ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Gujarat IPS Corruption : ગુજરાતના પોલીસ બેડામાં એક IPS અધિકારીના તોડકાંડની ચર્ચા થઈ રહી છે. સરકારના આ માનીતા IPS અધિકારીએ બે બિલ્ડરોની લેતીદેતીમાં 22 કરોડનો તોડ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે
Trending Photos
Gandhinagar News : ગુજરાતની આઈપીએસ લોબીમાં હાલ એક જ ચર્ચા થઈ રહી છે કે, કયા IPS એ 22 કરોડનો તોડ કર્યો? ચર્ચા છે કે, અમદાવાદના બે મોટાગજાના બિલ્ડરના 500 કરોડના વિખવાદમાં એક IPS દ્વારા 22 કરોડના તોડ કરાયાની કાનાફૂસી શરૂ થઈ છે. સરકારના એક હજાર કરોડના પ્રોજેક્ટમાં ટેન્ડર ભાગીદારી કરી હોવાની ચર્ચા વહેતી થઈ છે.
બિલ્ડર અને તેની પત્નીને IPS એ પગ પાસે બેસાડી રડાવ્યા
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બે ટોચના બિલ્ડરો વચ્ચે 500 કરોડ રૂપિયાના વિખવાદ ચાલી રહ્યો હતો. જેમાં એક IPS અધિકારીની ભૂમિકા બહાર આવી છે. IPS અધિકારીએ બેમાંથી એક બિલ્ડર અને તેની પત્નીને પોતાના પગ પાસે બેસાડીને અત્યંત અપમાનિત કરીને રડાવ્યા હતા. જેથી ગભરાયેલા બિલ્ડરે પત્નીની હાલત જોઈને IPS અધિકારીને હાથ-પગ જોડીને પતાવટ કરવાનું કહ્યું હતું. ત્યારે મામલો પતાવવા માટે IPS અધિકારીએ બિલ્ડરની પાસેથી 22 કરોડ રૂપિયાનો તોડ પણ કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
બિલ્ડરે દિલ્હી સુધી કરી ફરિયાદ, થઈ બદલી
જોકે, IPS અધિકારીની ચુંગાલમાંથી છૂટયા બાદ બિલ્ડરે આ IPS અધિકારીની દિલ્હી દરબારમાં ફરિયાદ કરી હોવાનું કહેવાય છે. આ કારણે આ અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવાઈ હોવાનું કહેવાય છે.
શું છે બે બિલ્ડર વચ્ચેનો ડખો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના બે ટોચના બિલ્ડરોએ સરકારના એક હજારના કરોડના મોટા પ્રોજેક્ટ માટે ટેન્ડર ભર્યું હતું. બંને બિલ્ડરો સમજૂતીથી આ પ્રોજેક્ટ પૂરો કરવાના હતા અને આ માટે તમામ વહીવટ કરવાના હતા. પરંતું રૂપિયા આવવા લાગતા એક બિલ્ડરની દાનત બગડી હતી, અને તેણે બીજા બિલ્ડરને રૂપિયા આપવાને બદલે બધી રકમ પોતાના ખાતામાં જમા કરાવી લીધી હતી. બીજા બિલ્ડરને આ વાતની જાણ થતા તેણે હિસાબ કરવાનું કહ્યું હતું, પરંતુ તેણે આ વાત ગણકારી ન હતી. તેથી બિલ્ડરે પતાના ભાગીદાર બિલ્ડર અને તેની પત્ની સામે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
આ બાદ બિલ્ડરે પોતાના નાણાં કઢાવવા માટે એક IPS અધિકારીનો સંપર્ક સાધ્યો હતો અને તેને 5 કરોડની લાંચ આપી હતી. જેથી IPS અધિકારીએ બિલ્ડર અને તેની પત્નીને આરોપી બનાવ્યા. એટલું જ નહિ, IPS અધિકારીએ બિલ્ડર તથા તેની પત્નીને ત્રાસ આપ્યો. બંનેને પોતાના ઘૂંટણીયે બેસાડીને અપમાનિત કર્યા હતા. બંનેને એટલા રડાવ્યા કે, બિલ્ડરે ભાગીદારને હિસાબના રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી.
જોકે, સમગ્ર કામના પતાવટમાં IPS અધિકારીએ 22 કરોડ રૂપિયા લીધા હતા. ભોગ બનનાર બિલ્ડરે રૂપિયાની લેતીદેતી પતાવવાના કેસમાં 22 રૂપિયા IPS અધિકારીને ચૂકવ્યા હતા.
આ બાદ સમગ્ર મામલો દિલ્હી ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો. જેથી સરકારે તાત્કાલિક અસરથી IPS અધિકારીની બદલી કરી દીધી છે. જોકે, આ IPS અધિકારી સરકારની ગુડબુકમાં હોવાથી તેની સામે કોઈ પગલા લેવાયા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે