મૈં તુફાનો મેં ચલને કા આદિ હૂં...તુમ મત મેરી મંઝિલ આસાન કરો..." જાણો દિવ્યાંગ પેરાશુટરની કહાની
Women's Day Special: "નારી તું ન હારી" : ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતાં સૌરાષ્ટ્રના એક માત્ર દિવ્યાંગ પેરાશુટર ભૂમિબહેન મહેતા અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત. મધ્યપ્રદેશ, દિલ્હી ખાતે પ્રી-નેશનલ ગેમ્સ સાથે ખેલમહાકુંભમાં પોતાનું શ્રેષ્ઠ કૌવત દેખાડી પ્રાપ્ત કર્યું ગોલ્ડ મેડલિસ્ટ હોવાનું બહુમાન.
Trending Photos
Women's Day Special/ઝી બ્યૂરો, અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે એક વિશેષ મહિલાની. જે પોતાના અથાગ પરિશ્રમને કારણે લાખો લોકોના પ્રેરણા શ્રોત બન્યા છે. ૩૦ વર્ષની વયમાં ૪ મેજર ઓપરેશન છતાં બુલંદ જઝ્બા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પેરાશુટિંગ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની પ્રબળ ઈચ્છા. પેરાશૂટર ભૂમિ મહેતાએ જણાવ્યુંકે, "અશક્યતાઓને શક્યતાઓમાં પરિવર્તિત કરીને મહિલાઓએ ઘરની જવાબદારીમાં સીમિત ન રહેતાં સ્વના સ્વપ્નોને પણ ઉડાન આપવી જોઈએ."
"મૈં પંથી તૂફાનોમેં રાહ બનાતા
મેરા દુનિયાસે કેવલ ઈતના નાતા,
વહ મુજે રોકતી હૈ અવરોધ બિછાકર
મૈં ઠોકર ઉસે લગા કર બઢતા જાતા,
મૈં તુફાનો મેં ચલને કા આદિ હૂં
તુમ મત મેરી મંઝિલ આસાન કરો..."
હિન્દી સાહિત્યકાર ગોપાલદાસ "નીરજ"ની આ પંક્તિને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે, સૌરાષ્ટ્રના એકમાત્ર દિવ્યાંગ પેરાશુટર શ્રી ભૂમિ મહેતા. ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં જીવનની અનેક મુશ્કેલીઓનો હસતે મોઢે સામનો કરતા રમતગમત ક્ષેત્રે કારકિર્દી ઘડવા અંગેના વિચાર અંગે વાત કરતા શ્રી ભૂમિબેન મહેતાએ જણાવ્યું હતું કે, જીવનની કોઇ પણ સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવા માટે ખેલદિલીનો ગુણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. રમતગમત પ્રત્યે મને પહેલેથી જ લગાવ હતો અને ઉંમર વધતા સમજણની સાથેસાથે આ લગાવ વધતો ગયો અને રમતગમત ક્ષેત્રે કારકીર્દિ ઘડવાનો વિચાર કર્યો.
રમતગમત ક્ષેત્રે આપેલા યોગદાન અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી સંસ્થા દ્વારા મધ્યપ્રદેશ અને દિલ્હી ખાતે આયોજિત પેરાશૂટિંગની પ્રી-નેશનલ ગેઇમ રમી ચુકી છું. છેલ્લા પાંચ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભમાં પણ ભાગ લઈ રહી છું. પેરાશૂટિંગ સ્પર્ધાની સાથે સાથે ચક્રફેંક, ગોળાફેંક, વ્હીલચેર રેસની રમત પણ રમુ છું અને તેમાં ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે. તેમજ ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પેરાશુટિંગ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની પ્રબળ ઈચ્છા છે.
ભૂમિબહેન મહેતાએ વ્યક્તિગત સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું હતું કે, જન્મથી જ મારા કમરના ભાગે ગાંઠ હતી. હાલ હું ૩૦ વર્ષની વય ધરાવું છું અને અત્યાર સુધીમાં મારા કુલ ૪ મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે. એક ઓપરેશન બાદ તો પેરેલાઈઝડ જેવી સ્થિતિ બની ગઇ હતી પરંતુ હિંમત ન હારતા ફિઝિયોથેરાપી લઈને સાવ બેડરેસ્ટની સ્થિતિમાંથી બહાર આવી છું. મારું માનવું છે કે, દિવ્યાંગતા શરીરમાં હોય છે, મનમાં નહીં.
પોતાના જીવનના પડકાર વિશે પૂછતાં ભૂમિ બહેને કહ્યું હતું કે, મારા માટે જીવનમાં પડકાર માત્ર એક જ છે કે, હું ચાલી નથી શકતી, એ સિવાયની એક પણ બાબતને હું પડકાર નથી માનતી. ઈશ્વરે આપણને અમાપ શક્તિઓ આપી છે, જેને ઓળખી કાઢવાની જવાબદારી વ્યક્તિની સ્વયંની હોય છે. સમસ્યાઓ છે તો તેનું નિરાકરણ પણ ઈશ્વરે ઘડેલું જ હોય છે. લોકોની સંકુચિત માનસિકતા અને દયાભાવનો ભોગ હું પણ બનેલી છું પણ મહિલાઓને એટલું જ કહીશ કે, આત્મનિર્ભર બનો, અશક્યતાઓને શક્યતાઓમાં ફેરવીને ઘરની જવાબદારી સાથે સ્વના સ્વપ્નોને પણ ઉડાન આપો, કારણકે તમારી પ્રતિભાઓથી અનેક મહિલાઓને આગળ વધવાની પ્રેરણા મળતી હોય છે.
માતા-પિતાને પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત ગણાવતા ભૂમિબહેને કહ્યું હતું કે, મારા માતા પિતા ડગલે ને પગલે મારી પડખે ઊભા રહ્યા છે. સાથોસાથ રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરની કચેરી ખાતે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના કો-ઓર્ડીનેટરશ્રી તરીકે ફરજ બજાવું છું. જ્યાં પ્રાદેશિક નગરપાલિકાઓના અધિક કલેક્ટરશ્રી ઈલાબેન ચૌહાણનો ખૂબ સહયોગ રહ્યો છે. જેઓ મને સતત આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે. વધુમાં નોકરી પૂર્ણ કરીને રોજની 3 કલાકથી વધુ પેરાશૂટિંગની પ્રેક્ટિસ પણ કરું છું. તેમજ માતા-પિતાના સરકારી નોકરીના સ્વપ્નને પૂર્ણ કરવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી રહી છું.
આ તકે ભૂમિબહેને દિવ્યાંગ પેન્શન યોજનાના અમલીકરણ માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને માસિક રૂ. ૧૦૦૦ના પેન્શનને દિવ્યાંગજનો માટે આર્થિક ટેકો ગણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૪ નિમિત્તે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રી ભૂમિબહેન મહેતાનું સન્માન પણ કરવામાં આવ્યું છે. આમ, ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા હોવા છતાં જીવનના સંઘર્ષોને રમતા-રમતા મ્હાત આપનાર પેરાશૂટર ભૂમિબહેન મહેતા માટે "નારી તું ન હારી "નું સૂત્ર તેમના વ્યક્તિત્વને એકદમ બંધ બેસે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે