મહીસાગરના જંગલોમાં બચ્ચા સાથે વાઘણ ફરતી હોવાનો સ્થાનિકોનો દાવો
લુણાવાડાના શિગ્નલી પાસે વાઘણ અને બાળ વાઘના પંજાના નિશાન પણ જોવા મળ્યા, કતારના જંગલમાં રાત્રે વાઘણની ત્રાડ સંભળાઈ રહી છે
Trending Photos
મહીસાગરઃ મહિસાગરના જંગલોમાં વાઘણ તેના બચ્ચા સાથે ફરતી હોવાનો સ્થાનિક રહીશોએ દાવો કર્યો છે. લુણાવાડાના શિગ્નલી પાસે વાઘણ અને વાઘના બચ્ચાના પંજાના નિશાન પણ જોવા મળ્યાં છે. લોકોનું કહેવું છે કે, વાઘણ વાઘને શોધી રહી છે અને એટલે તે અહીં-તહીં ફરી રહી છે. મોડી રાત્રે ઘણી વખત વાઘણની ત્રાડ પણ સાંભળવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 10 ફેબ્રુઆરીના રોજ મહીસાગરના જંગલોમાં વાઘ દેખાયો હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ત્યાર બાદ વન વિભાગે વિસ્તૃત તપાસ હાથ ધરીને આ સમાચારને સમર્થન આપ્યું હતું. જોકે, વાઘ કોઈને પણ નજરે જોવા મળતો ન હતો, માત્ર તેના નિશાન જોવા મળતા હતા. ત્યાર બાદ અચાનક જ 26 ફેબ્રુઆરીના રોજ વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો.
આમ, વાઘનો મૃતદેહ મળતાં એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે ગુજરાતમાં વાઘ આવ્યો છે, પરંતુ વાઘ વધુ સમય સુધી જીવતો રહ્યો ન હતો. મૃત્યુ પામેલા વાઘના નમૂના પૈકી કેટલાક નમૂના એફએસએલમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી.
જોકે, વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વાઘનું મોત કોઈ ઝેરી પદાર્થ કે અન્ય અસાધારણ રીતે થયું નથી, પરંતુ લાંબા સમયથી ખોરાક મળ્યો ન હોવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. કારણ કે, વાઘનો જે મૃતદેહ મળ્યો તે કોહવાયેલી હાલતમાં મળ્યો હતો, એટલે કે વાઘનું મોત તેનો મૃતદેહ મળ્યાના ત્રણ-ચાર દિવસ પહેલાં થયું હતું.
હવે, એક વાઘણ તેના બચ્ચા સાથે મહીસાગરના જિલ્લામાં ફરી રહી હોવાના સમાચાર મળતાં વન વિભાગનું અનુમાન છે કે, આખો વાઘ પરિવાર જ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવ્યો હોઈ શકે છે. જેમાં વાઘ પરિવારથી વિખૂટો પડી ગયો હોવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે