નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
સુરતમાં ખુલ્લી ગટર અને પાલિકાની ઘોર બેદરકારીને કારણે એક બે વર્ષના માસુમે જીવ ગુમાવ્યો છે. આ વચ્ચે નવસારી શહેરમાં અનેક ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. નવસારીની જનતા આ ગટરોના કામ પૂર્ણ કરાવવાની માંગ કરી રહી છે.
Trending Photos
ધવલ પારેખ, નવસારીઃ સુરતમાં ખુલ્લી ગટરને કારણે 2 વર્ષના માસુમે જીવ ગુમાવવાનો વારો આવ્યો. સુરત કોર્પોરેશનની બેદરકારીને કારણે એક માએ પોતાનો વ્હાલોસોયો ગુમાવ્યો...એક બાપે પોતાના ઘડપણનો આસરો ગુમાવ્યો...SMCના જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માગ થઈ રહી છે. ત્યાં સુરત પાસે જ આવેલા એક શહેરમાં આવી જ ખુલ્લી ગટરો ઠેર ઠેર જોવા મળી રહી છે...જેના કારણે લોકોમાં રોષ ભભૂક્યો છે...જુઓ દુર્ઘટનાની રાહ જોતા તંત્રનો આ ખાસ અહેવાલ....
સુરતની દુઃખદ ઘટનાને સુરત ભૂલી શકે તેમ નથી...2 વર્ષના માસુમ કેદારના મોતથી પરિવારજનોમાં આંસુ હજુ સુકાયા નથી...24 કલાક પછી કેદારનો મૃતદેહ મળી આવ્યો...ખુલ્લી ગટરમાં પડી જતાં કેદારનું મોત નિપજ્યું હતું...SMCની ભૂલને કારણે એક પરિવારે પોતાનો વ્હાલોસોયો ગુમાવવાનો વારો આવ્યો...સુરતની ઘટના પર તંત્ર કોઈ બોધપાઠ લેવાના મુડમાં લાગતું નથી...આ દ્રશ્યો સુરત પાસે જ આવેલા નવસારી નગરના છે...નવસારી મહાનગરમાં ઠેર ઠેર આ જ પ્રકારે રોડ વચ્ચે ગટરના ઢાંકણા તુટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે...ક્યાંક રસ્તાની બાજુમાં તો ક્યાંક રસ્તાની વચ્ચોવચ આ પ્રકારે ખુલ્લી ગટરો કોઈનો પણ જીવ લઈ શકે છે.
આ જ રોડ પરથી શહેરીજનો સતત અવર જવર કરે છે...વિદ્યાર્થીઓ અને બાળકો આ જ રોડ પરથી પસાર થાય છે...પરંતુ નવસારી મહાનગરપાલિકાના સત્તાધીશોને કોઈના જીવની પડી હોય તેમ લાગતું નથી...મહાનગરપાલિકા જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે...સુરતની માફક નવસારીમાં પણ કોઈ માસુમ કે શહેરીજનનો જીવ આ ખુલ્લી ગટરો લેશે તો જવાબદાર કોણ?...થોડા સમય પહેલા જ આ ગટરના ઢાંકણામાં એક યુવાન પડી ગયો હતો...પરંતુ સદનશિબે તેને સ્થાનિકોએ બચાવી લીધો.
ઉઠી રહ્યા છે સવાલ
નવસારીના સત્તાધીશોને કોઈના જીવની પડી નથી?
મહાનગરપાલિકા જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
કોઈનો જીવ આ ખુલ્લી ગટરો લેશે તો જવાબદાર કોણ?
શહેરીજનોનું કહેવું છે કે આ ખુલ્લા ઢાંકણાં મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાની આળસ જતી હોય તેમ લાગતું નથી...નતો કોઈ અધિકારી ફરકે છે...નતો કોઈ પદ્દાધિકારી વિસ્તારની મુલાકાતે આવે છે.
સુરતની દુર્ઘટના પરથી કોઈ બોધપાઠ લઈને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલું નવસારી ક્યારે પોતાની આળસ ખંખેરીને આ ઢાંકણાઓનું રિપેરિંગ કરાવે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે