પીઝાના મિનારાની જેમ એક બાજુ નમી પડી વડોદરાની આ ઈમારત, 300 રહીશોનો જીવ તાળવે ચોંટ્યો
Building Fall Down From One Side : ભાયલી ગામમાં સિદ્ધિવિનાયક પ્લાઝા નમી પડવાનો મામલો... બિલ્ડર દ્વારા ખોદકામ કરાતા બાજુના ફ્લેટને થયું નુકસાન... ફ્લેટમાં રહેતા 48 પરિવારના 300 સભ્યો દહેશતમાં
Trending Photos
Vadodara News જયંતિ સોલંકી/વડોદરા : વડોદરાના ભાયલી ગામમાં સિદ્ધિવિનાયક પ્લાઝા નમી પાડવાનો મામલો સામે આવ્યો છે. અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડર દ્વારા ખોદકામ કરાતા બાજુના ફ્લેટને નુકસાન થયું છે. જેને પગલે ફ્લેટમાં રહેતા પરિવારના સભ્યોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
વડોદરાના ભાયલી ગામમાં એક બિલ્ડરની બેદરકારીને કારણે 300 લોકોને ભયના ઓથાર નીચે જીવવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલી ગામમાં સિદ્ધિવિનાયક પ્લાઝા નમી પડ્યો છે. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી. મહત્વનું છે કે સિદ્ધિવિનાયક પ્લાઝાની બાજુમાં અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આ ખોદકામના પગલે બાજુના ફ્લેટને ભારે નુકસાન થયું છે.
અક્ષર પૂજન ફ્લેટના બિલ્ડરની આ બેદરકારીને પગલે સિદ્ધિવિનાયક પ્લાઝાના ફ્લેટમાં રહેતા 48 પરિવારના 300 સભ્યો દહેશતમાં મુકાયા છે. સિદ્ધિવિનાયક પ્લાઝા નમી પડતા તેમાં રહેતાં લોકોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. આ પ્લાઝા ગમે તે સમયે ઢળી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે સ્થાનિકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, અમારા માથેથી છત છીનવાશે તો જવાબદાર કોણ? જીવનભરની કમાણી એકઠી કરી ઘર ખરીદ્યું હતું. ત્યારે હવે અમારે શુ કરવું?
હવે આ મામલે અક્ષર પૂજન ગ્રુપના બિલ્ડર નિલેશ જયસ્વાલનું નિવેદન પણ સામે આવ્યું છે. નિલેશ જયસ્વાલએ જણાવ્યું કે, બેઝમેન્ટના નિર્માણ માટે ખોદકામ કરવું આવશ્યક હતું. બાજુમાં આવેલા ફ્લેટમાં અગાઉથી ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હતું જ. અમે ખોદકામ શરૂ કરતાં ની સાથે જ પાર્કિંગનો કેટલોક નબળો હિસ્સો તૂટી પડ્યો હતો. અમારી જવાબદારી ન હોવા છતાં અમે સ્થાનિકો ની મદદ કરવા તૈયાર છીએ
ઉલ્લેખનીય છે કે, આ મામલે માહિતી મળતાની સાથે જ ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. ત્યારે વાસણા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર જયદીપ ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમને જણાવ્યું હતું કે, બિલ્ડિંગ નમી પડ્યા ની વર્ધી મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ સિદ્ધિવિનાયક પ્લાઝાને કોર્ડન કરવામાં આવ્યું છે.સમગ્ર ઘટનાની જાણ નિર્ભયતા શાખા ને કરવામાં આવી છે. નિર્ભયતા શાખાના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે