CBSE 12th Result: કેજરીવાલના પુત્રના 96.4%, સ્મૃતિએ પણ કરી પુત્રના માર્ક અંગે ટ્વીટ
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત દિલ્હીના અનેક મંત્રીઓએ ટ્વીટર પર કેજરીવાલને અભિનંદન પાઠવ્યા છે, રાયબરેલીની ઐશ્વર્યાએ બીજો ક્રમ મેળવતાં પ્રિયંકા ગાંધીએ ફોન કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પુત્ર પુલકિત કેજરીવાલે CBSEની 12મા ધોરણની પરીક્ષામાં 96.4 ટકા પ્રાપ્ત કર્યા છે. કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ચૂંટણી લડી રહેલા ભાજપના સ્મૃતિ ઈરાનીના પુત્રએ પણ 12મું ધોરણ પાસ કર્યું છે. રાયબરેલીની ઐશ્વર્યાએ બીજો ક્રમ મેળવતાં પ્રિયંકા ગાંધીએ ફોન કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા.
સુનીતા કેજરીવાલે કરી ટ્વીટ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ટ્વીટ કર્યું કે, "ઈશ્વરની કૃપા અને શુભચિંતકોના આશીર્વાદથી અમારા પુત્રએ CBSEની 12મા ધોરણની પરીક્ષામાં 96.4 ટકા પ્રાપ્ત કર્યા છે. ખુબ ખુબ આભાર." કેજરીવાલની પુત્રી હર્ષિતાએ પણ 2014માં 12મા ધોરણમાં 96 ટકા મેળવ્યા હતા અને પછી IITમાં પ્રવેશ માટેની JEE એક્ઝામ પણ પાસ કરી હતી.
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, કેજરીવાલનો પુત્ર પુલકિત નોઈડાની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત દિલ્હીના અનેક મંત્રીઓએ ટ્વીટર પર કેજરીવાલને અભિનંદન પાઠવ્યા હતા.
સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વીટર પર ખુશી વ્યક્ત કરી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ ટ્વીટ કરીને પોતાના પુત્રની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મને મારા પુત્ર પર ગર્વ છે. તેણે વિશ્વ કેમ્પો ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને હવે ધોરણ-12માં 4 વિષયમાં 91 ટકા તથા ઈકોનોમિક્સમાં 94 ટકા માર્ક મેળવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ ઐશ્વર્યાને પાઠવ્યા અભિનંદન
ઉત્તરપ્રદેશના રાયબરેલીની ઐશ્વર્યાએ CBSEના 12મા ધોરણની પરીક્ષામાં સમગ્ર દેશમાં બીજો નંબર મેળવ્યો છે. તેણે 498 માર્ક મેળવ્યા છે. તેના પિતા સ્ટેશનરીની દુકાન ચલાવે છે. તેને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. ઐશ્વર્યાએ કહ્યું કે, મારી સફળતાનું શ્રેય માતા-પિતાને જાય છે. હું દિલ્હીમાં મિરાન્ડા હાઉસ કોલેજમાં જીઓગ્રાફીમાં ઓનર્સ ડિગ્રી મેળવવા માગું છું અને આઈએએસ પરીક્ષાની તૈયારી પણ કરવા માગું છું.
ફરી છોકરીઓએ બાજી મારી
CBSEના ગુરૂવારે જાહેર થયેલા પરિણામમાં હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને જાહેર થઈ છે. આ વર્ષે 83.4 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાઝિયાબાદની હંસિકા શુક્લા અને એસ.ડી. પબ્લિક સ્કૂલ, મુઝફ્ફરનગરની કરિશ્મા અરોડાએ છોકરાઓને 9%થી પાછળ રાખ્યા છે. બંને છોકરીઓએ 500માંથી 499 માર્ક મેળવ્યા છે.
જાણો દેશનું પરિણામ
98.2 ટકા સાથે ત્રિવેન્દ્રમ રીજન પ્રથમ, 92.93 ટકા સાથે ચેન્નઈ રીજન બીજા અને 91.87 ટકા સાથે દિલ્હી રીજન ત્રીજા સ્થાને રહ્યું હતું. છોકરાઓની પાસ થવાની ટકાવારી 79.40 ટકા, છોકરીઓની 88.7 ટકા અને ટ્રાન્સજેન્ડર વર્ગની 83.33 ટકા રહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે