શિક્ષણમંત્રીનો નવો ચહેરો લોકોને સ્પર્શી ગયો, જાતે જ ટ્રેક્ટર હંકારીને ભૂલકાઓને શાળાએ લઈ ગયા
સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ -કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ગઈકાલે (ગુરુવાર) શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે આજે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આણંદ જિલ્લાની થામણા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે નાના ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડીને જાતે જ શાળા સુધી લઈ ગયા હતા. શિક્ષણ મંત્રીએ પોતે જ ટ્રેક્ટર ચલાવ્યું હતું અને બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શિક્ષણમંત્રીના આ નવો ચહેરો લોકોને સ્પર્શી ગયો હતો અને લોકોએ તેમના વખાણ કર્યા હતા.
સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ -કન્યા કેળવણી મહોત્સવનો ત્રિ-દિવસીય મહાયજ્ઞ ઉલ્લાસ પૂર્ણ માહોલ વચ્ચે ચાલી રહ્યો છે. આ મહોત્સવના બીજા દિવસે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની થામણા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણમંત્રી @jitu_vaghani એ ચલાવ્યું ટ્રેક્ટર, જુઓ વીડિયો#ZEE24Kalak pic.twitter.com/c8JQi15Clf
— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2022
શિક્ષણમંત્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કન્યા કેળવણીનું સ્વપ્ન સાચા અર્થમાં ચરિતાર્થ થાય અને ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર વધે તે માટે 2003ના વર્ષથી આરંભાયેલા કન્યા કેળવણી રથયાત્રાના સાચા અર્થમાં ચાલક બની થામણા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પ્રવેશપાત્ર ભૂલકાઓને ટ્રેક્ટરમાં બેસાડી તેઓએ જાતે ટ્રેક્ટર ચલાવીને ભૂલકાઓને પ્રાથમિક શાળા સુધી લઈ ગયા હતા. એટલું જ નહિ પરંતુ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને આત્મીયતાથી પિતાતુલ્ય લાગણી સાથે શૈક્ષણિક કીટ આપી તેમનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
રાજ્યમાં આરંભાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના બીજા દિવસે મંત્રી વાઘાણી પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થવા જ્યારે થામણા ખાતે પહોંચ્યા તે સમયે તેમનું સ્વાગત કરવા કરવા માટે પ્રાથમિક શાળાથી અંદાજે 500 મીટરથી પણ વધુ દૂર સુધી બંને તરફ વિદ્યાર્થીઓની લાઈન હતી અને મંત્રીને ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી લઈ જવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીને જ્યારે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે તેમને આ બાબતની જાણ થઈ, એટલે તુરત જ તેમણે ગામના સરપંચ તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બનેલા ગ્રામજનો અને શાળા પરિવારને તેમનું સ્વાગત આ રીતે કરવાના બદલે શાળામાં પ્રવેશપાત્ર બાળકોને અને તેમનું સ્વાગત કરવા ઊભેલી દીકરીઓને તેઓ પોતે જ ટ્રેક્ટરમાં બેસાડી, ટ્રેક્ટર પોતે ચલાવી તેમને શાળા સુધી લઈ જશે તેમ જણાવ્યું. એટલું જ નહિ પરંતુ તેમણે જાતે ટ્રેક્ટર ચલાવી દીકરીઓને - પ્રવેશપાત્ર બાળકોને શાળા સુધી પહોંચાડ્યા ત્યારે ઉપસ્થિત સૌ કોઈને મંત્રીની આ સરળતા સ્પર્શી ગઈ હતી.
ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર બને અને દીકરાઓની સાથે દિકરીઓ પણ ભણે અને રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા રૂપી મહા અભિયાન હાથ ધરવામાં આવે છે. અભિયાન સાચા અર્થમાં સાર્થક થાય તે માટે આજે થામણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પોતે જ ટ્રેક્ટર રૂપી રથયાત્રાના ચાલક બની, 500 મીટરથી પણ વધુ દૂરથી ટ્રેક્ટર ચલાવીને ગામની દીકરીઓ અને પ્રવેશપાત્ર દીકરા -દીકરીઓને શાળા સુધી લઈ ગયા હતા. શિક્ષણમંત્રીના આ કન્યા કેળવણી રથયાત્રા રૂપી ટ્રેક્ટરના ચાલક બનવાના સહજ કાર્યમાં રાજ્ય સરકારની કન્યા કેળવણી પ્રત્યેની પ્રતિબદ્ધતાના સાચા અર્થમાં દર્શન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે