અમદાવાદમાં સૌથી મોટો દીક્ષા સમારોહ, એકસાથે 19 લોકો દીક્ષા લેશે
અમદાવાદ ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત સામૂહિક દીક્ષાઉત્સવ આત્મોદ્વાર-3નો આજથી પ્રારંભ થયો. કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે 23મી મેના રોજ રિવરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભ સદનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં 19 જેટલા વ્યક્તિઓ સંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. જેમાં 17 મહિલા અને 2 પુરુષો છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત સામૂહિક દીક્ષાઉત્સવ આત્મોદ્વાર-3નો આજથી પ્રારંભ થયો. કાર્યક્રમના અંતિમ દિવસે એટલે કે 23મી મેના રોજ રિવરફ્રન્ટ ખાતે આવેલા વલ્લભ સદનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં 19 જેટલા વ્યક્તિઓ સંસારિક જીવનનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરશે. જેમાં 17 મહિલા અને 2 પુરુષો છે.
સામૂહિક દીક્ષાઉત્સવ કાર્યક્રમને ભવ્ય બનાવવાના ઉદ્દેશથી શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગે શરૂ થયેલી ભવ્ય શોભાયાત્રા રતનપોળ, વીજળી ઘર, નહેરુ બ્રિજથી અંડર બ્રિજ, મીઠાખળી, છ રસ્તા થઈ સરદાર પટેલ સેવા સમાજ હોલ ખાતે પહોંચી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં તમામ દીક્ષાર્થીઓ, 11થી વધુ બગી, 7થી વધુ નૃત્ય મંડળીઓ, 5થી વધુ વાદ્ય મંડળીઓ તથા અલગ અલગ પ્રકારની અન્ય બીજી પણ મંડળીઓ જોડાઈ હતી. તેમજ બનાસકાંઠા, સુરત, મુંબઇ સહિતના ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સગી બહેનો, માતા-પુત્ર, ભાઈ-બહેનની જોડી દીક્ષા લેશે
23 મેના રોજ દીક્ષા લેનાર 19 વ્યક્તિઓમાં સગી બહેનો, માતા-પુત્ર, ભાઈ-બહેનની જોડીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. એક યુવતી જે ડિફેન્સમાં ફરજ બજાવી ચૂકી છે, તે પણ જૈન સમાજના ઉદ્દેશથી પ્રેરાઈને દીક્ષા લેવા જઈ રહી છે. સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ સંયમ અને તેમની માતા મીનાબહેન પણ સાથે દીક્ષા લેશે. આ પરિવારની વાત કરીએ તો, મીનાબહેનના પુત્રી પણ 5 વર્ષ પહેલાં દીક્ષા લઈને સંસારિક જીવનનો ત્યાગ કરી ચૂકી છે.
બ્રાહ્મણ મહિલા દીક્ષા લેશે
માત્ર જૈન સમાજના જ લોકો દીક્ષા લેતા હોય તેવું પણ નથી. બ્રાહ્મણ પરિવારની રીંકલ ઓઝા નામના મહિલા પણ દીક્ષા લેવાના છે. પરિણીત એવા રીંકલ ઓઝાએ સંસારિક જીવન માણાવાને બદલે જૈન સમાજના ઉદ્દેશોથી પ્રેરાઈને દીક્ષાનો માર્ગ પસંદ કર્યો છે.
સાંસારિક જીવન ત્યાગ કરવું સરળ નથી, પરંતુ સાચું સુખ અને શાંતિ સંસારના માર્ગે નહીં પણ સંયમના માર્ગે છે એ સત્યને ધીમે ધીમે અનેક લોકો સમજી રહ્યા છે. એટલે જ નાની વયે પણ આજના લોકો તમામ સુખ સુવિધાઓને ત્યજીને હસતા મોઢે સંયમનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં યોજાનાર એકસાથે 23 દીક્ષાર્થીઓનો કાર્યક્રમ વધુ ભવ્ય બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે