ભરૂચમાં ત્રિપાંખીયો જંગ - BTPના છોટુ વસાવા નિર્ણાયક બનશે કે નડશે?
ભરૂચ લોકસભા બેઠક પર 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ખરી જંગ છે. ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ થવાનો છે.
Trending Photos
દિપ્તી સાવંત/અમદાવાદ :ભરૂચ લોકસભા બેઠક પર 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ખરી જંગ છે. ભાજપના મનસુખ વસાવા, કોંગ્રેસના શેરખાન પઠાણ અને બીટીપીના છોટુ વસાવા વચ્ચે ભરૂચમાં ત્રિ-પાંખીયો જંગ થવાનો છે. બીટીપીના છોટુ વસાવા આદિવાસી સમાજ પર મોટું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે છોટુ વસાવા ભાજપના મનસુખ અને કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણની જીત પર પ્રશ્નાર્થ મૂકી શકે છે. તો બીજી તરફ ભરૂચ બેઠક પર આદિવાસી મતોનું ધ્રુવીકરણ ચૂંટણીના પરિણામ બદલી શકે છે.
ભરૂચ બેઠક પર ભાજપને પછાડવા કોંગ્રેસ તથા બી.ટી.પી. ભેગા મળી તખ્તો ગોઠવી રહ્યા હતા. કોંગ્રેસ છોટુભાઇ વસાવાના ખભે બંદૂક મૂકી ભાજપનો શિકાર કરવાની ફિરાકમાં હતું. છોટુ વસાવાને કોગ્રેસના મેન્ડેટ પર લડાવવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ છોટુ વસાવાએ કોગ્રેસના મેન્ડેટ પર ચુટંણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસનો દાવ ઉંધો પડ્યો હતો. બીટીપી સાથે ગઠબંધન ન થતાં કોગ્રેસ દ્વારા અહેમદ પટેલના નામની વિચારણા ચાલી રહી હતી, પણ અહેમદ પટેલે પણ ચૂંટણી લડવાની ના પાડી દેતા, અંતે શેરખાન પટેલ પર પસંદી ઉતારાઈ હતી. તો બીજી તરફ, કોગ્રેસના અન્ય કોઇપણ ઉમેદવારને સમર્થન આપવાનો પણ બીટીપીએ સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને બીટીપીએ કોગ્રેસ સાથે ગઠબંધન ન થતા બધી બેઠકો પર લડવાની તૈયારી કરી હતી. તેથી હવે ભરુચમાં લોકસભા 2019નું ઈલેક્શન ખરાખરીના જંગ જેવું સાબિત થશે. તો ભરૂચ લોકસભા સતત 9 ટર્મથી ભાજપનો ગઢ રહી છે.
ચૂંટણી પ્રચાર ટાંણે જ કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવાના કામે લાગ્યું ભાજપ
વાત ભરૂચ લોકસભા બેઠકની કરવામાં આવે તો 1951થી આ બેઠક અસ્તિત્વમાં આવી હતી, જેના પર એક સમયે કોંગ્રેસનો દબદબો હતો. ત્રણ વખત ચંદ્રશેખર ભટ્ટ, બે વખત માનસિંગ રાણા અને ત્રણ વખત અહેમદ પટેલ ચુંટણી જીત્યા હતા. પરતું 1989માં પવન બદલાયો અને ભાજપે પહેલી વખત ચૂંટણી જીતી. ચંદુભાઈ દેશમુખ અહીંથી સતત પાંચ ટર્મ સુધી ચુંટણી જીત્યા. જોકે 1998માં તેમનું નિધન થતાં પેટાચૂંટણી થઇ હતી અને મનસુખ વસાવા ભાજપા તરફથી મેદાનમાં ઉતર્યા. બસ ત્યારથી સતત તેઓ જીતતા આવ્યા છે. મનસુખભાઇ વસાવા નિષ્કલંક આદિવાસી નેતા ગણાય છે. સાચું હોય અને જનહિતમાં હોય તો પોતાના જ પક્ષ કે નેતા સામે અવાજ ઉઠાવતા અચકાયા નથી. જાહેરમાં જ કોઈને પણ ખખડાવી દેવાનો તેમનો સ્વભાવ રહ્યો છે, અને તેના જ કારણે તેમના અનેક વીડિયો વાઈરલ થયા છે. તેમના આ જ સ્વભાવને કારણે કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જવાબદારીમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે લોકોમાં પોતાનો ઈમાનદાર છબીનો પ્રભાવ જાળવવામાં તેઓ સફળ થયા છે. છેલ્લી બે ટર્મથી મનસુખ વસાવાને બદલવાની વાતો ચૂંટણી પહેલા શરૂ થાય છે. પરતું પાર્ટી પાસે ભરૂચમાં એવો કોઈ દમદાર ચહેરો નથી એટલે મનસુખ વસાવાને રિપીટ કરવા પડે છે. આ વખતે પણ આ વાતોએ જાર પકડયું હતું. ભાજપમાંથી જો મનસુખભાઇ વસાવા નહીં તો બીજું કોણ ? આ પ્રશ્ન સ્વાભાવિક ઊભો થયો હતો.
ભરૂચ બેઠક જીતવા માટે આદિવાસી મતદારો નિર્ણાયક
ભરૂચ લોકસભા મત વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આદિવાસી અને શહેરી વિસ્તાર બંને સાથે જાડાયેલા છે. આદિવાસી મતદારોનો પ્રભાવ ચૂંટણીના પરિણામો માટે નિર્ણાયક બની રહે છે. ઝઘડિયા અને ડેડિયાપાડા બંને આદિવાસી બેલ્ટની વિધાનસભાઓ છે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા અને કરજણ જનરલ બેઠકો છે. એટલે લોકસભા ચૂંટણીનો ઉમેદવાર આદિવાસી બેલ્ટ અને અન્ય વિસ્તારમાં પ્રભાવ ધરાવતો હોય તે જરૂરી છે. બહુધા આદિવાસી વસ્તી સાથે લઘુમતી મતદારો 28 ટકા છે.
Photos : જાણો રસપ્રદ કિસ્સા એ 1 વોટના, જે ચૂંટણીમાં સાબિત થયા હતા ગેમ ચેન્જર
શેરખાન પઠાણ
શેરખાન પઠાણ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે. તેમજ આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઈ જેથી આદિવાસી સમાજ પર પણ પ્રભુત્વ ધરાવે છે. આદિવાસી મતદારો સાથે કોંગ્રેસની પરંપરાગત લઘુમતી વોટબેંક પણ તેઓ હસ્તગત કરી શકે છે.
છોટુ વસાવા
ગત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના ઝઘડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા કીંગમેકર સાબિત થયા હતા. તેથી હવે લોકસભામાં પણ તેઓ કિંગમેકર સાબિત થાય તો નવાઈ નહિ. મનસુખ વસાવા ભલે 6 ટર્મથી જીતતા આવ્યા હોય, પણ છોટુ વસાવા તેમના માટે મોટો પડકાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે