વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં ઉતર્યું નથી
વરસાદને ૭૨ કલાક થવા છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજી સુધી નહી ઉતરતાં રહીશોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
Trending Photos
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરામાં ચોમાસાની ઋતુમાં ત્રીજી વખત પૂરની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં પાંચ ઇંચ વરસાદમાં જ સમગ્ર શહેર પાણી..પાણી. થઇ ગયા બાદ વરસાદને ૭૨ કલાક થવા છતાં પણ પૂર્વ વિસ્તાર અનેક સોસાયટીઓમાં ભરાયેલા બેથી ત્રણ ફૂટ વરસાદી પાણી હજી સુધી નહી ઉતરતાં રહીશોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પડેલા ધોધમાર પાંચ ઇંચ વરસાદના પગલે સમગ્ર શહેરમાં પાણી ભરાઇ ગયા હતાં. રાજમાર્ગો ઉપરાંત અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી પ્રવેશ્યા હતાં. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહી હોવાથી કેટલાંય ઘરોમાં પાણી પ્રવેશતાં ફર્નિચરને નુકસાન થયું હતું.ખાસ કરીને પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીઓમાં ભરાયેલા પાણી હજી પણ ઓસર્યા નથી જેના કારણે સોસાયટીના રહીશોમાં ભારે રોષ છે.
પૂર્વ વિસ્તારમાં આવેલી વૈકુંઠ સોસાયટી, પ્રભુ સોસાયટી સહિત અનેક સોસાયટીમાં ભરાયેલા પાણી આજે પણ નહી ઓસરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે કે ગટરના બેક થયેલા પાણી ભરાય છે તે અંગે પણ રહીશોમાં ચર્ચાઓ થવા લાગી હતી. વરસાદી પાણી તો ઓસરી જતા હોય છે પરંતુ હજી સુધી પાણી નહી ઉતરતાં તેમજ દુર્ગધ મારતાં લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે