VIDEO ભુજ: સ્વામિનારાયણ મંદિરના 'રંગીલા' સ્વામીનો મોટો દાવો, 12 સાધુઓના યુવતીઓ સાથે સંબંધ
ભુજ સ્વામિનારાયણ તાબાના નારણપર મંદિરના સાધુ ચંદ્રપ્રકાશસ્વામી કે જેના મોબાઈલ ફોનમાંથી તાજેતરમાં એક યુવતીના અશ્લિલ ફોટો અને ત્રણેક યુવતીઓ સાથેના સંબંધો અંગેની કબૂલાતની ઑડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને ભુજ મંદિર દ્વારા હાંકી કઢાયો છે.
Trending Photos
રાજેન્દ્ર ઠાકર, ભુજ: ભુજ સ્વામિનારાયણ તાબાના નારણપર મંદિરના સાધુ ચંદ્રપ્રકાશસ્વામી કે જેના મોબાઈલ ફોનમાંથી તાજેતરમાં એક યુવતીના અશ્લિલ ફોટો અને ત્રણેક યુવતીઓ સાથેના સંબંધો અંગેની કબૂલાતની ઑડિયો ક્લિપ વાયરલ થઈ હતી તેને ભૂજ મંદિર દ્વારા હાંકી કઢાયો છે. વિવાદ બાદ થોડાંક દિવસો સુધી ચંદ્રપ્રકાશને ભૂગર્ભમાં ઉતારી દેવાયાં બાદ મંદિરના આદેશથી ચંદ્રપ્રકાશની શિખા અને જનોઈ ઉતારી લેવાઈ સંસારી કપડાં પહેરાવી મંદિરે પરત સ્વગૃહે મોકલી દીધો છે. ભગવાં ઉતારી લેવાતાં દુઃખી અને રોષે ભરાયેલાં ચંદ્રપ્રકાશસ્વામીએ અન્ય સંતોની પોલ ખોલતાં ચોંકાવનારાં આક્ષેપો કર્યાં છે. ઝી મીડિયા આ દાવાની પુષ્ટિ કરતું નથી.
અન્ય 12 સાધુ પણ યુવતીઓ સાથે સંબંધ રાખે છે, મને એકલાંને ફસાવાયો
ભુજના ગોડપર ગામે રહેતા રસિક કેરાઈ (ઉ.વ. 26) ઊર્ફે ચંદ્રપ્રકાશસ્વામીએ અનેક ચોંકાવનારા દાવા કર્યાં છે. તેના કહેવા મુજબ પોતાને જે કહેવાતા ગુના બદલ હાંકી કઢાયો છે તે ગુનો ખરેખર તો તેને બદનામ કરવા માટે પોતાના ગુરુ સહિતના અન્ય સંતોએ રચેલા ષડયંત્રનો ભાગ હતું. આ દાવો કરી અન્ય 12 સાધુઓ પણ સ્ત્રીઓ સાથે સંબંધ રાખતાં હોવાનો સનસનીખેજ આક્ષેપ ચંદ્રપ્રકાશસ્વામીએ કર્યો છે.
ચંદ્રપ્રકાશસ્વામીએ જણાવ્યું કે 'જે યુવતી સાથેના મારા સંબંધોનો મુદ્દો ઉછાળાયો છે તે યુવતી સહિત અન્ય અનેક યુવતીઓ અને સાંખ્યયોગી બહેનો સાથે અન્ય બારેક સાધુઓ પણ સંબંધ રાખે છે. પોતાને ફસાવવાના ભાગરૂપે ખુદ તેના ગુરુ જ્ઞાનપ્રકાશસ્વામીએ તેનો મોબાઈલ ફોન ચોરીને ભદ્રેશ હિરાણી (રહે. ભારાસર, ભુજ), સૂરજ કેરાઈ (રહે. નારાણપર, હાલે ભુજ) અને હર્ષલ (મૂળ રહે. ભાવનગર) નામના ત્રણ યુવકોને આપી દીધો હતો. જે યુવતીના ફોટો વાયરલ થયાં છે તે યુવતીનો પોતાના મોબાઈલમાંથી સંપર્ક કરી તેની પાસે અશ્લિલ ફોટો મગાવી વાયરલ કરાયાં હોવાનો ચંદ્રપ્રકાશે દાવો કર્યો છે. આ યુવકો બાદમાં ચંદ્રપ્રકાશનું લેપટોપ અને એક હાર્ડડિસ્ક પણ ઝુંટવીને લઈ ગયાં હતા. આ યુવકોએ તેની સાથે પોલીસના નામે ધાકધમકી કરી હોવાનો પણ આરોપ કર્યો છે.'
વડીલ સંતોએ કશું ના કર્યું, કૃષ્ણવિહારીસ્વામીના ઈશારે રચાયું ષડયંત્ર
ચંદ્રપ્રકાશસ્વામીએ સમગ્ર ષડયંત્ર કૃષ્ણવિહારીસ્વામીએ રચ્યું હોવાનો આક્ષેપ કરી જણાવ્યું છે કે કૃષ્ણવિહારીસ્વામીના આ યુવતી સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. તો, અન્ય 11 સાધુઓ પણ તેમાં સામેલ હોવાનું જણાવી ચંદ્રપ્રકાશસ્વામીએ દાવો કર્યો કે 'તેમની આ લીલાઓ અંગે મેં મારા ગુરુ જ્ઞાનપ્રકાશસ્વામીને સઘળી વાત કરી હતી. જ્ઞાનપ્રકાશસ્વામીએ આ વાત ભુજ મંદિરના અન્ય એક સંત દેવપ્રકાશસ્વામીને જણાવી હતી. પરંતુ, મંદિરના વડિલ સંતોએ આ પ્રવૃત્તિ અટકાવી નહીં. ઉલટાનું મેં બધી વાતો વડીલ સંતોને જણાવી દીધી છે તે વાતનું રહસ્ય જાહેર કરી દેવાયું અને કૃષ્ણવિહારીસ્વામી સહિતના લોકોએ મને બહારના ત્રણ યુવકોની મદદથી બદનામ કરી હાંકી કાઢવાનું ષડયંત્ર રચ્યું હતું. આ કરતૂતમાં દેવપ્રકાશસ્વામી પણ સામેલ હોવાનો તેણે આરોપ કર્યો છે.
અનેક સંતોની કામલીલાનો ચંદ્રપ્રકાશસ્વામીએ ખુલાસો કર્યો
ચંદ્રપ્રકાશસ્વામીએ ભુજ મંદિરના અનેક સંતો અને મહિલાઓના નામજોગ ઉલ્લેખ સાથે તેમની ચિત્ર-વિચિત્ર કામલીલાઓનું વર્ણન કરી દાવો કર્યો છે કે જો આ સંતોના મોબાઈલ ફોન ચેક કરાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો કે, ચંદ્રપ્રકાશસ્વામી પાસે તેના આક્ષેપોનુ સમર્થન કરતા કોઈ પૂરાવા નથી. જે થોડાં ઘણાં પૂરાવા હતા તે તેના મોબાઈલ ફોન અને લેપટોપને બળજબરીથી છીનવી ‘ફોર્મેટ’ કરી તેમાંથી દૂર કરી દેવાયાં હોવાનું જણાવ્યું છે.
વિવાદ બાદ બળજબરીથી ગોંધી રખાયો ને સુરત ધકેલી દેવાયો
ચંદ્રપ્રકાશે જણાવ્યું કે યુવતી સાથેના સંબંધો અંગેની ઑડિયો ક્લિપ અને ફોટો વાયરલ થયાં બાદ તેને બળજબરીપૂર્વક નારાણપરના મંદિરમાં એક રૂમમાં ગોંધી રખાયો હતો. યુવતીના પરિવારજનો તેને મારવા શોધતાં હોવાના બહાને ગોંધી રખાયો હતો. હકીકતમાં યુવતીના પરિવારજનોએ પોતાને નિર્દોષ જણાવતી ક્લિનચીટ આપી હોવાનો ચંદ્રપ્રકાશે દાવો કર્યો છે. દાવા સંદર્ભે ફોન પર થયેલી ઑડિયો ક્લિપ પણ પૂરાવારૂપે આપી છે. મંદિરમાં ગોંધી રખાયાં બાદ ચંદ્રપ્રકાશને સુરતમાં ઘનશ્યામ પટેલ નામના એક પૂર્વ સાધુ અને હાલે સંસારી એવા શખ્સ ઘરે મોકલી અપાયો હતો. બાદમાં તેને બળજબરીપૂર્વક સંસારમાં પરત મોકલી અપાયો છે.
અગાઉ પણ ચંદ્રપ્રકાશે ‘લક્ષ્મણરેખા’નું ઉલ્લંઘન કર્યું હતું
કાવાદાવાઓના લીધે પોતાને સંસારમાં પરત મોકલી દેવાતાં વ્યથિત અને રોષે ભરાયેલાં ચંદ્રપ્રકાશે વાત વાતમાં જણાવ્યું કે અગાઉ ભીમાસરની એક સાંખ્યયોગી સાથે વાત કરવા બદલ તેને કોઠારામાં બોલાવી દેવપ્રકાશસ્વામીએ થપ્પડ મારી પ્રાયશ્ચિત કરાવેલું. તો પછી તાજેતરના વિવાદમાં તેને શા માટે મંદિરમાંથી હાંકી કઢાયો? પોતાને સજા કરનારાં પણ દૂધે ધોયેલાં નથી તેમ જણાવી ચંદ્રપ્રકાશે ચીમકી ઉચ્ચારી છે કે જો અન્ય સાધુ વિરુધ્ધ કોઈ પગલાં નહીં લેવાય તો પોતે પોલીસ ફરિયાદ નોંધાવશે.
છ વર્ષ ભુજ મંદિરના તાબામાં રહેનાર ચંદ્રપ્રકાશસ્વામી ઊર્ફે રસિક કેરાઈ અગાઉ લાંબો સમય યુગાન્ડામાં રહી ચૂક્યો છે. તે કૉમ્પ્યુટરનો નિષ્ણાત છે. પુત્રના નામે વિવાદ સર્જાયાં બાદ મસ્કતમાં મજૂરીકામ કરતાં તેના પિતાએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરવા પ્રયાસ કર્યો હતો. આ સ્યુસાઈડ નોટમાં પણ મંદિરના કેટલાંક સંતોની નીતિ-રીતિ સામે સવાલો ઉઠાવ્યાં હતા. સમગ્ર વિવાદ અંગે અત્યારસુધી મોંઢે ‘ખંભાતી તાળાં’ ધારણ કરીને બેઠેલાં મંદિરના જવાબદાર સંતો હવે કોઈ ખુલાસો આપે છે કે નહીં તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે