'બાર વરસે બાવો જાગ્યો'; 1999માં દર્દનાક રીતે આપ્યું હતું મિત્રને મોત, પણ એક ભૂલથી 24 વર્ષે ભાંડો ફૂટ્યો
સુરતના પાંડેસરામાં 24 વર્ષ અગાઉ થયેલી હત્યાના (Murder) કેસમાં નાસતા ફરતા યુવકને પોલીસે કડોદરા વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા પોલીસે 1999માં યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે, આરોપી 24 વર્ષથી નાસતો નામ બદલી પોલીસ પકળથી બચવા ફરતો હતો આખરે 24 વર્ષ બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીએ સાથે મિલમાં કામ કરતા કારીગર સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખી માથામાં સંચા મશીનનો ફટકો મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો.
સુરતમાં પાંડેસરા પોલીસની ટીમે વર્ષ 1999માં પાંડેસરા બમરોલી રોડ પર યુવકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો, આરોપી 24 વર્ષથી નાસ્તો ફરતો હતો, પોલીસે આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટની ધરપકડ કરી હતી, આરોપી હાલમાં છેલ્લા 6 મહિનાથી પોતાની પેસેન્જર ઓટો રીક્ષા કડોદરા અને કામરેજ સુધી ચલાવતો હતો, હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે,
પાંડેસરા વિસ્તારમાં આવેલી મિલમાં કામ કરતા આરોપી કૈલાશ ઉર્ફે કાલીયાને મિલમાં સાથે કામ કરતા તેના મિત્ર રાજુ બલરામ ગુપ્તા સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો જેની અદાવત રાખી ગત તા. 15-05-1999 ના રોજ 25 વર્ષીય બીપીન માધવ મિશ્રા તથા રાજુ બલરામ ગુપ્તા અને મુન્ના પ્રસાદ દેવમુની પ્રસાદ પાંડેસરા ગણેશનગર દયાનંદ સ્કુલ પાસેથી ચાલતા પસાર થતા હતા ત્યારે આરોપી કૈલાશ ઉર્ફે કાલીયા કેવટ અને તેનો મિત્ર બંને હાથમાં સંચા મશીનનો ફટકો લઈને રાજુ બલરામ ગુપ્તાને મારવા દોડ્યા હતા ત્યારે ત્યાં હાજર બીપીન મિશ્રાએ આરોપી કૈલાશ ઉર્ફે કાલીયાને રોકી તેને સમજાવવા જતા કૈલાશ ઉર્ફે કાલીયાએ રોષે ભરાઈને બીપીન મિશ્રાને માથાના તથા શરીરના ભાગે સંચા મશીનના ફટકા વડે જોરથી મારવા લાગ્યો હતો ત્યારે બીપીન મિશ્રાને માથાના ભાગેથી લોહી નીકળવા લાગતા તે બેભાન થઇ ગયો હતો.
દરમ્યાન ત્યાં લોકોનું ટોળું એકઠું થતા આરોપી કૈલાશ ઉર્ફે કાલીયા અને તેનો મિત્ર બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા ત્યારબાદ ઈજાગ્રસ્ત બીપીન મિશ્રાને મુન્ના પ્રસાદ દેવમુની પ્રસાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં બીપીન મિશ્રાનું સારવાર દરમ્યાન મોત થયું હતું આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો તેમજ આરોપી સામે સીઆરપીસી કલમ 70 મુજબના પકડ વોરંટ પણ ઉશ્યું થયું હતું.
24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન માહિતી મળી હતી કે આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટ છેલ્લા એકાદ મહિનાથી પોતાના વતન મધ્યપ્રદેશના રીવા જિલ્લાના પોતાના ગામ ખાતે આવી માછીમારનો વેપાર કરે છે. જેથી ગત 16-09-2023 ના રોજ તેના વતન ખાતે પોલીસે એક ટીમ મોકલી હતી, પરંતુ આરોપી મળી આવ્યો ન હતો, દરમ્યાન પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી સુરતના કડોદરા ખાતે કામ અર્થે આવેલો છે, જેથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપી કડોદરા ખાતેથી આરોપી કૈલાશ પ્રસાદ ઉર્ફે કાલિયો રામનીહોર કેવટને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી ગુનો કર્યા બાદ પોતાના વતન ગામ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો અને એક અઠવાડિયું રોકાયો હતો જો કે પોલીસ અવાર નવાર તેની શોધખોળ માટે ત્યાં આવતી હોય આરોપી વતન છોડી ઉતર પ્રદેશના અલ્હાબાદ ખાતે રહેવા ચાલ્યો ગયો હતો જ્યાં ત્રણેક વર્ષ રહીને રીક્ષા ચલાવતો હતો અને ત્યારબાદ વર્ષ 2005 થી પરત સુરતના કડોદરા ખાતે રહેવા ચાલ્યો આવ્યો હતો અને પોતાના પરિવાર સાથે રહેતો હતો અને કડોદરા ખાતે તાતીથૈયા પાસે ડાઈંગ એન્ડ પ્રિન્ટીગ મિલમાં નોકરી કરતો હતો અને હાલમાં છેલ્લા 6 મહિનાથી પોતાની પેસેન્જર ઓટો રીક્ષા કડોદરા અને કામરેજ સુધી ચલાવતો હતો, હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે