દુખે છે પેટ અને કુટે છે માથુ! 'હપ્તો' નહી મળવાના કારણે ધારસભ્યોએ બરોડા ડેરી સામે બાંયો ચડાવી?

બરોડા ડેરીના વિવાદને લઈ આજે ફરી એકવાર ડેરીના શાસકો, ધારાસભ્યો અને જિલ્લા ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં સમાધાન ના થતાં ધારાસભ્યોએ ડેરી સામે પશુપાલકો સાથે ગુરુવારે હલ્લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે.

દુખે છે પેટ અને કુટે છે માથુ! 'હપ્તો' નહી મળવાના કારણે ધારસભ્યોએ બરોડા ડેરી સામે બાંયો ચડાવી?

રવિ અગ્રવાલ/વડોદરા : બરોડા ડેરીના વિવાદને લઈ આજે ફરી એકવાર ડેરીના શાસકો, ધારાસભ્યો અને જિલ્લા ભાજપના મોવડી મંડળ વચ્ચે બેઠક થઈ હતી. જો કે આ બેઠકમાં સમાધાન ના થતાં ધારાસભ્યોએ ડેરી સામે પશુપાલકો સાથે ગુરુવારે હલ્લાબોલ કરવાનો નિર્ણય કર્યો છે જેને પગલે રાજકારણ ગરમાયું છે. સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરી પર પશુપાલકો સાથે અન્યાય કરવાનો અને ભાવફેરની યોગ્ય રકમ ના ચૂકવવાનો આરોપ લગાવી સહકાર મંત્રીને પત્ર લખ્યો હતો, જે બાદ વડોદરા જિલ્લાના ભાજપ મોવડી મંડળે ડેરીના શાસકો અને કેતન ઈનામદાર વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જેમાં ડેરીની સાધારણ સભામાં પશુપાલકોને ભાવફેરની યોગ્ય રકમ ચૂકવવાનો દીનુ મામાએ વચન આપ્યું હતું. જો કે સાધારણ સભામાં ભાવફેરની યોગ્ય રકમ ના ચૂકવાતા કેતન ઈનામદાર રોષે ભરાયાં અને ફરી એકવાર આંદોલનના મંડાણ શરૂ કર્યા છે. 

જેમાં હવે ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા, અક્ષય પટેલ અને મધુ શ્રીવાસ્તવે પણ ટેકો આપ્યો છે. ડેરીના શાસકો પર પશુપાલકો સાથે અન્યાય કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના ચારેય ધારાસભ્યોએ સર્કિટ હાઉસમાં બેઠક કરી. જેમાં પશુપાલકોને ભાવફેરની વધુ રકમ ચૂકવવા માંગ કરી, સાથે જ ડેરીના શાસકો પર યોગ્ય વહીવટ નહી કરવાનો આરોપ લગાવ્યો. બરોડા ડેરીના પ્રમુખ, ધારાસભ્યો, વડોદરા સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે બરોડા ડેરી પર બેઠક થઈ. જે બેઠકમાં સમાધાન ના થયું છેવટે કેતન ઈનામદાર અને અક્ષય પટેલ બેઠક છોડી બહાર નીકળી ગયા. ડેરી સામે ગુરુવારે ઉગ્ર હલ્લાબોલ કરવાની જાહેરાત કરી. ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો ડેરીના શાસકોને સબક શીખવાડવાની વાત કરી તેમજ લોકો ડેરી પર આવશે તો લેંગા ઝબ્બા ફાડી નાખશે તેવી ગર્ભિત ધમકી પણ આપી.

બરોડા ડેરીમાં દૂધ આપતી મંડળીઓના પ્રમુખ અને મંત્રીઓએ પણ ડેરીના શાસકોએ ભાવફેરના ઓછા નાણાં આપ્યા હોવાનું કહ્યું, તેમજ ધારાસભ્યોની રજૂઆતને સમર્થન કર્યું. તો બીજી તરફ ડેરીના પ્રમુખ દિનેશ પટેલે કહ્યું કે ભાવફેરની રકમ કાયદા પ્રમાણે આપી છે. ચાલુ વર્ષે ડેરીએ પ્રતિ કિલોફેટે 685 રૂપિયા પશુપાલકોને ચૂકવ્યા, જે અન્ય ડેરીની સરખામણીમાં વધુ છે. ધારાસભ્યોની માંગ પ્રમાણે વધુ ભાવફેરની રકમ નહિ ચૂકવી શકાય. જ્યારે સમાધાન માટે આવેલા સાંસદ રંજનબેન ભટ્ટે કહ્યું કે હવે સમાધાન માટે પ્રદેશના નેતાઓ વચ્ચે પડશે. તો જિલ્લા ભાજપ પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું કે 2 દિવસ બાદ ફરીથી ધારાસભ્યો સાથે બેઠક કરી ગેરસમજ દૂર કરીશું, તેમજ હલ્લાબોલનો કાર્યક્રમ અટકાવીશું.

બરોડા ડેરીના શાસકો, ધારાસભ્યો અને ભાજપ મોવડી મંડળ વચ્ચે બીજી વખત બેઠક થઈ પણ તેમાં પણ સમાધાન ના થયું, હવે ભાજપના જ ધારાસભ્યો ભાજપ શાસિત બરોડા ડેરી સામે ઉગ્ર આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓએ વચ્ચે પડી સમાધાન કરાવવું પડશે નહિ તો આગામી સમયમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે.

બરોડા ડેરીની વાત કરીએ તો...
- સભાસદો - 1,50,000 
- ટર્ન ઓવર - 1282 કરોડ વાર્ષિક
- દૂધ મંડળીઓ - 1177 
- રોજનું સરેરાશ 6,15,150 કિલોગ્રામ દૂધની આવક 
- ભેંસનું દૂધ 32 ટકા અને ગાયનું દૂધ 28 ટકા, મિક્સ ( અન્ય ) દૂધ 40 ટકા
- પશુપાલકોને પ્રતિ કિલોફેટે 685 રૂપિયા ચૂકવ્યા 
- કુલ 13 ડિરેકટર 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news