દબાણ કરનારાઓની હવે ખેર નથી! ગુજરાતમાં તૈયાર થયો ખતરનાક પ્લાન્ટ, જ્યાંથી દેશભરમાં ફરી વળશે બૂલડોઝર
હાલોલમાં JCB પ્લાન્ટની બ્રિટેનના PM બોરિસ જ્હોન્સનના હસ્તે શરૂઆત કરવામાં આવી છે. જેસીબી ઈન્ડિયાએ 650 કરોડના ખર્ચે JCB પ્લાન્ટ તૈયાર કરાયો છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પ્લાન્ટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતું.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: દિલ્હીમાં હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં ગેરકાયદેસર બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળતા રાજકીય પડઘા પડ્યા હતા. ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ગેરકાયેદસર દબાણો પણ બૂલડોઝર ફર્યા બાદ ગુજરાતમાં પણ ગેરકાયેદસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યા હતા. આ તમામ વાતો વચ્ચે એક મહત્વપૂર્ણ વાત લોકોના આંખે ઉડીને વળગી છે કે સમગ્ર દેશમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા માટે જે બુલડોઝર ચાલી રહ્યા છે તેનો નવો પ્લાન્ટ ગુજરાતના હાલોલમાં બની રહ્યો છે. ગુજરાતમાં પહેલો અને ભારતમાં છઠ્ઠો જેસીબી પ્લાન્ટ શરૂ થયો છે, એટલે કે એવું કહી શકાય કે હવે આખા દેશમાં ગુજરાતનાં જેસીબી જોવા મળશે, અને આગામી સમયમાં દેશભરના દબાણો પર ગુજરાતમાં બનેલા બુલડોઝર ફરી વળશે એવું કહી શકીએ તો નવાઈ નહીં. તમને જણાવી દઈએ કે આજે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉન્સને પંચમહાલના હાલોલમાં જેસીબી પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે.
સમગ્ર દેશમાં તાજેતરમાં બુલડોઝરને લઈને ભારે બોલબાલા છે. યુપી અને મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ તોફાનીઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવ્યા બાદ હવે ગુજરાતમાં પણ બુલડોઝર દોડવા લાગ્યા છે, પરંતુ ગુજરાતમાં વાત અહી અટકી નથી, બુલડોઝર મશીન બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની જેસીબીએ નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે.
જેસીબીએ તેનો નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી ખાતે સ્થાપ્યો છે, જેને ગુજરાતનું ઓટોમોબાઈલ હબ કહેવામાં આવે છે, જેનું ઉદ્ઘાટન આજે બ્રિટિશ પીએમ બોરીસ જોન્સન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જેસીબી ગ્રુપના ચેરમેન લોર્ડ બોમફોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.
હાલમાં જેસીબીને બુલડોઝર મશીનના નામથી ઓળખવામાં આવી રહ્યું છે અને તેના નામથી બદમાશોમાં ભયનો માહોલ સર્જાયો છે, ગેરકાયદેસર સ્થળોએ યુ.પી. મધ્યપ્રદેશમાં બાબાનું બુલડોઝર ચાલ્યું, દિલ્હીમાં મામાનું બુલડોઝર ચાલ્યું, અને ગુજરાતમાં પણ બાબાનું બુલડોઝર ખૂબ જોરશોરથી ચાલતું હતું, એવામાં બુલડોઝર એટલે કે જેસીબી મશીનનો પ્લાન્ટ ગુજરાતમાં લગાવવામાં આવ્યો, જેસીબી ઈન્ડિયાના એમ.ડી. દીપક શેટ્ટીને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મશીનના સળિયા, કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાતા મશીન હોવાનો મુદ્દો આગળ રાખ્યો હતો.
બ્રિટેનના PM બોરિસ જ્હોન્સનના હસ્તે ઉદ્ધાટન
હાલોલમાં JCB પ્લાન્ટની બ્રિટેનના PM બોરિસ જ્હોન્સનના હસ્તે શરૂઆત કરવામાં આવી છે. જેસીબી ઈન્ડિયાએ 650 કરોડના ખર્ચે JCB પ્લાન્ટ તૈયાર કરાયો છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે પ્લાન્ટનું ઈનોગ્રેશન કરવામાં આવ્યું હતું. જેના માટે પ્લાન્ટના ગેટની આગળ બે JCB મશીન મૂકાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. તમને જણાવી દઈએ કે બ્રિટિશ મૂળ કંપની JCBનો ભારતમાં છઠ્ઠો પ્લાન્ટ હાલોલમાં સ્થાપી રહી છે. યુનિટમાં બુલડોઝર સહિતના અન્ય ઉપકરણ અહીં તૈયાર કરાશે.
પંચમહાલના હાલોલમાં જેસીબી પ્લાન્ટ વિશે
તમને જણાવી દઈએ કે, જેસીબી કંપની દેશમાં નવી ફેક્ટરી રાજ્યના વડોદરા શહેર નજીક હાલોલમાં સ્થાપી છે. જ્યાં કંપની વધી રહેલી માગને સંતોષવા કમર કસી રહી હોવાથી વૈશ્વિક પ્રોડક્શન લાઇનના પાર્ટસનું ઉત્પાદન કરશે. ભારત 2007થી જેસીબી માટે સૌથી મોટું બજાર રહ્યું છે. આગામી વર્ષના અંત સુધીમાં તૈયાર થનારી ઉટ્ટોક્સેટર, સ્ટાફોર્ડશાયર, યુકેમાં જેસીબી મશીન માટેના કેબ્સ તૈયાર કરવા માટે નવી £50 મિલીયનના ખર્ચે ઊભી થનાર ફેક્ટરીના કાર્યના શુભારંભના પગલે આ જાહેરાત કરવામાં આવી છે.
જેસીબી ઇન્ડિયા પહેલેથી જ દિલ્હી, પૂણે અને જયપુરમાં ફેક્ટરીઓ ધરાવે છે. પંચમહાલના હાલોલ-II ખાતેની 44 એકરની જમીનમાં ફેલાયેલી આ નવી ફેક્ટરીમાં આગામી વર્ષે ઉત્પાદન શરૂ થશે. તેમાં અત્યંત અદ્યતન લેસર કટીંગ, વેલ્ડિંગ અને મશિનીંગ ક્ષમતાનો સમાવેશ થશે અને તે ફોર્ક લિફ્ટ મુક્ત પરેશન રહેશે. તે વાર્ષિક 85,000 ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરવા સક્ષમ હશે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હિંસાગ્રસ્ત જહાંગીરપુરીમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો હટાવ્યા બાદ ગુજરાતમાં રામનવમીના દિવસે ખંભાત, આણંદ અને હિમ્મતનગરમાં થયેલા તોફાનોને રાજય સરકારે ગંભીરતાથી લીધી હતી અને સ્થાનિક તંત્રના બુલડોઝર પહોંચી ગયા હતા અને ‘સરકારી જમીન પરના દબાણ હટાવવા’ અનેક કાચા બાંધકામો, કેબીનો તથા અન્ય નાના બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યા હતા.
નોંધનીય છે કે, દિલ્હીના જહાંગીરપુરીમાં અવૈધ બાંધકામો પર બુલડોઝર ફેરવવાના દિલ્હી મહાનગરપાલિકાના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગઇકાલે આપેલો સ્ટે લંબાવ્યો છે અને આગામી બે સપ્તાહ સુધી જહાંગીરપુરીમાં કોઇ પ્રકારના ગેરકાનૂની બાંધકામ નહીં તોડવા કે બુલડોઝર નહીં ચલાવવાનો આદેશ આપવાની સાથે યથાસ્થિતિ જાળવી જણાવ્યું હતું પરંતુ સાથોસાથ દેશભરમાં અવૈધ નિર્માણ સામે બુલડોઝર ફેરવવા સામે સ્ટે આપવાની માગણી ફગાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે