ચારેબાજુ ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ...ડાકોર મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ, જાણો કેવી છે સ્થિતિ?
ડાકોર જતા રાજમાર્ગો પર એક જ તાલ સંભળાઈ રહ્યો છે. ભક્તિ, આસ્થાના સંગમ સાથે ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે તલપાપડ છે. ડાકોર જતા માર્ગો પર જય રણછોડના જયઘોષ સાથે લાખોની સંખ્યામાં પદાયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે.
- ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ
- ડાકોર જતા રાજમાર્ગો પદયાત્રીઓથી ઉભરાયા
- લાખો પદયાત્રી કૃષ્ણ ભક્તિમાં થયા લીન
- ડાકોર મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ
- સૂર-તાલ અને ડીજેના તાલે ભક્તો ચાલ્યા ડાકોર
Trending Photos
ઝી બ્યુરો/ખેડા: ફાગણી પૂનમ એટલે હોળીનો પવિત્ર તહેવાર...જેમ ભાદરવી પૂનમે અંબાજી, ચૈત્ર પૂનમે બહુચરાજીનું મહત્વ છે તેવી જ રીતે ફાગણી પૂનમે ડાકોરનું અદકેરુ મહત્વ છે. મોટી સંખ્યામાં ભક્તો હાલ જય રણછોડના જયઘોષ સાથે ડાકોર પહોંચી રહ્યા છે. ડાકોર જતા રાજમાર્ગો જય રણછોડ, માખણ ચોરના જયઘોષતી ગૂંજી ઉઠ્યા છે. તો ડાકોરમાં પૂનમના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, પોલીસે પણ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ડાકોર જતા રાજમાર્ગો પર એક જ તાલ સંભળાઈ રહ્યો છે. ભક્તિ, આસ્થાના સંગમ સાથે ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે તલપાપડ છે. ડાકોર જતા માર્ગો પર જય રણછોડના જયઘોષ સાથે લાખોની સંખ્યામાં પદાયાત્રીઓ રણછોડરાયના દર્શન માટે પહોંચી રહ્યા છે. તમામ લોકો કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ અનેક સેવાકેમ્પ ચાલુ કરવામાં આવ્યા છે જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લેતા જોવા મળી રહ્યા છે. ડાકોર યાત્રા રૂટ પર ભક્તોને હાલાકી ન પડે માટે ખાનગી સંસ્થા, કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્રારા મેડિકલ કેમ્પ, ભોજન અને નાસ્તા અનેક કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં પાણી, શરબત, નાસ્તા અને આરામ માટેના તંબુ પણ લગાવવામાં આવ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમે લાખો ભાવિક ભક્તો ઉમટશે. ત્યારે જિલ્લા પોલીસે ડાકોર નગરમાં પદયાત્રીઓના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આડબંધ ઊભા કરી વાહનોને ડાયવર્ઝન અપાયું છે. તો ડાકોર મંદિર નજીક ઈમરજન્સી સેવાઓ પણ એલર્ટ મોડમાં ગોઠવી દેવામાં આવી છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી મળી કુલ 2 હજારથી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ ડાકોરમાં 10 લાખથી વધુ ભાવિક ભક્તો ઉમટે તેવી સંભાવના છે.
ડાકોરમાં આવેલું રણછોડરાયજીનું મંદિર અતિ પ્રાચીન છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. જેમાં સૌથી ખાસ ફાગણી પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો કાળિયા ઠાકોરના દર્શન માટે આવતા હોય છે. ડાકોરમાં ગુજરાત જ નહીં પણ આસપાસના અનેક રાજ્યોના લોકો પણ દર્શન માટે આવતા હોય છે. ત્યારે પૂનમના મેળાને લઈ હાલ મંદિર વહીવટી તંત્ર અને પોલીસે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે