ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
Chhotu Vasava Demand For Bhilistan : છોટુ વસાવાએ અલગ ભીલીસ્તાનની માંગણીનો રાગ આલાપ્યો,,, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટાને અલગ રાજ્યનો દરજ્જો આપવાની છે માંગ,,, આ પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય મહેશ વસાવા પણ અલગ ભીલીસ્તાનની માગણી કરી ચૂક્યા છે
Trending Photos
Bhilistan Demand : આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા અગ્રણી મહેશ વસાવા બાદ છોટુ વસાવાએ અલગ ભીલીસ્તાનની માંગણીનો રાગ આલાપ્યો છે. છોટુ વસાવા ઝઘડિયાના 7 ટર્મના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી પટ્ટીને અલગ રાજ્યનો દરજ્જો આપવાની તેઓએ માંગ કરી છે. સાથે જ હાલના શાસકો સામેની જંગમાં આદિવાસીઓ સાથે ઓબીસી સમાજને પણ જોડાવવા હાંકલ કરી. આ પહેલા ભીલીસ્થાન વિકાસ મોરચા અને ભીલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી કરી હતી.
મહેશ વસાવાએ પણ કરી છે માંગ
ભીલીસ્થાન વિકાસ મોરચા અને ભીલીસ્થાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ ભીલીસ્તાન રાજ્યની માંગણી સાથે રાજયપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચનાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતના ચાર રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભીલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે. સાથે સમયાંતરે મહામહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું નિર્માણ કર્યું હતું તેવી જ રીતે ભીલીસ્થાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.
ચૈતર વસાવાએ કરી શરૂઆત
આદિવાસી જનનેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર ભીલ પ્રદેશની માગ ઉચ્ચારી છે. જેને પગલે હવે આદિવાસી સમાજના અન્ય નેતાઓએ પણ તેમાં જોડાયા છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં નાનીનાલ ગામે લોક સંઘર્ષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી ભીલ પ્રદેશની માગ કરી છે. ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, સરકારનાં તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે. રોજગારી અને ખેડૂતોની જમીનની વાયદા અધૂરા છે. આપણી જમીનની લડતમાં આપણે જરા પણ પાછી પાણી નહીં કરીએ. આપણે આપણી જમીનો બચાવીશું. વન વિભાગ દ્વારા જેસીબી અને મજૂરોને સાથે રાખી આપણા લોકોનાં મકાનો-ઝુંપડા અને ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે સરકારને રજુઆત કરીશું. આજે સિસ્ટમમાં આપણા લોકો મોટા પદો પર ન હોવાનાં કારણે આપણી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે.
ચૈતર વસાવાએ આગળ કહ્યું કે, ભીલ પ્રદેશની લડાઈને આપણે સાથે મળીને આગળ લઈ જવી પડશે. ત્યારે જ આપણે આપણા સમાજનો વિકાસ કરી શકીશું. આદિવાસી લોકોનાં વિકાસ માટે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનાં આદિવાસી લોકોએ સાથે મળીને દેશનું 29 મું રાજ્ય બનાવવાની કવાયત હાથ ધરી છે. ચારેય રાજ્યનાં જેટલા પણ આદિવાસી લોકો છે તેમાંથી 50% લોકો પોતાનાં ધર્મ, સંપ્રદાય અને પાર્ટીને બાજુમાં મૂકીને 29 માં રાજ્યની લડાઇ લડવા માટે તૈયાર છે. નર્મદાનું પાણી 500 km દૂર પહોંચાડવામાં આવે છે, પરંતુ જે લોકોએ નર્મદા ડેમ માટે પોતાનાં ઘર અને ગામ ગુમાવ્યા તે લોકોને હજું પણ ન્યાય મળ્યો નથી. ચૈતર વસાવાએ પ્રહાર કરતા કહ્યું કે, સરકારે જે વચન આપ્યા હતા કે પરિવારનાં એક સદસ્યને સરકારી નોકરી મળશે, જમીન મળશે, સિંચાઈ માટે પાણી મળશે, વીજળી મળશે એ તમામ વાયદાઓ હજું પણ અધૂરા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે