જેના પાસપોર્ટ અમેરિકાની સરકાર પાસે હશે તે તમામ માટે જોખમ, જાણો શું બલા છે આ ડિપોર્ટેશન?
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા પર વાપસી થયા બાદ જે મુદ્દો સૌથી વધુ ચર્ચાઈ રહ્યો છે તે છે ડિપોર્ટેશન. હાલમાં જ 104 ભારતીયોને અમેરિકાથી ઼ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. કોના પર હજુ સૌથી વધુ જોખમ રહેલું છે તે ખાસ જાણો.
Trending Photos
હાલમાં જ અમેરિકાથી 104 જેટલા ભારતીયો અને એમાં પણ 33થી વધુ ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા. આ એવા ભારતીયો હતા જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા પકડાયા અને તેમને અમેરિકાએ સાંકળમાં બાંધીને માદરે વતન પાછા મોકલી દીધા. મોટી આશા સાથે વિદેશમાં સેટ થવાનું સપનું જોતા આ ભારતીયોની હાલત એવી થઈ ગઈ છે કે કદાચ ક્યારેય વિદેશ જઈ શકશે નહીં. આખરે ડિપોર્ટેશન પ્રક્રિયા એટલે શું? જો સીધો સાદો સરળ અર્થ કહેવો હોય તો ગેરકાયદેસર રીતે પોતાના દેશમાં ઘૂસેલા વિદેશીઓને પકડી તેમના વતન મોકલી દેવાની પ્રક્રિયા.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં આશરે આવા 7 લાખથી વધુ ગેરકાયદે પ્રવાસી ભારતીયો છે. જે તેમના ચોપડે નોંધાયેલા નથી. ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવામાં મેક્સિકો અને સાલ્વાડોર બાદ ત્રીજો નંબર ભારતીયોનો આવે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર આંકડા તો નથી. ભારત માટે પણ આ એક મોટો પ્રશ્ન છે કારણ કે પોતાના નાગરિકો આ રીતે અન્ય દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસતા પકડાય તે પ્રતિષ્ઠા પર ધબ્બો છે. વિદેશમંત્રી જયશંકરે પણ કહ્યું હતું કે ભારત ગેરકાયદે ઈમિગ્રેશનને બિલકુલ સમર્થન આપતું નથી. તેની સાથે ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જોડાયેલી છે જેનાથી પ્રતિષ્ઠા ખરડાય છે. કોઈ પણ ભારતીય નાગરિક અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો જોવા મળે અને તે ભારતીય નાગરિક હોવાનું પુરવાર થાય તો કાયદેસર રીતે ભારત લાવવાની પ્રક્રિયા માટે પણ તૈયારી છીએ.
શું છે આ ડિપોર્ટેશનની પ્રક્રિયા?
ડિપોર્ટેશનનો અર્થ જોવા જઈએ તો ઈમિગ્રેશનના કાયદાના ભંગના કરાણે અમેરિકાથી કોઈ અન્ય દેશના નાગરિકને તગેડવાની પ્રક્રિયા એ ડિપોર્ટેશન છે. ICE ડિપોર્ટેશનની પ્રક્રિયા હાથ ધરે છે. ડિપોર્ટેશન અનેક કારણોસર થઈ શકે છે. જેમાં વિઝા સ્ટેટસનો ભંગ, અપરાધિક ગતિવિધિ, કે જાહેર સુરક્ષા માટે જોખમ પેદા કરવું વગેરે સામેલ છે.
અનેક વર્ષોથી અમેરિકાથી ડિપોર્ટેશન તણાવનો વિષય રહ્યો છે. નોન સિટિઝન જે ઈમિગ્રેશનના કાયદાનો ભંગ કરે છે કે વિઝા સમયગાળા કરતા વધુ રહે છે તેમણે ડિપોર્ટેશનો સામનો કરવો પડતો હોય છે. જેમાં કોઈ પણ કાયદાનો ભંગ ક રનારા વ્યક્તિને પહેલા કસ્ટડીમાં લેવાય છે અને પછી ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવે છે. કોર્ટમાં રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી ત્યાં રાખવામાં આવે છે. કોર્ટ સમીક્ષા કરે છે કે શું અપ્રવાસી શરણ ઈચ્છે છે અને પરિસ્થિતિઓના આધારે ડિપોર્ટેશનનો આદેશ અપાય છે. કેટલાક મામલાઓમાં નોન સિટિઝન સ્વૈચ્છિક પ્રસ્થાનનો વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એન્ટ્રી જરૂરિયાતોનો ભંગ કરે છે કે ફ્રોડવાળા દસ્તાવેજોનો ઉપયોગ કરતા પકડાય છે તો તેને તરત ડિપોર્ટ કરી દેવાય છે.
ગેરકાયદેસર રીતે ઘૂસેલા વ્યક્તિ પાસે જો તેની નાગરિકતાના પુરાવા સ્વરૂપી દસ્તાવેજો ન હોય તો તેવા સંજોગોમાં જે તે દેશની એમ્બેસીને તે વ્યક્તિની માહિતી મોકલાય છે. જેને આધારે એમ્બેસીએ તપાસ કરીને એક રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે કે તે દેશનો નાગરિક છે કે નહીં. અત્રે જણાવવાનું કે એવા અનેક લોકો હાલ અમેરિકામાં છે જેમની નાગરિકતાના કોઈ પુરાવા અમેરિકાની સરકાર પાસે નથી અને તે ભેગા કરવામાં લાંબો સમય લાગે તેમ છે.
કોને ડિપોર્ટેશનનું જોખમ
એમ કહેવામાં આવે છે કે અમેરિકામાં જયારે જો બાઈડનની સરકાર હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો સરહદો ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસ્યા હતા. બોર્ડરથી ઘૂસનારા લોકોની સંખ્યા ઘણી મોટી હતી અને જેના કારણે અમેરિકામાં બાઈડન સરકાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ હતો. આ મુદ્દાને ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી દરમ્યાન મુખ્ય મુદ્દો બનાવીને ખુબ ઉછાળ્યો અને એવું પણ કહેવાય છે કે તેને પ્રતાપે તેમને પ્રચંડ જીત પણ મળી. હવે એ વિચારીએ કે આ ડિપોર્ટેશનનું જોખમ કોના માથે સૌથી વધુ છે, તો જે લોકો કાયદેસર રીતે નહીં પરંતુ બોર્ડર માર્ગે અમેરિકામાં ઘૂસ્યા છે તે તમામ લોકો પાસેથી એન્ટ્રી સમયે પાસપોર્ટ જમા લઇ લેવામાં આવ્યા હતા. આ પાસપોર્ટ પોતાની પાસે હોવાથી અમેરિકાની સરકાર પાસે સીધો પુરાવો છે કે, સરહદ ઓળંગીને આવેલા લોકો ક્યા દેશના છે. આવા સંજોગોમાં ડિપોર્ટ કરવા માટે અમેરિકી સરકારને જે તે વ્યક્તિના દેશની પરમિશન કે એમ્બેસી પાસે પુરાવા માંગવાની પ્રક્રિયા કરવી પડતી નથી. બીજું એ પણ છે કે, ગેરકાયદે આવનારા લોકોને અમેરિકામાં અસાઇલમ દાખલ કરે છે અને આ અસાઈલમમાં જરૂરી ડોક્યુમેન્ટમાં તેમની નાગરિકતાના ડોક્યુમેન્ટ પણ રજૂ કરાય છે અને એટલે સરકાર પાસે આ વ્યક્તિની તમામ જાણકારી હોય છે આથી આવા લોકોના માથે ડિપોર્ટેશનનું જોખમ વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે