મમતાની પાર્ટીનો આજથી પ.બંગાળના દરેક જિલ્લામાં બે દિવસનો ધરણા કાર્યક્રમ, ખાસ જાણો કારણ
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીએ મંગળવારે સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધના ધરણા ખતમ કરી દીધા હતાં. પરંતુ હવે તેમની પાર્ટી પ્રદેશના દરેક જિલ્લામાં આજથી બે દિવસ ધરણા કરવા જઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે લોકતંત્ર બચાવવા માટે તથા બંધારણને કચડવાની કેન્દ્રની ભાજપ સરકારની કોશિશને પછાડવા માટે તેઓ ગુરુવાર અને શુક્રવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા ધરશે.
તૃણમૂલ મહાસચિવ અને રાજ્ય સરકારના મંત્રી પાર્થ ચેટર્જીએ બુધવારે અત્રે પત્રકાર સંમેલનમાં કહ્યું કે ગુરુવારે દરેક જિલ્લાના મુખ્યાલય પર સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ધરણા ધરવામાં આવશે અને શુક્રવારે પણ આવું જ પ્રદર્શન રહેશે.
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ બળજબરીપૂર્વક કાર્યવાહી કરતા રોકવામાં આવ્યાં બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે સાંજે જ પોતાના ધરણા સમાપ્ત કર્યા હતાં. પરંતુ તેમણે કહ્યું હતું કે મોદી સરકારને સત્તાની બહાર ન કાઢે ત્યાં સુધી આ જંગ ચાલુ રહેશે.
સીબીઆઈ દ્વારા કુમારની પૂછપરછની કોશિશ બાદ રવિવારે સાંજે નાટકીય અંદાજમાં ધરણા શરૂ કરનારા મમતા બેનર્જીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના 'અનૂકુળ' આદેશ બાદ સમાન વિચારોવાળા રાજકીય પક્ષોના નેતાઓ સાથે પરામર્શ બાદ પોતાના ધરણા તેઓ ખતમ કરવા જઈ રહ્યાં છે.
ટીડીપી અધ્યક્ષ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સાથે ધરણા સ્થળ પર ઉભેલા મમતાએ પોતાના સમર્થકોની ભીડ સમક્ષ કહ્યું કે હું છોડીશ નહીં...મોદી હટાવો, દેશ બચાવો, આ ધરણા લોકોની જીત છે, દેશની જીત છે અને લોકતંત્રની જીત છે. હવે હું આ લડાઈ દિલ્હી લઈને જઈશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે