આ 10 ઈનોવેશન જાણીને મગજ ચકરાવે ચઢી જશે, સાબિત થઈ છે દુનિયાની બેસ્ટ ટેકનોલોજી
Trending Photos
નવી દિલ્હી : ટાઈમ મેગેઝીને દર વર્ષની જેમ દુનિયાને વધુ સ્માર્ટ અને સુવિધાજક બનાવનારા સર્વશ્રેષ્ઠ આવિષ્કારોને રજૂ કર્યાં છે. આ ઈનોવેશન અનેક મામલે અનોખા છે. મેગેઝીને 2018ના 50 બેસ્ટ ઈનોવેશનનું લિસ્ટ રજૂ કર્યું છે. જે આપણી જિંદગી, કામકાજ, મનોરંજનને પ્રભાવિત કરી શકે છે. તો આવા 10 ઈનોવેશન વિશે જાણીએ.
રિમોટ બનશે સ્પીકર
તેને સ્માર્ટ સ્પીકર પણ કહી શકાય છે. તે તમારો અવાજ સાંભળીને ટીવીનો અવાજ ઓછો કે વધારવો, ચેનલ બદલવી, ટીવી બંધ કરી દેશે. આ સ્પીકરની સાઉન્ડ ક્વોલિટી બહુ જ સારી છે. તેમાં વૂફર્સની આખી રેન્જ કામ કરે છે. અમેરિકાની કંપની સોનાજનું આ પ્રોડક્શન છે. તેની કિંમત 399 ડોલર છે.
ખરાબ આદતોથી બચાવશે બ્રેસલેટ
અમેરિકાની કંપની હૈબિટવેયરે કીન નામનું એક એવું સ્માર્ટ બ્રેસલેટ બનાવ્યું છે, જે વાળ ખેંચવા, ખંજવાળવું, નખ કતરવા જેવા કામ ન કરવા સચેત કરે છે. બ્રેસલેટ વાઈબ્રેશન દ્વારા યૂઝરને ચેતવણી આપે છે. તેનાથી લોકોનું ધ્યાન બદલાય છે, અન તેઓ સચેત થાય છે. અત્યાર સુધી 1 મિલિયનથી વધુ બ્રેસલેટ વેચાઈ ચૂક્યા છે. તેની કિંમત 149 ડોલર (10,611 રૂપિયા) છે.
કામદારોની સુરક્ષા માટે સેન્સર
ફ્યુઝ રિસ્ક મેનેજમેન્ટ પ્લેટફોર્મ કારખાના અને દુકાનોમાં કામ કરતા કામદારોને વધુ સુરક્ષા પહોંચાડે છે. તે એક પ્રકારનું સેન્સર છે, જે કામદાર તેની છાતીમાં લગાવી શકે છે. જો તે વધુ વજન ઉઠાવી રહ્યાં છે, તો તે ઈજા થવાના સંકેત આપે છે. તેને અમેરિકન કંપની સ્ટ્રાંગ આર્મ ટેક્સે તૈયાર કર્યું છે.
સ્માર્ટ સ્પોર્ટસ બ્રા
રીબોકની ડિઝાઈનર ડેનિયલ વિટેકે ભારે મહેનત બાદ મોશન સેન્સિંગ ટેકનોલોજી પર આધારિત સ્પોર્ટસ બ્રા તૈયાર કરી છે, જે હલચલ મુજબ એડજસ્ટ થાય છે. તેના ફેબ્રિકમાં જેલ જેવું ઘટ્ટ પ્રવાહી બ્રાને સંકોચિત કરવા તથા એડજસ્ટ કરવામાં મદદ કરે છે. કંપનીએ ઓગસ્ટમાં આ બ્રાને લોન્ચ કરી હતી. તેની કિંમત 60 ડોલર (4271 રૂપિયા) છે.
ફીટ રાખતા કાપડ
નજીકના ભવિષ્યમાં કાપડ શરીરને એડપ્ટ કરી લેશે, તેવો દાવો જાપાનની કંપની જોજોએ કર્યો છે. કંપનીએ એક એવી એપ તૈયાર કરી છે, જેના દ્વારા તમે ઘરમાં જ તમારી શરીરનું થ્રીડી સ્કેન કરીને તેની ઈમેજ કંપનીના મોબાઈલ એપ પર મોકલી શકો છો. કંપની એ આધાર પર એકદમ ફીટ કપડા બનાવીને તમારા ઘરે મોકલી દેશે. તેના માટે સફેદ ડોટવાળા કાળા બોડી સૂટ ગ્રાહકને પહેરવાના રહેશે. કંપનીએ જિન્સની કિંમત 58 ડોલર, જ્યારે કે શર્ટની કિંમત 22 ડોલર નક્કી કરી છે.
24 કલાકમાં 3ડી મકાન
આ વર્ષની શરૂઆતમાં ટેક્સાસના સ્ટાર્ટઅપ આઈકોને 350 વર્ગ ફીટનું મકાન 24 કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર કર્યું હતું. આ કરિશ્મા વલ્કન થ્રીડી પ્રિન્ટરથી શક્ય બન્યું હતું. આઈકોને 9 મહિનાની આકરી મહેનત બાદ વલ્કન 3ડી પ્રિન્ટર ટેકનિક વિકસીત કરી છે. આ મશીન મકાનના અલગ અલગ હિસ્સા બનાવે છે. તેનો ખર્ચ પરંપરાગત મકાનો કરતા પણ ઓછો છે. જોકે, તેની કિંમતનો હજી સુધી કોઈ ખુલાસો નથી થયો.
નેત્રહીનો માટે આંખો
અમેરિકાની આયરા નામની કંપની સબ્સક્રિપ્શન સર્વિસના આધાર પર પોતાના યુઝર્સને તેની આસપાસના લાઈવ વીડિયો સ્માર્ટ ફોન કે કંપનીના ચશ્મા દ્વારા મોકલે છે. કંપનીના એજન્ટ 24 કલાક ઉપલબ્ધ રહે છે, જે લાઈવ વીડિયો જોઈને નેત્રહીન યુઝરને ગાઈડ કરે છે. કંપનીના પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર ગ્રેગ સ્ટિલસન છે, જે ખુદ નેત્રહીન છે. તેના માટે ગ્રાહકોને દર મહિને 99 ડોલર ખર્ચવાના રહેશે.
દીવાલ જેવી ટીવી
શો અને ફિલ્મો જોવા સમયે આજકાલ હેરતઅંગેજ વિઝ્યુલ જોવા મળે છે. જેમ ટીવી બંધ થાય તો, તે બ્લેક બોક્સ બનીને રહી જાય છે. સેમસંગનો 4-કે ક્યુએલઈડી રૂમની દિવાલની સાથે મિક્સ થઈ જાય છે. તમને એમ લાગશે કે જાણે ત્યાં કોઈ દિવાલ છે, ટીવી છે જ નહિ. એમ્બિએન્ટ મોડમાં આર્ટ વર્ક, મોસમ રિપોર્ટ કે અંગત ફોટો પણ બતાવી શકાય છે. તેની કિંમત 1099 ડોલર હોવાનું કહેવાય છે.
એક ઈન્જેક્શનથી માઈગ્રેનનો ઈલાજ
દુનિયાભરમાં અંદાજે 12.7 કરોડથી લઈને 30 કરોડ લોકો માઈગ્રેનથી પીડિત છે. માઈગ્રેથી લોકોની હેલ્થ પર ખરાબ અસર પડે છે. તેના ઈલાજના બહુ જ વિકલ્પ છે. એમેઝોન ફાર્માએ એક એવું ઈન્જેક્શન તૈયાર કર્યું છે, જે માઈગ્રેનના માથાના દર્દને દૂર કરે છે. આ ઈન્જેક્શનને મહિનામાં એકવાર લગાવવું પડે છે. જેથી રોજ રોજ દવા ખાવાથી છૂટકારો મળશે. તેની કિંમત 575 ડોલર છે.
રોશની મુજબ એડજસ્ટેબલ કોન્ટેક્ટ લેન્સ
જ્હોન્સન એન્જ જ્હોન્સન વિઝને એડજસ્ટેબલ કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા છે. જે લાઈટ મુજબ દ્રષ્ટિ સુધારશે. તેમા લાગેલ ફિલ્ટર પ્રકાશની તીવ્રતા માપીને રોશની ઓછી-વધારે કરશે. તે આગામી વર્ષે માર્કેટમાં આવી શકે છે. તેના પર ગત એક દાયકાથી કામ ચાલી રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં એફડીએએ તેને ક્લીયરન્સ આપ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે