મકર સંક્રાંતિ પર આજે મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન, મહાનિર્વાણી સહિત 13 અખાડા શાહી અંદાજમાં કરશે સ્નાન

13મી જાન્યુઆરીથી સનાતન ધર્મના સૌથી મોટા ધાર્મિક જમાવડા પવિત્ર મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આજે મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાન છે. ત્યારે આ શાહી સ્નાન કે અમૃત સ્નાન એટલે શું એ પણ જાણો. 

Trending Photos

મકર સંક્રાંતિ પર આજે મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન, મહાનિર્વાણી સહિત 13 અખાડા શાહી અંદાજમાં કરશે સ્નાન

12 વર્ષ બાદ આયોજિત થનારો મહાકુંભ 13 જાન્યુઆરીએ શરૂ થયો. જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં 45 કરોડથ વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયના જણાવ્યાં મુજબ આ વખતે મહાકુંભમાં 15 લાખથી વધુ વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. પ્રયાગરાજમાં પોષી પૂર્ણિમા પર ભજન કિર્તન અને જયકારા સાથે શરૂ થયેલા મહાકુંભમાં આજે પહેલું અમૃત સ્નાન છે. મકર સંક્રાંતિ પર વિવિધ અખાડાઓના નાગા સાધુઓએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી જેને અમૃત સ્નાન (શાહી સ્નાન) કહે છે. આ મહાકુંભ 12 વર્ષ બાદ આયોજિત થયો છે. જો કે સંતોનો દાવો છે કે આ આયોજન માટે 144 વર્ષ બાદ એક ખુબ જ દુર્લભ મુહૂર્ત બન્યો છે. જે સમુદ્ર મંથન વખતે બન્યો હતો. 

પહેલા અમૃત સ્નાન માટે ઉમટ્યા ભક્તો
મકર સંક્રાંતિ પર અમૃત સ્નાન માટે લાખો શ્રદ્ધાળુઓ ભેગા થયા છે. અમૃત સ્નાન માટે કડક સુરક્ષા બંદોબસ્ત છે. સંતોનો જમાવડો છે અને મંત્રોનો શોર છે. તમામ 13 અખાડાઓના સંત આજે ડુબકી લગાવશે. અખાડાના અમૃત સ્નાનમાં પૂર્વ પરંપરાનું પાલન કરાયું છે. સવારે 6.15  વાગે મહાકુંભના પ્રથમ અખાડાનું સ્નાન થયું. પરંપરાનું પાલન કરતા શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીએ સૌથી પહેલા અમૃત સ્નાન કર્યું અને સૌથી છેલ્લે શ્રી પંચાયતી અખાડા નિર્મલ સ્નાન કરશે. તમામ અખાડાને 40-40 મિનિટ અપાઈ છે. મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી આજે સંગમ સ્નાન કરશે. 

મહાકુંભ અમૃત સ્નાનની તારીખો
મહાકુંભ દરમિયાન પવિત્ર સ્નાન આજે એટલે કે મકર સંક્રાંતિના દિવસે છે. ત્યારબાદ બીજુ પવિત્ર સ્નાન  29 જાન્યુઆરીના રોજ મૌની અમાસ વખતે અને ત્રીજુ પવિત્ર સ્નાન 3 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીના દિવસે થશે. 12 ફેબ્રુઆરીએ મહા પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે પણ પવિત્ર સ્નાન કરાશે. પરંતુ તેને અમૃત સ્નાન નહીં કહેવાય. 

13 જાન્યુઆરી 2025- પોષ પૂર્ણિમા (સ્નાન)
14 જાન્યુઆરી 2025- મકર સંક્રાંતિ (પ્રથમ અમૃત સ્નાન)
29 જાન્યુઆરી 2025- મૌની અમાસ (બીજુ અમૃત સ્નાન)
3 ફેબ્રુઆરી 2025- વસંત પંચમી (ત્રીજુ અમૃત સ્નાન)
12 ફેબ્રુઆરી 2025 - મહા પૂર્ણિમા (સ્નાન)
26 ફેબ્રુઆરી 2025- મહા શિવરાત્રિ (અંતિમ સ્નાન)

શું છે આ અમૃત સ્નાન કે શાહી સ્નાન
કેટલાક લોકોનું માનવું છે કે સનાતન ધર્મ પ્રત્યે સમર્પણના કારણે નાગા સાધુઓને મહાકુંભમાં સૌથી પહેલા સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ દરમિયાન નાગા સાધુઓ હાથી, ઘોડા અને રથો પર સવાર થઈને ગંગા સ્નાન કરવા માટે આવે છે. એટલે કે તેમનો વૈભવ રાજાઓ જેવો જોવા મળે છે. એવું કહેવાય છે કે નાગા સાધુઓનો આ રાજવી ઠાઠ જોઈને જ મહાકુંભના પવિત્ર સ્નાનનું નામ શાહી સ્નાન રાખવામાં આવ્યું છે. અમૃત સ્નાનને લઈને પણ એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ મહાકુંભ દરમિયાન સ્નાન કરવા માટે સાધુ સંતો સાથે ભવ્ય જૂલુસમાં નીકળતા હતા. ત્યારથી મહાકુંભની કેટલીક વિશેષ તિથિઓ પર થનારું સ્નાન અમૃત સ્નાનના નામે ઓળખાવા લાગ્યું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news