કલમ 370 તો ગઈ...પણ હજું ગુજરાત સહિત 13 રાજ્યોમાં લાગૂ છે 'ખાસ' કાયદા, જાણો ક્યાં અને શું છે તેનો પાવર

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું કે કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે. જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો હવે ખતમ થઈ ગયો છે. પરંતુ કેટલાક રાજ્યો હજુ પણ એવા છે જેને કાયદા દ્વારા આ ખાસ દરજ્જો પ્રાપ્ત છે. 

કલમ 370 તો ગઈ...પણ હજું ગુજરાત સહિત 13 રાજ્યોમાં લાગૂ છે 'ખાસ' કાયદા, જાણો ક્યાં અને શું છે તેનો પાવર

 

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપનારી કલમ 370ને નાબુદ કરવાનો મોદી સરકારનો નિર્ણય યથાવત રાખ્યો છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડના વડપણવાળી બંધારણીય પીઠે આર્ટિકલ 370ને અસ્થાયી જોગવાઈ પણ ગણાવી એટલે કે કામચલાઉ વ્યવસ્થા ગણાવી. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે કલમ 370ની જોગવાઈઓ હટાવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીર તથા લદાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવી દેવાયા. કેન્દ્રના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 

સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું કે કલમ 370 કામચલાઉ વ્યવસ્થા હતી અને રાષ્ટ્રપતિ પાસે તેને રદ કરવાનો અધિકાર હતો. સીજેઆઈ ચંદ્રચૂડે એમ પણ કહ્યું કે તેના ટેક્સ્ટને વાંચવાથી ખબર પડે છે કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી. 

અત્રે જણાવવાનું કે કલમ 370 જમ્મુ અને કાશ્મીરને એક વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી. જે હેઠળ જમ્મુ અને કાશ્મીરનું પોતાનું બંધારણ અને અલગ ઝંડો પણ હતો. કેન્દ્રના અનેક કાયદા ત્યાં લાગૂ થતા નહતા. આ ઉપરાંત અન્ય રાજ્યોના લોકોના પણ જમ્મુ કાશ્મીરના નાગરિક બનવા પર રોક હતી. જો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું કે કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે. જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો હવે ખતમ થઈ ગયો છે. પરંતુ કેટલાક રાજ્યો હજુ પણ એવા છે જેને કાયદા દ્વારા આ ખાસ દરજ્જો પ્રાપ્ત છે. 

બંધારણ લાગૂ થયું ત્યારે નહતી આર્ટિકલ 371
બંધારણના ભાગ 21માં કલમ 369થી લઈને કલમ 392 સુધીની વ્યાખ્યા કરવામાં આવી છે. આ ભાગને 'ટેમ્પરરી, ટ્રાન્ઝિશનલ એન્ડ સ્પેશિયલ પ્રોવિઝન્સ'નું નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપ્ટેમ્બર 2019માં જણાવ્યું હતું કે કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. જ્યારે આર્ટિકલ 371 વિશેષ જોગવાઈ છે. જ્યારે બંધારણ લાગૂ થયું ત્યારે આર્ટિકલ 371 નહતી. પરંતુ અલગ અલગ સમયે સંશોધન કરીને તેને જોડવામાં આવી. 

આર્ટિકલ 371 દ્વારા વિશેષ જોગવાીઓ એવા રાજ્યો માટે કરવામાં આવી હતી જે અન્ય રાજ્યોની સરખામણીમાં પછાત હતા અને તેમનો કોઈ વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહતો. આ સાથે જ આ કલમ જનજાતીય સંસ્કૃતિને સંરક્ષણ આપે છે અને સ્થાનિકોને નોકરીઓમાં તક આપે છે. બંધારણમાં કલમ 371 ઉપરાંત કલમ 371એથી 371જે સુધી અલગ અલગ રાજ્યો માટે બનાવવામાં આવેલી છે. જે આ રાજ્યોને કઈક ખાસ બનાવે છે. 

શું છે આર્ટિકલ 371?
આર્ટિકલ 371 મહારાષ્ટ્ર, ગુજરાત અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લાગૂ થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવે છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદર્ભ અને મરાઠાવાડા માટે તથા ગુજરાતના રાજ્યપાલ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અલગ અલગ વિકાસ બોર્ડ બનાવી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં લાગૂ આ આર્ટિકલ હેઠળ કોઈ બહારની વ્યક્તિ અહીં ખેતી માટે જમીન ખરીદી શકે નહીં. 

આર્ટિકલ 371એ- નાગાલેન્ડ
તેને 1962માં જોડવામાં આવી હતી. આર્ટિકલ 371એ હેઠળ નાગાલેન્ડને ત્રણ વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. પહેલો એ કે ભારતનો કોઈ પણ કાયદો નાગા લોકોના સાંસ્કૃતિક અને ધાર્મિક મામલાઓમાં લાગૂ થાય નહીં. બીજો એ કે અપરાધિક કેસોમાં નાગા લોકોને રાજ્યના કાયદા હેઠળ સજા મળે છે. સંસદના કાયદા અને સુપ્રીમ કોર્ટના આદેશ તેમના પર લાગૂ થતા નથી. ત્રીજું એ કે નાગાલેન્ડમાં બીજા રાજ્યના કોઈ પણ વ્યક્તિ અહીં જમીન ખરીદી શકે નહીં. 

આર્ટિકલ 371બી- અસમ
તે 1969માં 22માં સંશોધન દ્વારા બંધારણમાં જોડવામાં આવી હતી. આ કલમ અસમમાં લાગૂ છે. જે હેઠળ રાષ્ટ્રપતિ પાસે અધિકાર હોય છે કે તેઓ અસમ વિધાનસભાની સમિતિઓની રચના કરે અને તેમાં રાજ્યના જનજાતીય ક્ષેત્રોથી ચૂંટાયેલા સભ્યોને સામેલ કરી શકે છે. 

આર્ટિક 371સી- મણિપુર
27માં સંશોધન દ્વારા આર્ટિકલ 371સીને લાવવામાં આવી હતી. આ કલમ મણિપુરમાં લાગૂ છે. જે હેઠળ રાષ્ટ્રપતિ મણિપુર વિધાનસભામાં એક સમિતિ બનાવી શકે છે. આ સમિતિમાં રાજ્યના પહાડી વિસ્તારોમાંથી ચૂંટાયેલા સભ્યોને સામેલ કરી શેક છે. સમિતિનું કામ રાજ્યના પહાડી વિસ્તારોમાં વસેલા લોકોના હિતમાં નીતિઓ બનાવવાનું છે. 

આર્ટિકલ 371ડી- આંધ્ર પ્રદેશ અને તેલંગણા
1973માં તેને બંધારણમાં જોડવામાં આવી હતી. તે આંધ્ર પ્રદેશમાં લાગૂ થતી હતી. 2014માં આંધ્રથી અલગ થઈને તેલંગણા બન્યું. હવે આ બંને રાજ્યોમાં લાગૂ થાય છે. જે હેઠળ રાષ્ટ્રપતિને અધિકાર આપવામાં આવ્યો છે કે તેઓ રાજ્ય સરકારને આદેશ આપી શકે છે કે કોઈ નોકરીમાં કયા વર્ગના લોકોને રાખી શકાય છે. એ જ રીતે શિક્ષણના ક્ષેત્રમાં પણ રાજ્યના લોકોને બરાબરની ભાગીદારી મળે છે. આ ઉપરાંત  આંધ્ર પ્રદેશમાં 371ઈ પણ લાગૂ થાય છે જે કેન્દ્ર સરકારને અહીં સેન્ટ્રલ યુનિવર્સિટીની રચના કરવાનો અધિકાર આપે છે. 

આર્ટિકલ 371 એફ- સિક્કિમ
તેને 1965 માં 36માં સંશોધન દ્વારા જોડવામાં આવી હતી. તેમાં કહેવાયું છે કે સિક્કિમના રાજ્યપાલ પાસે રાજ્યમાં શાંતિ જાળવી રાખવા અને તેના માટે ઉપાય કરવાનો અધિકાર છે. જે હેઠળ સિક્કિમની ખાસ ઓળખ અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવાની જોગવાઈ છે. આ ઉપરાંત 1961 પહેલા રાજ્યમાં આવીને વસેલા લોકોને જ સિક્કિમના નાગરિક માનવામાં આવશે અને સરકારી નોકરીઓમાં તેમને પ્રાથમિકતા મળશે. 

આર્ટિકલ 371 એફ હેઠળ, સિક્કિમની સમગ્ર જમીન પર અહીંના લોકોનો જ હક છે. અહીં બહારના લોકો આવીને જમીન ખરીદી શકે નહીં. 

આર્ટિકલ 371 જી- મિઝોરમ
53માં સંશોધન દ્વારા 1986 માં તેને જોડવામાં આવી હતી. તે મિઝોરમમાં લાગૂ થાય છે. જે હેઠળ મિઝો લોકોના ધાર્મિક, સાંસ્કૃતિક, પ્રથાગત કાયદા અને પરંપરાઓને લઈને વિધાનસભાની સહમિત વગર સંસદ કોઈ કાયદો બનાવી શકે નહીં. આ ઉપરાંત તેમાં એ પણ જોગવાઈ કરવામાં આવી છે કે અહીંની જમીન અને સંસાધન કોઈ બહારના એટલે કે મિઝો સિવાયના લોકોને મળી શકે નહીં. જમીનનો માલિકી હક ફક્ત મિઝો લોકોને જ આપી શકાય. 

આર્ટિકલ 371 એચ- અરુણાચલ પ્રદેશ
બંધારણમાં 55મું સંશોધન કરીને આ કલમને જોડવામાં આવી હતી. તે અરુણાચલ પ્રદેશમાં લાગૂ છે. જે હેઠળ રાજ્યપાલને કાયદો વ્યવસ્થા માટે કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. 

રાજ્યપાલ ઈચ્છે તો મુખ્યમંત્રીનો નિર્ણય પણ રદ કરી શકે છે. આ પ્રકારના અધિકાર અન્ય કોઈ રાજ્યપાલ પાસે નથી. 

આર્ટિલ 371જે- કર્ણાટક
2012માં 98માં સંશોધન દ્વારા તેને બંધારણમાં જોડવામાં આવ્યું હતું. આ કર્ણાટકમાં લાગૂ થાય છે. જે હેઠળ   હૈદરાબાદ-કર્ણાટક વિસ્તારના છ જિલ્લાને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. હવે તે કલ્યાણ-કર્ણાટક ઓળખાય છે. આ જિલ્લાઓ માટે અલગ વિકાસ બોર્ડ બનાવવાની જોગવાઈ 371જે માં કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક લોકોને નોકરીઓ અને શિક્ષણમાં અનામત પણ આપી શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news