Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં
ગુજરાતમાં ફીર એકબાર મોદી સરકાર આવી ગઈ છે. 2014ની જેમ જ લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના હાથમાં કંઈ જ ન આવ્યું. તો બીજી તરફ, ભાજપની ઝોળીમાં ફીર એકબાર છપ્પર ફાડકે સફળતા આવી છે.
Trending Photos
અમદાવાદ :આશરે દોઢ મહિના સુધી ચાલેલી લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે ગુજરાતમાં EVM ખૂલ્યા હતા. જેમાં લગભગ ત્રણ કલાકમાં ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થતો હોય તેવું પિક્ચર ક્લિયર થઈ ગયું હતું. ગુજરાતમાં ફીર એકબાર મોદી સરકાર આવી ગઈ છે. 2014ની જેમ જ લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના હાથમાં કંઈ જ ન આવ્યું. તો બીજી તરફ, ભાજપની ઝોળીમાં ફીર એકબાર છપ્પર ફાડકે સફળતા આવી છે. બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની જંગ સમાન ગણાતી બેઠક ગાંધીનગર પર ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 4 લાખથી વધુ લીડથી આ બેઠક કબજે કરી હતી. તો બીજી તરફ, ભાજપના અનેક ઉમેદવારો લાખોની લીડથી વિજયી બન્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓ તથા મંત્રીઓ અને નેતાઓ સાથે વિજયની ખુશી ઉજવી હતી, તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હારની જવાબદારી સ્વીકારી છે.
-
દાદરા નગર હવેલીમાં ભાજપ અને અપક્ષ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ભાજપના નટુ પટેલ અને અપક્ષના મોહન ડેલકર વચ્ચે ટક્કર ચાલી રહી છે. 10 રાઉન્ડ સુધી ભાજપ આગળ હતું, પણ ત્યાર બાદ ભાજપની 11000ની લીડ કાપીને 16માં રાઉન્ડમાં અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરે 3000ની ભાજપ પર મેળવી લીડ
બારડોલી લોકસભા બેઠક પર ભાજપના પ્રભુભાઈ વસાવાનો 2 લાખ 15 હજાર મતોથી ભવ્ય વિજય. કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીની કારમી હાર થઈ.
ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની થઈ જીત, તો કોંગ્રેસના બિમલ શાહ હાર્યા.
14.40 કલાકે છોટાઉદેપુરમાં ભાજપના ગીતા રાઠવાની થઈ જીત, કોંગ્રેસના રણજીત રાઠવા હાર્યા.
અમરેલીમાં ભાજપના નારણ કાછડીયા જીત્યા. તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીની થઈ હાર.
ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપના પરસોતમભાઇ સાબરીયાની થઈ જીત, તો કોંગ્રેસના દિનેશભાઈ પટેલ હાર્યા.
જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં રાઘવજી પટેલની થઈ જીત, તો કોંગ્રેસના જયંતી સભાયાની થઈ હાર.
14.15 કલાકે ગુજરાતમાં હાર સ્વીકારતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતા જાય છે. જનતાની અદાલતનો નિર્ણય આખરી હોય છે. જનતાએ ભાજપને ભવ્ય સફળતા અપાવી છે, હું તમામને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. લોકોએ આપેલા મતોનું દાન આગામી દિવસોમાં એળે ન જાય તે રીતે સરકકાર ગરીબી તથા અન્ય સમસ્યાઓને સાંભળે, સમસ્યાના નિવારણ માટે સત્વરે પગલા ભરે તેવી વિનંતી સાથે ભાજપન નેતૃત્વને અભિનંદન આપું છું. 2019નો રણસંગ્રામ દેશની પ્રજાના મન અને હૃદય વચ્ચેની લડાઈ હતી. હૃદયમાં ઉકળાટ હતો. માણસ મોંઘવારી, ગરીબી, ખેડૂતોના દેવાને લઈને અનેક સવાલો કરતા હતા. લોકોએ સમસ્યાઓને કોરાણે મૂકીને સરકારને પૂર્ણ સમર્થન આપ્યું છે, ત્યારે મને લાગે કે અમે લોકોના મનને વાંચવામાં નિષ્ફળ ગયા છે. આગામી દિવસમાં તેના ઉંડાણ સુધી જશું. પાર્ટીની ક્ષતિઓ સુધારીશું.
14.02 કલાકે કચ્છમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવાર નરેશ એન.મહેશ્વરી હાર્યા.
બનાસકાંઠામાં પરબત પટેલની જીત થઈ છે. કોંગ્રેસના પરથી ભટોળ હાર્યાં
નવસારીમાં ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ જીત્યા. કોંગ્રેસના ધર્મેશ પટેલ હાર્યા.
બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવાની જીત થઈ. કોંગ્રેસના તુષાર ચૌધરી હાર્યા.
વડોદરામાં રંજન ભટ્ટની જીત થઈ. કોંગ્રેસના પ્રશાંત પટેલની થઈ હાર.
આણંદમાં ભાજપના મિતેષ પટેલ જીત્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી હાર્યા.
ભાવનગરમાં ભારતીબેન શિયાળની થઈ જીત. તો કોંગ્રેસના મનહર પટેલ હાર્યા.
જુનાગઢમાં રાજેશ ચૂડસમાની જીત. કોંગ્રેસના પૂજાભાઈ વંશ હાર્યા.
જામનગરમાં પૂનમ માડમની જીત. કોંગ્રેસના મૂળુભાઈ કંડોરીયા હાર્યા.
અમદાવાદ પશ્ચિમમાં કિરીટ સોલંકી જીત્યા. કોંગ્રેસના રાજુ પરમાર હાર્યા.
રાજકોટમાં મોહન કુંડારીયાની થઈ જીત. કોંગ્રેસના લલિત કગથરાની થઈ હાર.
પાટણમાં ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની જીત થઈ. કોંગ્રેસના જગદીશ ઠાકોર હાર્યા.
ભરૂચમાં ભાજપના મનસુખ વસાવાની થઈ જીત. તો કોંગ્રેસના શેરખાન પઠાણ હાર્યા.
પોરબંદરમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકની થઈ જીત, તો લલિત વસોયા હાર્યા.
વિધાનસભાની ચારેય સીટ પર ભાજપના ઉમેદવારો આગળ છે.
13.34 કલાકે વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ અને ભાવનગરના ઉમેદવાર મનહર પટેલે પોતાની હાર સ્વીકારી. પ્રશાંત પટેલે ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટને સોશિયલ મીડિયાના માધ્યમથી જીત બદલ અભિનંદન આપ્યા હતા. તો ભાવનગરના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ હાર દેખાઈ જતા મતગણતરી સ્થળેથી રવાના થઈ ગયા હતા. ભાવનગર સેન્ટર બહાર ભાજપને જીતની શરૂઆત પણ કરી દીધી. ઉલ્લેખનીય છે કે, મતગણતરીમાં હાલમાં રંજનબેન ભટ્ટે 404012 જેટલા મતો મેળવ્યા છે. તો ભાવનગર ભાજપ ઉમેદવાર ભારતીબેન શિયાળે 2 લાખની લીડનો આંક વટાવ્યો છે.
-
13.29 રાજકોટ બેઠક ઉપર મોહનભાઇ જીતનો નવો રેકોર્ડ. કોંગ્રેસના ઉમેદવારની સામે ૩.૩૬ લાખની લીડ વધી. હજુ ૬૦ હજાર જેટલા મતોની ગણતરી બાકી છે
13.20 કલાકે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ જીત બદલ અભિનંદન પાઠવ્યા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, તેઓએ રાષ્ટ્રવાદના નારાને બુલંદ કર્યું છે. ગુજરાતની ઠાકોર સેનાનો આભાર માનું છું. ઠાકોર સેનાના લીધે 9 સીટો પર ભાજપનો વિજય રહ્યો.
13.11 કલાકે નવસારી લોકસભા બેઠક પર સી.આર. પાટીલે ૩ લાખની લીડ કરી પાર
12.20 કલાકે બીજેપીએ દીવ-દમણથી જીતનું ખાતુ ખોલ્યું. ભાજપના લાલુ પટેલ સતત ત્રીજીવાર દીવ-દમણમાં વિજયી બન્યા. લાલુ પટેલની હેટ્રિક જીતથી તેમના પરિવારજનો તથા કાર્યકર્તાઓમાં જશ્નોનો માહોલ જોવા મળ્યો હતો.
12.11 કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી કમલમ પહોંચ્યા હતા. વિજય રૂપાણી, જીતુ વાઘાણી, પરસોત્તમ રૂપાલા એકબીજાને મીઠાઈઓ ખવડાવીને ઉજવણી કરી હતી. તો મીડિયા સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું કે, ફરી વિજય મેળવવો તે મોદીજીની સૈથી મોટી ઉપલબ્ધિ છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે. પોલિટીકલ પંડિતોને લહેર દેખાતી ન હતી. પણ એક્ઝિટ પોલ બાદ લહેરની ચર્ચા શરૂ થઈ હતી. આ જીત સમગ્ર ભારતવાસીઓની જીત છે. ભારત વિજયી ભવ. નરેન્દ્ર મોદી પ્રતિ એક ઈમાનદાર, ચોકીદાર, દેશભક્ત, નિર્ણાયક, મજબૂત નેતૃત્વ પ્રતિ ભારતની જનતાએ ભાજપને વોટ આપ્યો છે. વડાપ્રધાન કોણ બનશે, મજબૂત સરકાર કોણ આપશે આ સમગ્ર મુદ્દા પર ભારતની જનતાએ વોટિંગ કર્યું હતું અને મોદીજીને કારણે આજે મોટી જીત મળી છે. હું તેમને નમન કરું છું. અમિત શાહે સંગઠનથી લોકોને પરિચય કરાવ્યો હતો. રાજસ્થાનમાં પણ 25 સીટ ભાજપને મળી છે, જે અમિત શાહની મોટી ઉપલબ્ધિ છે. તેમની ચાણક્યનીતિ, રાજનીતિમાં યશસ્વી નેતૃત્વ તેમણે પાર્ટીને આપ્યું છે. આ જીતમાં તેમનો પણ મોટો ફાળો રહ્યો છે. ગુજરાતમાં 26 સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની જનતાએ ગુજરાતના દીકરા, દુનિયાના નેતાને પ્રેમ આપ્યો છે. મોદી પર વિશ્વાસ કર્યો છે. ચાર વિધાનસભા પેટાચૂંટણીમાં પણ અમે જીતી રહ્યા છે. હુ ગુજરાતની જનતાને આભાર પ્રકટ કરું છું કે તેમણે રાજ્યની સાથે કેન્દ્રમાં પણ અમે જીત અપાવી છે. અમારા ગુજરાતના સમગ્ર નેતૃત્વએ જોશ લગાવીને બધાએ પોતાનો રોલ અદા કર્યો હતો. તેમને પણ આભાર. દેશ આગામી પાંચ વર્ષમાં દેશની કરવટ બદલાશે. જે ભરોસાથી જનતાએ વોટ આપ્યો તે સપનુ સાકાર થશે.
-
12.10 કલાકે ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા ૨૫૪૦૧૯, કોંગ્રેસના શેરખાન પઠાણ ૧૨૬૦૭૯ અને છોટુભાઈ વસાવાને ૫૫૬૦૫ મત મળ્યા. મનસુખ વસાવા ૧૨૭૯૪૦ મતથી આગળ છે.
12.00 કલાકે ભાજપ કાર્યાલય કમલની બહાર મોટાપાયે જશ્ન ચાલી રહ્યો છે. અનેક નેતાઓ ખુશીમાં ગરબા કરતા દેખાયા. બપોરે 12 વાગ્યે ભાજપના આ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જેમાં આણંદમાં મિતેશ પટેલ 127440 વોટથી આગળ, પોરબંદરમાં ભાજપ 79257 લીડથી આગળ, જામનગરમાં ભાજપનાં પુનમબેન માડમ 133735 મતથી આગળ, જુનાગઢમાં ભાજપના રાજેશ ચૂડાસમા 76075 મતથી આગળ, કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા 73806 મતથી આગળ, મહેસાણા ભાજપના શારદાબેન 18496 મતે આગળ, અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ 1 લાખ 35 હજાર મતોથી આગળ, પાટણમાં ભાજપના ભરત ડાભી 52259 મતથી આગળ, નવસારીમાં ભાજપના સીઆર પાટીલ 1,77, 294 મતથી આગળ, અમદાવાદ પશ્ચિમમાં ભાજપના કિરીટ સોલંકી 96437 મતથી આગળ, ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા ૧૨૭૯૪૦ મત આગળ
11.58 કલાકે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ પછડાયા. સવારે શરૂઆતના રાઉન્ડમાં પરેશ ધાનાણી અમરેલીમાં આગળ ચાલી રહ્યા હતા. પણ બાદમાં ચિત્ર બદલાયું હતું. ભાજપના નારણ કાછડિયાએ પરેશ ધાનાણીને પાછળ પાડી દીધા છે. બપોરે 11 કલાક બાદ ભાજપના નારણ કાછડિયા 27757 મતથી આગળ રહ્યા છે.
11.50 કલાકે 26 બેઠકો પર જંગી લીડ મેળવી રહેલ ભાજપ પોતાના ભવ્ય જીતની ભવ્ય ઉજવણી કરશે. સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી થોડીવારમાં કમલમ પહોંચશે. તેમજ અમદાવાદમાં જાહેર સભાનું આયોજન પણ કરાશે તેવું જાણવા મળ્યું છે. તો બીજી તરફ, અમદાવાદમાં એલિસબ્રિજ સ્મશાનની બહાર ‘કોંગ્રેસ આવે છે’ના બેનર લાગ્યા.
11.40 કલાકે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાના ઘરની બહાર ફાટકડા ફોડી ઉજવણી કરાઈ હતી. હીરા બાએ ઘરની બહાર આવી લોકોનું અભિવાદન ઝીલ્યું
11.31 કલાકે અમરેલી લોકસભાના ઉમેદવાર નારણ કાછડીયા જીત પહેલા જ નાગનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા. નારણ કાછડિયા સાથે પૂર્વ સંસદિય સચિવ હીરા સોલંકી પણ મંદિરે પહોંચ્યા.
11.26 કલાકે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ 2,49,388 મતોથી આગળ
11. 15 કલાકે સવારે ગણતરી ખૂલ્યા બાદ આણંદ બેઠક પર આગળ ચાલી રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી 4 કલાકમાં 90958 મતથી પછડાયા. આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલના 247365 મત પડ્યા. કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીના 163123 મતથી પાછળ ચાલી રહ્યા છે.
11.07 કલાકે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની છઠ્ઠા રાઉન્ડમાં 1,77,883ની લીડ સાથે આગળ. કુલ લીડ 2,17,327
નિવાસસ્થાનેથી બહાર આવેલા પીએમ મોદીના માતા હીરાબા
-
11.05 કલાકે કચ્છ લોકસભા વિસ્તારની 7 વિધાનસભા બેઠકના 193293 મતોની ગણતરી થઈ. ભાજપના વિનોદ ચાવડા સતત લીડ તરફ આગળ વધી રહ્યાં છે. વિનોદ ચાવડાને 108099 અને નરેશ મહેશ્વરીને 71849 મત મળ્યાં.
11.00 કલાકે ગુજરાત ભાજપના 6 ઉમેદવારો 1 લાખથી વધુ લીડથી સતત આગળ વધી રહ્યા છે. જેમાં ગાંધીનગરથી અમિત શાહ, ભરૂચના મનસુખ વસાવા, રાજકોટના મોહન કુંડારિયા, છોટાઉદેપુરના ગીતાબેન રાઠવા, સુરતના દર્શનાબેન જરદોશ એક લાખથી વધુ લીડથી આગળ ચાલી રહ્યા છે. તો જામનગરમાં ભાજપનાં પુનમબેન માડમ 92093 મતથી આગળ છે. તો ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળ 87470 મતે આગળ વધી રહ્યાં છે.
10.59 કલાકે લોકસભાની સાથે યોજાયેલી 4 વિધાનસભા સીટના ચૂંટણીના પરિણામો તરફ પણ નજર કરીએ. ધાંગ્રધા વિધાનસભાની બેઠક પર ભાજપ આગળ છે. ભાજપના પરસોત્તમ સાબરીયાએ 7244 વોટ મેળવ્યા, તો કોંગ્રેસના દિનેશ પટેલ 5111 વોટ મેળવ્યા છે. ઊંઝામાં પણ ભાજપના આશા પટેલ આગળ છે. તેમને 2348 વોટ મળ્યા છે, તો કોંગ્રેસના કામુ પટેલને 1664 વોટ મળ્યા છે. જામનગર ગ્રામ્યમાં પણ ભાજપ આગળ છે. ભાજપના રાઘવજી પટેલને 36570 મત પડ્યા, તો કોંગ્રેસના જયંતી સભાયાને 25500 વોટ પડ્યા છે. માણાવદરમાં પણ ભાજપ લીડમાં છે. ભાજપના જવાહર ચાવડા 10103 વોટથી આગળ છે, અને કોંગ્રેસના અરવિંદ લડાણી 7000 વોટથી પાછળ છે. 10.45 ગુજરાતની તમામ 26 બેઠક પર સતત લીડ તરફ આગળ વધતા ભાજપના બેડામા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગાંધીનગરમાં કમલમની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા છે. ગુજરાતમાં તમામ બેઠકો પર સરસાઈની ખુશી કાર્યકર્તાઓના ચહેરા પર સ્પષ્ટ ઝળકાઈ આવી છે. તો બેઠકો પર પણ જીતી રહેલા ઉમેદવારો અને તેમના કાર્યકર્તાઓ જીતની ખુશી મનાવી રહ્યાં છે.
10.40 કલાકે વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રંજનબેન 1 લાખ મત થી આગળ ચાલી રહ્યાં છે. તો અમદાવાદ પૂર્વ ભાજપના હસમુખ પટેલ 37245 મતથી આગળ છે. આ સાથે જ ભાવનગર ભાજપ દ્વારા વિજય સરઘસનો રૂટ જાહેર કરી દેવાયો છે. મત ગણતરી પૂર્ણ થતા પહેલા જ ભાજપના કાર્યકર્તાઓએ જીતની તૈયારી કરી લીધી છે. મત ગણતરી સેન્ટરથી 3 કલાકે વિજય સરઘસ નીકળશે. સરઘસ બાદ ભાજપ દ્વારા સભાનું પણ આયોજન કરાયું છે. પાટણમાં ઇવીએમ મત ગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરને 60877 મત પડ્યા, તો જ્યારે ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી 83202 મત મળ્યા
10.38 કલાકે હાલ આવી રહેલા પરિણામ બાદ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ ઓફિસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ અને અમિત ચાવડા સિવાય કોઈ નેતા કે કાર્યકાર્યાતો ફરક્યા નથી. વલસાડમાં ભાજપ ઉમેદવાર કે સી પટેલ 71421 મતથી આગળ ચાલી રહ્યા છે.
એક તરફ જીત તરફ વધી રહેલુ ભાજપ ઉજવણી કરી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસની ઓફિસમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો
-
10.30 કલાકે સાબરકાંઠામાં ત્રણ ઈવીએમ ખોટકાયા છે. મોડાસાનુ 1 અને હિંમતનગરના બે મશીન ખોટકાયા છે. વલસાડમાં ભાજપ ઉમેદવાર કે સી પટેલ 71421 મતથી આગળ ચાલી રહ્યા છે. જામનગર લોકસભા બેઠક પર 16માં રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને 152015 મત મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા 86799 મત મળ્યાં છે. પુનમ માડમ 65216 મતથી આગળ ચાલી રહ્યાં છે.
10.27 કલાકે ગુજરાતની તમામ સીટ પર ભાજપને સરસાઈ મળી રહી છે. તમામ બેઠકો પર ભાજપ લીડમાં આવી ગયું છે. અમરેલી, દાહોદ અને આણંદની બેઠકો પર પણ કોંગ્રેસ પાછળ પડ્યું. તો રાજકોટમાં જીતની જાહેરાત પહેલા જ ઉજવણી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં મોહન કુંડારિયા અને કુંવરજીભાઇ બાવળીયાની ભાજપની જીત અગાઉની ઉજવણી
10.20 કલાકે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ચોથા રાઉન્ડને અંતે 1,31,475 મતોથી જીત તરફ આગળ વધી રહ્યાં છે.
કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા રાજકોટના ઉમેદવાર મોહન કુંડારીયાને મળી રહેલી જંગી લીડ માટે અભિનંદન આપવા પહોંચ્યા
-
10.21 કલાકે વડોદરા બેઠક પર પોસ્ટલ બેલેટની ગણતરીમાં લોચો પડતા કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો. મૂળ મતો કરતા ગણતરીમાં વધુ મત નીકળ્યા. 1538 મતોની સરખામણીએ 1541 મત વધુ નીકળ્યા. જેથી કોંગ્રેસે પોસ્ટલ બેલેટ મત ગણતરી મોકૂફ રાખવાની માંગ કરી.
10.15 કલાકે રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયા આગળ. અમિત શાહ મોદી બાદ મોહન કુંડારીયા 102620 મતથી આગળ ચાલી રહ્યાં છે. તેમને 205166 મત મળ્યાં છે, તો કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાને 102546 મત મળ્યા છે. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ 52373 વોટથી આગળ ચાલી રહ્યા છે. તેમને 93771 વોટ મળ્યા છે, તો કોંગ્રેસના ધર્મેશ પટેલને ૪૧૩૯૮ મત મળ્યા છે.
10.00 કલાકે પ્રતિષ્ઠાની જંગ સમાન ગણાતી ગાંધીનગર બેઠક પર અમિત શાહ 1 લાખ લીડથી સતત આગળ ચાલી રહ્યા છે. તો આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી 12 હજાર વોટથી પાછળ છે. તો બીજી તરફ જાણવા મળ્યું છે કે, 12 વાગ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કમલમ પહોંચશે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ ગાંધીનગર બેઠક પરથી ગુજરાતમાં સૌથી વધુ લીડ મેળવી રહ્યા છે. તો બીજી તરફ ભાવનગરના ભાજપના ભારતીબેન શિયાળને 45951ની લીડથી બીજા નંબર પર છે. તેમને 84963 મત પડ્યા છે. તો સામે કોંગ્રેસના મનહરભાઈ પટેલને 39012 મત મળ્યાં છે.
9.57 કલાકે વલસાડ મતગણતરી દરમિયાન ઉમરગામ વિધાનસભાના બૂથ 6 પરનું ઇવીએમ મશીન ખોટકાયું છે, જેથી કર્મચારીઓ પરેશાન થયા છે. ખોટકાયેલા ઇવીએમ મશીનના મતોની ગણતરી વીવીપેટ દ્વારા કરવામાં આવશે.
9.52 કલાકે ગુજરાતની ચૂંટણીના પરિણાનું ચિત્ર કંઈક આવું છે. 26માંથી 25 સીટ પર ભાજપ સતત આગળ વધી રહ્યું છે, જ્યારે કે એકમાત્ર દાહોદ સીટ પર કોંગ્રેસ આગળ છે. દાહોદ લોકસભામાં કૉંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ કટારા 486 લીડથી આગળ છે. તો બીજી તરફ, દાદરા નગર હવેલીમાં 2 રાઉન્ડમાં અપક્ષ મોહન ડેલકર 450 વોટથી આગળ ચાલી રહ્યાં છે.
9.47 કલાકે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ત્રીજા રાઉન્ડ બાદ 79789 મતોથી આગળ, કોંગ્રેસના સી.જે. ચાવડા પાછળ
9.44 કલાકે ભરૂચના બીજેપી ઉમેદવાર મનસુખ વસાવા 21901 મતથી આગળ. BJPને 46185, Congressને 24284 અને BTPને 5316 વોટ પડ્યા. આણંદમાં ભાજપ મિતેશ પટેલ 60141 લીડથી આગળ ચાલે છે. તો કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ 40364 મત મળ્યા. લીડ 19777થી ભાજપ આગળ છે.
9.39 કલાકે સવારથી આગળ ચાલી રહેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પર હવે પાછળ ચાલી રહ્યાં છે. પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડુકને 15025 મત પડ્યા, તો કોંગ્રેસના લલીતભાઈ વસોયાને 6638 મત મળ્યા. ભાજપ 8387 લીડથી આગળ ચાલી રહ્યું છે. ભાવનગર પાંચમા રાઉન્ડ બાદ ભાજપના ભારતીબેન શિયાળને 54513 મત પડ્યા. જ્યારે સામે કોંગ્રેસના મનહરભાઈ પટેલને 24897 મત પડ્યા. ભાજપના ભારતીબેન ૨૯૬૦૦ની લીડથી આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢમાં 4 રાઉન્ડના અંતે ભાજપના રાજેશ ચુડાસમાને 22850 મત પડ્યા, તો કૉંગ્રેસના પુંજા વંશને 14719 મત પડ્યા. અહી પણ ભાજપની 8131 લીડથી આગળ ચાલી રહ્યું છે.
9.35 કલાકે જૂનાગઢમાં માંગરોળ બેઠકમાં બેટરીમાં ખામી સર્જાતા 3 મશીન ખોટકાયા
9.30 કલાકના અંતે ભાજપ 18 સીટ, તો કોંગ્રેસ 3 સીટ પર આગળ ચાલી રહ્યું છે
9.25 કલાકે દમણ દીવ લોકસભા બેઠક પર પહેલા રાઉન્ડમાં નોટામાં 100 મતો પડ્યા. પાટણમાં ઇવીએમ મત ગણતરીમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી 6197 મતથી આગળ ચાલી રહ્યા છે. તો અમદાવાદ પશ્ચિમ ભાજપ કિરીટ સોલંકી ૧૫૦૦૦ મતથી આગળ છે. વડોદરામાં ત્રીજા રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર રંજનબેન 36000 મતથી આગળ છે. સાબરકાંઠામાં ભાજપના દીપસિંહ રાઠોડ 8000 મતોથી આગળ, મહેસાણામાં ભાજપ ઉમેદવાર શારદાબેન પટેલ 8000 મત થી આગળ, બારડોલીમાં ભાજપ પ્રથમ રાઉન્ડના અંતે 4100 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.
9.22 કલાકે જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ 27,198 મત મળ્યા, તો કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા 20,596 મત મળ્યા. પુનમ માડમ 6,602 મતથી આગળ ચાલી રહ્યા છે.
9.21 કલાકે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બીજા રાઉન્ડને અંતે 52453 મતોથી આગળ
9.20 કલાકે અમદાવાદ પશ્ચિમ બેઠકમાં મતગણતરી માટેની સ્ક્રીન બગડી. મીડિયા રૂ માં રાખેલી સ્ક્રીનમાં ખરાબી નીકળી. હજુ સુધી એક પર રાઉન્ડ સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા નથી. તો મીડિયા કર્મીઓને કાઉંટિંગ સ્ટેશન પર જવા માટે પ્રતિબંધ
9.10 કલાકે પ્રથમ રાઉન્ડમાં ભાજપના રંજનબેન ભટ્ટ ૩૫૧૫ મતથી આગળ, નવસારી બીજેપી સીઆર પાટીલ 22500 મતથી આગળ, વડોદરામાં પોસ્ટલ બેલેટ મતગણતરીમાં ભાજપ ઉમેદવાર રંજનબેન ૧૦૦ મતથી આગળ, ભરૂચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ૧૩૮૩ મતે આગળ, જામનગરમાં ભાજપના પુનમબેન માડમ પ્રથમ તબક્કામાં 6898 મતથી આગળ, દાહોદ લોકસભા બેઠક પર પોસ્ટલ બેલેટની મતગણતરીમાં કૉંગ્રેસનાં બાબુભાઇ કટારા આગળ, નવસારી બીજેપી સીઆર પાટીલ 18000 મતથી આગળ 9.07 કલાકે 11 સીટ પર ભાજપ આગળ, તો 3 સીટ પર કોંગ્રેસ આગળ, અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૨૫ હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે
9.02 કલાકે બનાસકાંઠામાં પહેલા રાઉન્ડમાં 4 વિધાનસભાની મત ગણતરીમાં ભાજપના પરબતભાઇ પટેલ 10 હજાર મતોથી આગળ. તેઓ થરાદ 2400, અમીરગઢ, ધાનેરા 200, ડીસા, વાવ 2100 સહિત ના તમામ વિધાનસભા સીટ પર આગળ ચાલી રહ્યાં છે. તો બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પર આગળ ચાલી રહ્યાં છે. છોટાઉદેપુર બેઠક પર ભાજપના ગીતાબેન રાઠવા 19535 મતોથી આગળ. ભરૂચ પ્રથમ રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ. 1380 મતથી મનસુખ વસાવા આગળ
9.00 કલાકે અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલની પોલીસ સાથે રકઝક થઈ છે. કોંગ્રેસના ઉમેદવારને પોલીસે ઓળખ્યા જ નહિ, જેથી તકરાર થઈ હતી. પોલીસ ન ઓળખતા ગીતા બહેને પોતાની ઓળખ આપી હતી અને લાંબી સમજાવટ બાદ ગીતા બહેને પોતાને ઉમેદવાર સાબિત કર્યા. આખરે ગીતાબેનને પોલીસે કાઉંટિંગ સેન્ટરમાં આપ્યો પ્રવેશ
9.00 કલાકે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, અમદાવાદ પશ્ચિમ બેઠક ખાતે મતગણતરી શરૂ થઈ છે. ઉમેદવારોની હાજરીમા સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા છે. એજન્ટોને મતગણતરી મામલે તમામ માહિતી આપવામાં આવી છે.1 થી 2 વાગ્યા સુધી ગણતરી પતશે અને ત્યાર બાદ વીવીપેટની ગણતરી થશે. સાંજે 6 વાગ્યા સુધી પરિણામ સ્પષ્ટ થઈ શકે છે. લોકોને અફવાઓથી દૂર રહેવા તેમણે અપીલ કરી છે.
જામનગરમાં જામનગર મીડિયા રૂમમાં અવ્યવસ્થા સર્જાઇ જતા મીડિયા કર્મીઓએ વિરોધ નોંધાવ્યો. મીડિયા કર્મીઓ કાઉન્ટીંગ સેન્ટર બહાર તંત્રના અસહકાર સામે વિરોધ નોંધાવવા ધરણા પર બેસી ગયા છે. તો કાઉન્ટીંગ સેન્ટર બહાર કેમેરા મૂકી કેમેરામેને પણ વિરોધ નોંધાવ્યા છે. કાઉન્ટીંગ રૂમમાં કવરેજ સમયે પણ મીડિયા સાથે ખરાબ વર્તન કરાયું હોવાનું જણાવ્યું. તેથી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિકના તમામ 60 થી વધુ પત્રકારોનો વિરોધ
-
8.55 કલાકે અમરેલીથી પરેશ ધાનાણી 2200 લીડથી આગળ.
8.52 કલાકે ભરૂચના ડેડીયાપાડાના બેબાર ગામનું CU મશીન ખોટકાયું. બુથ ન.22 / 315નું CU ન. I 38733માં પ્રોગ્રામિંગ એરર આવી. જેથી હવે ગણવામાં આવશે વિવિપેડથી પરિણામ જોવામાં આવશે
8.52 કલાકે વલસાડ લોકસભા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર ડૉ કે સી પટેલ 22000 વોટથી આગળ, કોંગ્રેસના જીતુ ચૌધરી પાછળ
8.50 કલાકે દમણમાં કોંગ્રેસના કેતન પટેલ પાછળ, તો ભાજપના દમણ લાલુ પટેલ આગળ
8.48 કલાકે અમરેલી બેઠક પર પરેશ ધાનાણી પોસ્ટલ બેલેટમાં આગળ. અમદાવાદ પૂર્વ બેઠક પર ઇવીએમની ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, 15000 વોટથી ભાજપના હસમુખ પટેલ આગળ
8.47 કલાકે 26માંથી 11 સીટ પર ભાજપ આગળ
8.46 કલાકે પ્રથમ રાઉન્ડમાં છોટાઉદેપુર બેઠક ઉપર ભાજપના ગીતાબેન રાઠવા 14000 કરતાં વધુ મતોથી આગળ
8.39 કલાકે પાટનગર ગાંધીનગરમાં મતગણતરી સમયે EVM ખોટકાયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગાંધીનગર ઉત્તર, વેજલપુર વિધાનસભાના EVM ખોટકાયા છે. તો બીજી તરફ, ભાવનગરમાં ઈલેક્ટ્રીસિટી ગઈ હોવાનું કહેવાય છે, જેને કારણે મતગણતરી રોકાઇ છે.
8.37 કલાકે વડોદરા બેઠક પોસ્ટલ બેલેટની ગણતરીમાં પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ આગળ
8.36 કલાકે પંચમહાલમાં પ્રારંભિક તબક્કામાં ભાજપના રતનસિંહ રાઠોડ કોંગ્રેસના વી કે ખાંટ કરતા આગળ. તો સુરેન્દ્રનગર લોકસભા 22 બેઠક પર બીજેપી આગળ
8.34 કલાકે રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયા 12000 મતથી આગળ. તો કોંગ્રેસના ગઢ પડધરી, ટંકારા અને વાંકાનેરમાં પણ ભાજપ આગળ છે. રાજકોટ બેઠક ઉપર ભાજપ તમામ વિધાનસભામાં આગળ ચાલી રહ્યું છે. વાંકાનેર બેઠકમાં પહેલા રાઉન્ડના અંતે ૨૬૭૨ની અને ટંકારા બેઠકમાં ૨૦૦થી વધુની ભાજપને લીડ મળી
ગુજરાત ચૂંટણીના પરિણામને પગલે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ gpcc પહોંચ્યાં
-
8.31 કલાકે ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરીમાં ચાલી રહેલા પ્રથમ રાઉન્ડમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સી.જે.ચાવડાથી આગળ ચાલી રહ્યા છે, 30 હજારથી વધુ લીડથી આગળ છે.
8.32 કલાકે અમદાવાદ પૂર્વ લોકસભામાં ગણતરીમાં ભાજપ આગળ, ભાજપ ના હસમુખ પટેલ 1500 વોથી આગળ
8.29 કલાકે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અમિત શાહના ચૂંટણી ઇન્ચાર્જ હર્ષદભાઈ પટેલનો દાવો. બપોરે બાર વાગ્યા બાદ વિજય ઉત્સવ મનાવવામાં આવશે. સમગ્ર દેશમાં સૌથી વધુ લીડથી જીતવાનો અમિત શાહને યશ મળશે.
8.28 કલાકે રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર મોહન કુંડારીયા આગળ
8.29 કલાકે વલસાડ બેઠક પર ભાજપ આગળ, ઉમેદવાર કે સી પટેલ કોંગ્રેસના જીતુ પેટલ કરતા આગળ ચાલી રહ્યા છે
8.26 કલાકે શરૂઆતના ટ્રેન્ડમાં બીજેપી 6 સીટ પર આગળ
8.15 કલાકે અમદાવાદ પૂર્વની બેઠકની મતગણતરી એલડી એન્જિનિયરિંગ ખાતે શરૂ થઈ. સ્ટ્રોંગ રૂમ રિર્ટનિંગ ઓફિસરની હાજરીમાં ખોલવામાં આવ્યા. મામ ઉમેદવારો પણ રહ્યા હાજર
નવસારીમાં બેલેટ પેપર ગણતરી શરૂ કરાઈ. બીજેપીના ઉમેદવાર સી.આર.પાટીલ આગળ
ગુજરાતની તમામ બેઠકો પર 8ના ટકોરે મતગણતરીની શરૂઆત કરાઈ. 8 વાગ્યે બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી. તો બીજી તરફ, તમામ પક્ષના એજન્ટો મતગણતરી રૂમોમાં ગોઠવાયા. 8.30 વાગે ઈવીએમની ગણતરી શરૂ કરાશે.
હિંમતનગરની પોલીટેક્નિક કોલેજમાં મત ગણતરી માટે એજન્ટોની લાઈન લાગી. પોલીસ દ્વારા ચેન્કિંગ કરી ઉમેદવારોના એજન્ટોનો પ્રવેશ શરૂ કરાયો
પાટણ લોકસભા મતવિસ્તારની મત ગણતરી કતપુર ઈજનેર કોલેજ ખાતે હાથ ધરાશે. આ માટે ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભી મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા છે. ઉમેદવારોના એજન્ટો પણ મતગણતરી સ્થળ પર પહોંચી ગયા છે.
ગાંધીનગર લોકસભા બેઠકની મતગણતરી સ્થળે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મતગણતરી દરમિયાન અને પરિણામ જાહેર થયા બાદ કોઈપણ ગરબડી ન થાય તેવો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પરિણામ પછી ગરબડી થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગાંધીનગરના સંભવિત વિસ્તાર પર પોલીસ ચાંપતી રાખવા આવશે.
નારણપુરામાં અમિત શાહના ઘર નજીક ચૂંટણી પરિણામ જોવા માટે LED સ્ક્રીન લગાવાયું. આ સ્ક્રીન પર સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પરિણામ જોઈ શકાશે. તો સાંજે સંગીતના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગાયક કલાકારો દેવાંગ પટેલ, કિંજલ દવે અને અરવિંદ વેગડા લોકોનું મનોરંજન કરશે.
4 પેટાચૂંટણીનું પણ પરિણામ
આજે રાજ્યની ચાર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીના પણ પરિણામ જાહેર થવાના છે. ઊંઝા, જામનગર ગ્રામ્ય, માણાવદર અને ધ્રાંગધ્રામાં વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. મતગણતરીને લઈ તંત્રની તમામ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે મતગણતરીને ધ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વિધાનસભા પેટા ચૂંટણીની બેઠક અને ઉમેદવારની વાત કરીએ તો ઊંઝામાં ભાજપના આશાબહેન પટેલ અને કોંગ્રેસના કા.મુ.પટેલ વચ્ચે જંગ છે. જામનગર ગ્રામ્યમાં ભાજપના રાઘવજી પટેલ અને કોંગ્રેસના જયંતી સભાયા વચ્ચે ટક્કર છે. માણાવદરમાં ભાજપના જવાહર ચાવડા અને કોંગ્રેસના અરવિંદ લાડાણી વચ્ચે જંગ છે. ધ્રાંગધ્રામાં ભાજપના પરસોત્તમ સાબરિયા અને કોંગ્રેસના દિનેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરીમાં મોડું થઈ શકે છે. જેથી ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ 3-4 કલાક મોડુ જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે દરેક લોકસભા દીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે.
ગુજરાતમાં 13 સીએપીએફની કંપની બંદોબસ્ત કરશે
આવતીકાલે મતગણતરી હાથ ધરાવાની છે, ત્યારે ગુજરાતમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ સીએપીએફની એક પ્લાટુન 24 કલાક સુધી તૈનાત રહેશે. મતગણતરી પૂરી ન થાય ત્યા સુધી આ પ્લાટુન ખડેપગે રહેશે. એક પ્લાટુનમાં 10 જેટલા સશસ્ત્ર જવાનો સામેલ છે, જેઓનો ત્રિસ્તરીય સુરક્ષામાં ગોઠવાયા છે. રાજ્યમાં કુલ 13 સીએપીએફ કંપનીઓ સુરક્ષા માટે ફાળવાઈ છે. પ્રત્યેક ગણતરી કેન્દ્રના કમ્પાઉન્ડમાં 50 હથિયારધારી એસઆરપી જવાનો તથા કમ્પાઉન્ડ બહાર 20 પોલીસ જવાનોનો સ્ટાફ ખડેપગે રહેશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે