Women's World Cup 2022: ભારતીય ટીમની વિજયી શરૂઆત, પાકિસ્તાનને 107 રને પરાજય આપ્યો
આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની પોતાની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમે પાકિસ્તાનને 107 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય મહિલા ટીમે વિશ્વકપના પ્રથમ મુકાબલામાં પાકિસ્તાન મહિલા ટીમને 107 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ મોટી જીત સાથે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ પસંદ કરી
મેચમાં ભારતીય કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી અને ટીમને 4 રન પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્મા (0) રન બનાવી આઉટ થઈ હતી. અહીંથી સ્મૃતિ મંધાના (52) અને દીપ્તિ શર્મા (40) એ બીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી. 21.5 ઓવર સુધી ભારતીય ટીમનો સ્કોર 96/1 હતો. પરંતુ ત્યારબાદ ભારતે એક બાદ એક વિકેટ ગુમાવી અને 114 રન સુધી છ વિકેટ ગુમાવી દીધી હતી.
સ્નેહ રાણા અને પૂજા વસ્ત્રાકરે સંભાળી ઈનિંગ
મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતીય મહિલા ટીમની લાજ મધ્યમક્રમની બેટરોએ બચાવી હતી. સ્નેહ રાણા (53) અને પૂજા વસ્ત્રાકર (67) એ 122 રનની શાનદાર ભાગીદારી કરી ભારતીય ટીમની મેચમાં વાપસી કરાવી હતી. પૂજા વસ્ત્રાકર ઈનિંગની છેલ્લી ઓવરમાં આઉટ થઈ હતી. જ્યારે સ્નેહ રાણા અણનમ રહી હતી. બંને ખેલાડીઓની અડધી સદીની મદદથી ભારતે 50 ઓવરમાં 244 રન બનાવ્યા હતા.
પાકિસ્તાનની ટીમ માત્ર 137 રનમાં ઓલઆઉટ
245 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માત્ર 137 રન બનાવી શકી હતી. મેચમાં પાકિસ્તાનની ટીમ શરૂઆતથી દબાવમાં જોવા મળી હતી. પાક મહિલા ટીમે 28 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને નિયમિત અંતરે સફળતા મળતી રહી હતી. પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન ઓપનર સિદ્રા અમીન (30) એ બનાવ્યા હતા. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. બેટિંગમાં ધમાલ મચાલનાર સ્નેહ રાણાએ બોલિંગમાં પણ દમદાર પ્રદર્શન કરતા બે વિકેટ લીધી હતી. આ સિવાય ઝૂલન ગોસ્વામીને બે સફળતા મળી હતી. દીપ્તિ શર્મા અને મેઘના સિંહના ખાતામાં એક-એક વિકેટ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે