માથાનો દુખાવો બની હતી બંને પક્ષો માટે મોરવા હડફ ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી, જાણો કેમ
Trending Photos
- ચૂંટણીમાં જે પણ વિજેતા થશે તે અંદાજે એક વર્ષ માટે જ ધારાસભ્ય તરીકે રહેશે
- હવે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે
- મોરવા હડફ વિધાનસભા મત વિસ્તાર હવે રાજકીય અખાડામાં ફેરવાઈ ચૂક્યું છે
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોરવા હડફની પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને કવાયત તેજ બની હતી. અનેક દાવેદારો વચ્ચે હવે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. ભાજપમાંથી નિમિષાબેન સુથારની પસંદગી કરવામાં આવી છે જ્યારે કોંગ્રેસ દ્વારા સુરેશભાઈ કટારાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે હાલની સ્થિતિ મોરવા હડફ વિધાનસભા બેઠકનું આંકડાકીય અને રાજકીય ગણિત શું છે એ ઉપર નજર કરીએ.
મોરવા હડફની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની જંગ સમાન રહેનાર છે. આ ચૂંટણીમાં જે પણ વિજેતા થશે તે અંદાજે એક વર્ષ માટે જ ધારાસભ્ય તરીકે રહેશે. તેથી બંને રાજકીય પક્ષો માટે ઉમેદવારની પસંદગી એ ચૂંટણી લડવા કરવા કરતા પણ કઠિન કામ હતું. જો કે હવે બંને પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેતા ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ત્યારે મોરવા હડફ વિધાનસભા મત વિસ્તાર હવે રાજકીય અખાડામાં ફેરવાઈ ચૂક્યું છે. અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ કાર્યકર્તાઓમાં જોમજુસ્સો ભરવા સભા ગજવી ચૂક્યા છે. ત્યાં બીજી તરફ, પેટાચૂંટણીમાં જીતના નિર્ધારને યથાવત રાખવા ભાજપે સંગઠનના નેતાઓની સાથે સાથે રાજ્યના અડધા મંત્રી મંડળને કામે લગાડ્યું છે. ત્યારે હવે આ વિસ્તારના મતદારો પોતાની પસંદગીનો કળશ કોની પર ઢોળે છે એ તો આગામી સમય જ બતાવશે.
મોરવા હડફ પેટાચૂંટણી માટે આંકડાકીય માહિતી ની વાત કરીએ તો, અહીં કુલ કુલ 2,18,793 મતદારો છે. આ બેઠક પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોનો સમાવેશ કરતી હોઈ વિશિષ્ટ સમીકરણો ધરાવતી બેઠક કહી શકાય. સૌથી વધુ આ બેઠકમાં પંચમહાલ જિલ્લાના મતદાન વિસ્તારોનો સમાવેશ થાય છે.
- 125- મોરવા હડફ (અનુસૂચિત જનજાતિ) વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,18,793 મતદારો છે
- જે પૈકી 1,11,082 પુરૂષ મતદારો તથા 1,07,711 સ્ત્રી મતદારો છે
- તેમજ દિવ્યાંગ મતદારોની સંખ્યા 778 છે
- આ વિધાનસભા મતવિભાગમાં કુલ મતદાન મથકોની સંખ્યા 254 છે
આ પણ વાંચો : મોરવા હડફ પેટાચૂંટણીમાં સીધી જંગ : ભાજપે જૂના જોગી, તો કોંગ્રેસે પાયાના કાર્યકર્તાને મેદાને ઉતાર્યાં
આ વખતે કોરોનાની વિષમ પરિસ્થિતિમાં ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોરોના સંક્રમણના જોખમના લીધે આ ચૂંટણીમાં ગાઈડલાઈનને અનુસરતા દિવ્યાંગ મતદારો, કોવિડ-19ના શંકાસ્પદ અને સંક્રમિત લોકો તથા 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન્સ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવનાર છે. માસ્ક, ગ્લોવ્ઝ અને સોશિયલ ડિસન્ટન્સિંગની પૂરતી સુવિધાઓ દરેક બૂથ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત લોકસભા ચૂંટણી-2019 અને વિધાનસભા ચૂંટણી-2017માં 60 ટકાથી ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં મતદાન જાગૃતિ વિષયક સ્વીપ પ્રવૃતિઓની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે.
મોરવા હડફ વિધાન સભા પેટાચૂંટણી કાર્યક્રમ
- 17 એપ્રિલના રોજ આ પેટાચૂંટણી માટે મતદાન યોજવામાં આવશે
- ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ આજે ૩૦ માર્ચ છે
- ઉમેદવારીપત્રોની ચકાસણી 31 માર્ચ, બુધવારના રોજ હાથ ધરવામાં આવશે
- ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ રહેશે
- મતગણતરી 2 મેના રોજ હાથ ધરવામાં આવશે
આ પણ વાંચો : રાજકોટના બે પરિવારની ધુળેટી માતમમાં ફેરવાઈ, જુવાનજોધ દીકરાઓનું નદીમાં ડૂબી જવાથી મોત થયું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે