ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ! નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના મોત

Hooch Tragedy in Dry Gujarat : ખેડાના નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના શંકાસ્પદ મોત... દેશી દારૂ પીધા બાદ બેભાન થયાનો પરિવારનો દાવો... દારૂ ક્યાંથી આવ્યો હતો તે અંગે પોલીસે શરૂ કરી તપાસ

ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ! નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના મોત

Kheda News : ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ગુંજ સંભળાઈ છે. નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ શંકાસ્પદ રીતે 3 ના મોતનો મામલો સામે આવ્યો છે. નડિયાદના જવાહરનગરમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત નિપજ્યા છે. એક સાથે ત્રણ લોકોના મોત થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્રણે મૃતદેહને હાલ નડિયાદ સિવિલમાં લાવવામાં આવ્યા છે. તો મૃતકના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે દેશીદારૂ પીધા બાદ મોત થયા છે. રેલવે ફાટક પાસેની ગલીમાં જઈને દારૂ પીધો હોવાનો પરિવારજનોનો દાવો છે. 

મૃતકોના નામ

  • યોગેશ કુશ્વાર
  • રવિન્દ્ર રાઠોડ
  • કનુભાઈ ચૌહાણ

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો છુટક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક મૃતક કલરકામ કરતો હતો, બીજો મૃતક વજનકાંટો લઈને બેસતો હતો અને ત્રીજો મૃતક પાણીપુરાનો ધંધો કરતો હતો. આ ત્રણેયના દેશી દારૂ પીધા બાદ મોત થયા છે. 

 

— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) February 10, 2025

 

ઘટના બાદ નડિયાદ શહેર કોંગ્રેસની ટીમ સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વહીવટદારોના રાજમાં ઉપલા અધિકારીઓની જાણ બહાર દેશી દારૂના અડ્ડા ચાલે છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારજનોને શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે સાંત્વના આપી. 

મિથાઈલ આલ્કોહોલ ન મળ્યો 
સમગ્ર ઘટના અંગે ખેડા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને નડિયાદ સિવિલ તરફથી વરધી મળી હતી. ત્રણ લોકોના અકુદરતી મોતની વર્ધી મળતાં નડિયાદ ટાઉન પોલીસના પીઆઇે તપાસ હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ એલસીબીએ પણ હાથ ધરી. તમામ ત્રણેય લોકોના બ્લડ સેમ્પલ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી અપાયા છે. એફએસએલના રીપોર્ટમાં ત્રણેય પૈકી કોઇના બ્લડમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ નથી. તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. તપાસ એલસીબીને સોપવામાં આવી છે. પીણું પીધાના પાંચ મિનિટમાં જ મોત થયું છે. પોસ્ટમોર્ટમ બાદ આજે જ વિશેરા લઇ એફએસએલ ખાતે મોકલી આપવામાં આવશે. ત્રણ પૈકી બે લોકો દારૂ પીવાની ટેવવાળા હતા. ત્રીજો વ્યક્તિ કોઇ કોઇ વાર દારૂ પીતો. યોગેશ કુશવાહ મૂળ યુપીના છે, જેના બ્લડમાં ૦.૧ ઇથાઇલ આલ્કોહોલ મળ્યો છે. બે લોકોના બ્લડમાં ૦.૧ ઇથાઇલ આલ્કોહોલ અને એક વ્યક્તિના બ્લડમાં ૦.૨ ઇથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળ્યું છે. ત્રણેય મૃતકોના પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ થઇ રહ્યુ છે. ખેડા જિલ્લાના અને નડિયાદના નાંધાયેલા અને ન નાંધાયેલા બુટલેગરોની તપાસ ચાલી રહી છે. સાક્ષીનું વિડિયોગ્રાફી સાથે નિવેદન લેવામાં આવ્યું છે. સોડીયમ નાઇટ્રેટના કારણે આ ઘટના બની છે કે કેમ તેની તપાસ ચાલુ છે. 

નડિયાદમાં સીરપકાંડના દોઢ વર્ષ બાદ ફરી લઠ્ઠાકાંડ
દોઢ વર્ષ પહેલા નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં સીરપકાંડ થયો હતો, જેમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. આયુર્વેદિક સીરપ પીવાના કારણે જ 5 લોકોના મૃત્યુ થયા હતા. દેવ દિવાળીના દિવસે માતાજીની માંડવીનો કાર્યક્રમ હતા. જેમાં કેટલાક લોકોએ કેફી પીણું પીધું હતું. કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સીરપની બોટલ મળી આવી હતી. જે અમદાવાદના જુહાપુરામાં બનાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનાના દોઢ વર્ષ બાદ નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news