજરાતની પ્રયોગશાળામાં પાસ થયેલા પ્રયોગો છે. ગુજરાત ભાજપમાં દિલ્હી હાઈકમાન્ડનો સિક્કો વાગે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે આખી આખી વિજય રૂપાણી સરકાર ઉથલાવી દીધી હતી. જેમાં સીએમથી લઈને તમામ મંત્રીઓને ઘરભેગા કરી દેવાયા હતા અને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાની કમાન સોંપાઈ હતી.
આખુ મંત્રીમંડળ નવું બનાવવા છતાં ભાજપના કોઈ વરિષ્ઠ નેતાએ અવાજ ઉઠાવવાની હિંમત કરી ન હતી. એ પ્રયોગ ગુજરાતમાં સફળ રહ્યાં બાદ ભાજપે 4 રાજ્યોમાં આ પ્રયોગનો અમલ કર્યો છે. ગઈકાલે મનોહરલાલ ખટ્ટરને સીએમ પદથી હટાવી દેવાયા છે. ચર્ચા છે કે તેમને ભાજપ લોકસભાની ચૂંટણી લડાવી શકે છે. આ ચર્ચાઓ તો ગુજરાતમાં પણ હતી કે, નીતિન પટેલ રાજ્યપાલ બને છે. રાજ્યસભા લડે છે અને પછી લોકસભા લડે છે. નીતિન પટેલની એક પણ ચર્ચા સાચી ઠરી નથી.
તિરથ રાવતને હટાવીને પુષ્કર ધામીને બેસાડી દેવાયા
એમના સરકાર અને સંગઠનના સાથી રૂપાણી પણ પંજાબ હરિયાણાના પ્રભારી બની ગુજરાતના રાજકારણથી દૂર થઈ ગયા છે. પ્રદિપસિંહ જાડેજાથી લઈને જયેશ રાદડિયાએ પીએમની નજીક જવાનો પ્રયાસ કર્યો છે પણ આજે પણ પદથી વંચિત છે. હવે મનોહર લાલ ખટ્ટરના વખાણ કરીને ભાજપે સત્તા પરથી ફેંકી દેતાં હવે આગામી સમય જ બતાવશે કે મનોહરલાલ ખટ્ટર ફરી સક્રિય રાજકારણમાં પરત ફરે છે કે સાઈડ લાઈન થઈ જાય છે.
ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીની જગ્યાએ રિપ્લેસ થયા છે એમ ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં પણ મુખ્યમંત્રીઓ બદલી દેવાા છે. વજય રૂપાણી બાદ બીજો પ્રયોગ ત્રિપુરામાં થયો હતો. જેમાં માણિક સહાને સત્તા પરથી સાઈડ કરીને ભાજપે બિપ્લવ દેવને સત્તા સોંપી દીધી હતી. ભાજપ આટલેથી પણ અટક્યું ન હતું પણ ઉત્તરાખંડમાં તિરથ રાવતને હટાવીને પુષ્કર ધામીને બેસાડી દેવાયા હતા. આજે પુષ્કર ધામી ઉત્તરાખંડમાં સરકાર ચલાવી રહ્યાં છે.
જુલાઈ 2021માં તત્કાલિન મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેઓ માત્ર ચાર મહિના જ પદ પર રહી શક્યા. વર્ષે 2022માં ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પાર્ટીએ 47 બેઠકો જીતીને પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં ફરીથી સરકાર બનાવી હતી. જો કે, રાજીનામું આપતી વખતે તીરથ સિંહ રાવતે પેટાચૂંટણી ન યોજવાનું કારણ કોરોનાને ગણાવ્યું હતું. તેમણે સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યું કે બંધારણીય સંકટને જોતા મને રાજીનામું આપવું યોગ્ય લાગ્યું.
કર્ણાટકમાં ન રહ્યો સફળ પ્રયોગ
ભાજપે કર્ણાટકમાં પણ આ પ્રયોગ કર્યો હતો જોકે, તેઓ દક્ષિણના આ રાજ્યમાં સફળ રહ્યાં નથી. અહીં કોંગ્રેસની ગઠબંધન સરકાર ચાલી રહી છે. ભાજપે યેદીયુરપ્પાના નેગેટિવ રિપોર્ટ બાદ સત્તાની ચાવી બસવરાજ બોમ્બઈને સોંપી હતી પણ બસવરાજ કર્ણાટકમાં એ માહોલ ઉભો કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. આખરે ભાજપના પ્રયાસો છતાં આ રાજ્ય ભાજપે ગુમાવવું પડ્યું હતું. હવે વારો હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનો પડ્યો છે. આજે નાયબસિંગ સૈનીએ સત્તાની બાગડોર પોતાના હાથમાં લીધી છે. હરિયાણા સરકારનો ઓક્ટોબરમાં કાર્યકાળ પૂરો થાય છે. એ પહેલાં એન્ટિઈન્કમ્બસીનો માહોલ ખાળવા ભાજપે ખટ્ટરને ઘરભેગા કરી દીધા છે. ખટ્ટરને ખેડૂત આંદોલન નડી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે