ઉનાળો કેમનો કાઢશો? રાજકોટ જિલ્લાના 28 જળાશયોમાં 67 ટકા ખાલી થઈ ગયા
Trending Photos
- આજી-1માં 62 ટકા, જ્યારે ન્યારી-1માં 55 ટકા જ પાણી બચ્યું છે, 3.90 કરોડના ખર્ચે 3 ડેમનું સમારકામ કરાશે
- રાજકોટ મનપા દ્વારા આજથી બે દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી
ગૌરવ દવે/રાજકોટ :ઉનાળો શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટ જિલ્લાના 28 જળાશયો 67 ટકા ખાલી થઈ ગયા છે. રાજકોટના જીવાદોરી સમાન આજી 1 ડેમમાં 62.66 ટકા જ્યારે ન્યારી 1 ડેમમાં 55.09 ટકા પાણી સંગ્રહ છે. હવે ઉનાળો કેમ જશે તે મોટો પ્રશ્ન છે. રાજકોટ જિલ્લાના 28 ડેમની હાલની પ્રવર્તમાન સ્થિતિના આંકડા પર નજર કરીએ તો, રાજકોટની જીવાદોરી સમાન આજી-1 માં 62.66 ટકા પાણીનો જ્યારે ન્યારી-1 માં 55.09 ટકા પાણી સંગ્રહિત થયેલું છે. પાણીની પારાયણ વચ્ચે રાજકોટ મનપા દ્વારા આજથી બે દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે.
ભાદરમાં 50.97 ટકા
ભાદર-2માં 48.47 ટકા
આજી-3માં 57.25 ટકા
મોજમાં 32.38 ટકા
વેણુ-2માં 40.62 ટકા
ન્યારી-2માં 66.53 ટકા
કરમાળમાં 31.50 ટકા
વેરીમાં 20.98 ટકા
કર્ણુકીમાં 42.74 ટકા
ફોફળ-1માં 51.74 ટકા
લાલપરીમાં 75.40 ટકા
આજી-2માં 93.73 ટકા
છાપરવાડી-2માં 25.95 ટકા
મોતીસરમાં 22.97 ટકા
ખોડાપીપરમાં 24.66 ટકા
સુરવોમાં 52.89 ટકા
ડોંડીમાં 27.42 ટકા
સોંડાવદરમાં 31.07 ટકા
ગોંડલીમાં 31.25 ટકા
ઘેલો-એસમાં 63.98 ટકા
વાછપરીમાં 41.22 ટકા
ફાડદંગ બેટીમાં 37.21 ટકા
ઈશ્વરિયામાં 45.05 ટકા
કબીર-સરોવરમાં 20.25 ટકા
ધારીમાં 31.50 ટકા અને માલગઢમાં 39.10 ટકા પાણીનો સંગ્રહ હજુ થયેલો છે, ત્યારે ચોમાસા પૂર્વે 3 ડેમોના સમારકામ કરવા માટે 3.90 કરોડનો ખર્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો : આવેશમાં આવેલા પ્રેમીએ કહ્યું, ‘તારી ભાભી તો મારી જ છે, હું તેને ઉપાડી જઈશ’
રાજકોટમાં આજ થી 2 દિવસ 5 વોર્ડમાં પાણીકાપ
રાજકોટ મનપા દ્વારા આજથી બે દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. અલગ-અલગ 5 વોર્ડમાં પણીકાપ ઝીંકવામાં આવ્યો છે. એક્સપ્રેસ લાઇન રિપેરીંગની કામગીરીને પગલે પાણીકાપ ઝીંકવામાં આવ્યો હોવાની મનપાએ જાહેરાત કરી છે. જેમાં આજે વોર્ડ નં. 2માં બજરંગવાડી પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તારો, તેમજ 21 માર્ચના વોર્ડ નં. 8, 11 અને 13માં પાણીકાપ રહેશે. જેમાં ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ જેવા જ હાલ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓના...
આવી જ સ્થિતિ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની પણ છે. સિંચાઈ આધારિત ડેમમાંથી ચારેક મહિનાથી પાણી છોડાતાં 30 થી 35 ટકા જ પાણી બચ્યું છે. સૌથી વધુ કપરી પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાની છે. પુષ્કળ વરસાદ છતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં પાણીનો જથ્થો ઓછો હોવાનું અનુમાન છે. જિલ્લા દીઠ પાણીના સંગ્રહની વાત કરીએ તો, સંગ્રહ શક્તિના પ્રમાણમાં સૌથી ઓછું દ્વારકા જિલ્લામાં 29 ટકા, પોરબંદર જિલ્લામાં 35 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 41.88 ટકા, જામનગર જિલ્લામાં 45 ટકા જ્યારે રાજકોટ જિલ્લામાં 52.17 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા છે. તાલુકાઓમાં આ ચેકડેમો અને તળાવોમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હોય છે. પરંતુ હવે ચેકડેમો ખાલી થઈ ગયા છે.
આ પણ વાંચો : લોહીના સંબંધ : એક બહેને બીજી બહેનને કિડની આપી તેનો જીવ બચાવ્યો
ચેકડેમ તો શિયાળામા જ ખાલી થઈ ગયા હતા
રાજકોટ જિલ્લામાં અનેક ગામો એવા છે કે ગામની નજીકમાં જ નદીઓ પર બનાવવામાં આવેલા નાના ચેકડેમો તો શિયાળામાં જ ખાલી થઈ ગયા હતા. ગોંડલ અને જસદણ તાલુકામાં આવા નાના ચેક ડેમોની સંખ્યા વિશેષ છે. તળાવોમાં તો ચોમાસુ પૂરું થયા બાદ લગભગ બે મહિના માંડ પાણી રહ્યું હતું. હાલ તો તે તળીયા ઝાટક થઈને પડયા છે. પશુઓ પાણી પી શકે તેટલુ પાણી કેટલાક તળાવોમાં બચ્યું નથી. હજુ ઉનાળાનાં ત્રણ-ચાર મહિના કાઢવાનાં બાકી છે ત્યારે આ વર્ષે જળ સંકટ ઘેરૂ બનવાનાં સંકેતો મળી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે