પરેશ ધાનાણી ઘેડ પંથકની મુલાકાતે, ખેડૂતો સાથે મુલાકાત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ
Trending Photos
* વિપક્ષ નેતા પરેશ ધાનાણી જૂનાગઢ જીલ્લાના ઘેડ પંથકની મુલાકાતે
* ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી
* વિપક્ષ નેતાએ ઘેડ પંથકમાં ફરીને પરિસ્થિતી જાણી સરકારમાં રજૂઆત કરશે
* વિપક્ષ નેતા સાથે ત્રણ ધારાસભ્યો જીલ્લા તાલુકાના પ્રમુખો સહીતના ઉપસ્થિત
સાગર ઠાકર/જૂનાગઢ: વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જૂનાગઢ જીલ્લાના ઘેડ પંથકની મુલાકાત કરી હતી. ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પરેશ ધાનાણીએ ઘેડ પંથકમાં ફરીને પરિસ્થિતી જાણી હતી અને હવે તેઓ આ અંગે સરકારમાં રજૂઆત પણ કરશે. વિપક્ષ નેતાની સાથે ત્રણ ધારાસભ્યો જીલ્લા તાલુકાના પ્રમુખો સહીતના કોંગ્રેસના આગેવાનોએ પણ ઘેડ પંથકની મુલાકાત કરી હતી.
છેલ્લા એક મહિના દરમિયાન જે વરસાદ થયો તેને લઈને જૂનાગઢ જીલ્લાના ઘેડ પંથકમાં ખેતી પાકોનું ધોવાણ થઈ ગયું હતું. હવે વરસાદ રહી ગયા પછી પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ વાવેતર માટે કરેલો ખર્ચ હવે માથે પડે તેવી સ્થિતી છે અને સંપૂર્ણ પણે પાક નિષ્ફળ જતાં ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા સેવી રહ્યા છે.
ઘેડ પંથકના ખેડૂતોની પરિસ્થિતી અંગે જાત માહિતગાર થવા વિપક્ષનેતા પરેશ ધાનાણીએ જૂનાગઢ જીલ્લાના વંથલી, કેશોદ અને માંગરોળ તાલુકાના ઘેડ પંથકના ટીનમસ, બામણાસા, સરોડ, અખોદર, બાલાગામ, ઓસા, ગડુ સહીતના ગામોની મુલાકાત લીધી અને ખેડૂતોના ખેતરમાં જઈને જાત તપાસ કરી હતી, પરેશ ધાનાણીએ ખેડૂતો સાથે મુલાકાત કરી અને સભા પણ સંબોધી હતી અને આગામી દિવસોમાં આ અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખેડૂતોને ખાત્રી આપી હતી. પોતાની મુલાકાત દરમિયાન પરેશ ધાનાણીએ સરકાર પર શાબ્દીક પ્રહારો કર્યા હતા અને ખેડૂતોને સહાય ચુકવવા માંગ કરી હતી. વિપક્ષ નેતાની મુલાકાતને લઈને જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, માંગરોળ ધારાસભ્ય બાબુભાઈ વાજા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, કિશાન કોંગ્રેસના મનીષ નંદાણીયા સહીતના કોંગ્રેસના આગેવાનો પણ આ મુલાકાતમાં જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે