બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતને 7 વિકેટે જીત
ભારતીય ટીમે ટી20 સિરીઝની શરૂઆત જીત સાથે કરી છે. કોલકત્તામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય બોલરોની શાનદાર બોલિંગ બાદ અભિષેક શર્માની આક્રમક અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે.
Trending Photos
IND vs ENG: ભારતીય ટીમે પાંચ મેચની ટી20 સિરીઝના પ્રથમ મુકાબલામાં ઈંગ્લેન્ડને 7 વિકેટે કારમો પરાજય આપ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 132 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે 12.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
અભિષેક શર્માનું વાવાઝોડું
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઈનિંગની બીજી ઓવરમાં સંજૂ સેમસને ચાર ફોર અને એક સિક્સ સાથે 22 રન ફટકાર્યા હતા. સંજૂ સેમસન 20 બોલમાં 26 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરી હતી. અભિષેકે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. અભિષેક શર્મા 34 બોલમાં 5 ચોગ્ગા અને 8 સિક્સ સાથે 79 રન બનાવી આઉટ થયો હતો.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય રન બનાવી જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. તિલક વર્માએ 16 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે અણનમ 19 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યા 3 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને બે તથા આદિલ રાશિદને એક વિકેટ મળી હતી.
બટલર સિવાય ઈંગ્લેન્ડના બેટરો ફ્લોપ
ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે 44 બોલમાં 8 ચોગ્ગા અને બે સિક્સ સાથે 68 રન બનાવ્યા હતા. આ સિવાય ઈંગ્લેન્ડના તમામ બેટર ફ્લોપ રહ્યાં હતા. ઓપનર ફિલ સોલ્ટ 0 અને બેન ડકેત 4 રન બનાવી આઉટ થયા હતા. હેરી બ્રૂકે 17 રનનું યોગદાન આપ્યું હતું. લિયામ લિવિંગસ્ટોન 0, જેકોબ બેથેલ 7 રન બનાવી આઉટ થયા હતા.
ભારતીય બોલરોનો દબદબો
ભારત તરફથી વરૂણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહે 4 ઓવરમાં 17 રન આપી બે, હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 42 રન આપી બે તથા અક્ષર પટેલે 4 ઓવરમાં 22 રન આપી બે વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે