સંઘવી સાહેબ તમારી પોલીસ કરે છે તોડપાણી! જરા રોકો, ભાજપના પૂર્વ મંત્રીએ જ ખોલી પોલ

Gujarat BJP Allegation On Police : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીના આણંદ પોલીસ પર આક્ષેપ... વાહનચાલકો પાસેથી તોડબાજી કરાતી હોવાના મૂક્યા આરોપ... વાસદ ટોલનાકા પછી GJ-5 પાર્સિંગની ખાનગી ફોરવ્હીલરોના માલિકોને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતી

સંઘવી સાહેબ તમારી પોલીસ કરે છે તોડપાણી! જરા રોકો, ભાજપના પૂર્વ મંત્રીએ જ ખોલી પોલ

Surat News : ગુજરાતમાં ગૃહમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીના રાજમાં ઓછી ફરિયાદો વચ્ચે એ ન ભૂલવું જોઈએ કે ક્રાઈમના આંકમાં ઘટાડો થયો નથી. ગુજરાતમાં સાયબર ક્રાઈમ અને ડ્રગ્સના કેસો વધ્યા છે. ગૃહમંત્રી પોલીસની ભલે વાહવાહી કરે પણ વાસ્તવિકતા એ છે કે આજે પણ કોઈ પણ શહેરનો સન્માનનીય વ્યક્તિ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડતાં 10 વાર વિચાર કરે છે. ગુજરાતમાં આજે પણ પોલીસ સ્ટેશનથી મોટાભાગના કેસોનો નિકાલ થઈ જતો હોવાના આક્ષેપોથી પોલીસ ઘેરાયેલી છે. ગઈકાલે ભાજપના એક ધારાસભ્ય અને પૂર્વ મંત્રીએ ગુજરાત પોલીસની પોલ ખોલી છે. સુરતના ધારાસભ્યે ગૃહમંત્રીને એક પત્ર લખીને રજુઆત કરી છે કે વાંસદ ટોલનાકા નજીક પોલીસ સુરતીઓને રંજાડે છે! ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં સાફ આક્ષેપો કર્યા છે કે વાંસદ ટોલનાકા પછી સુરત પાર્સીંગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 7, 2023

કુમાર કાનાણીએ સ્પષ્ટ લખ્યું છે કે , મને મળેલ રજુઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જીલ્લાની પોલીસ ૧૫-૨૦ ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. 

કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે. 

તો આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે. આમ ધારાસભ્યે પોલીસ તોડપાણી કરતી હોય એવા આક્ષેપો સાથે ગૃહમંત્રીને રજૂઆત કરતાં તોડપાણીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલે આણંદ પોલીસે પણ ખુલાસો કરવાની જરૂર છે કારણ કે એક ભાજપના સીટિંગ એમએલએ દ્રારા આ રજૂઆત થઈ છે. કુમાર કાનાણી ભાજપ સરકારમાં એક સમયના મંત્રી રહી ચૂક્યા છે. એમના આક્ષેપ બાદ ગુજરાતની પોલીસ ફરી એકવાર ચર્ચામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news