ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માસિક આટલા રૂપિયા પેન્શન મળશે, બજેટમાં સત્તાવાર જાહેરાત થશે

ગુજરાતમાં આમ તો બાંધકામ શ્રમિકો માટે અનેક યોજનાઓ અમલી છે. પરંતુ આ વખતે બજેટમાં એક મહત્વની જાહેરાત થઈ શકે છે અને 60 વર્ષથી વધુ વય ધરાવતા બાંધકામ શ્રમિકોને પેન્શન અપાશે. જાણો વિગતો. 
 

ગુજરાતમાં બાંધકામ શ્રમિકોને માસિક આટલા રૂપિયા પેન્શન મળશે, બજેટમાં સત્તાવાર જાહેરાત થશે

ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમિકો માટે આમ તો ઘણી બધી યોજનાઓ વર્તમાનમાં અમલી છે પરંતુ આ વખતે ગુજરાત સરકારે વર્ષ 2025-26ના શ્રમ-રોજગાર વિભાગના બજેટમાં બાંધકામ શ્રમિકો માટેની વૃદ્ધાશ્રમ પેન્શન યોજના જાહેર કરવાનું નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ 60 વર્ષથી ઉપરના બાંધકામ શ્રમિકની સામાજિક સલામતી અને જીવનના જોખમ સામે રક્ષણ આપવા બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા 10 વર્ષથી નોંધાયેલા આવા શ્રમિકોને માસિક રૂપિયા 300નું પેન્શન આપવામાં આવશે. જો બાંધકામ શ્રમિકોને કોઈ આકસ્મિક કારણસર અપંગતા આવી જાય તો આવા કિસ્સામાં અપંગ થયેલા શ્રમિકને માસિક રૂપિયા 3000 તથા જો કોઈ કારણસર બાંધકામ શ્રમિકના મૃત્યુ થાય તો વારસદારને દર મહિને 1500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં હાલ ચોપડે 11.51 લાખ જેટલા બાંધકામ શ્રમિક નોંધાયેલા છે. જેના લાભ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26ના આગામી બજેટ સત્ર દરમિયાન વૃદ્ધાશ્રમ પેન્શન યોજનાની જાહેરાત કરાશે એવું સૂત્રોનું કહેવું છે. એ જ રીતે મુખ્યમંત્રી શ્રમિક યોજના હેઠળ નોંધાયેલા શ્રમિક કામદારોને ચોમાસાના સમયગાળામાં કામ ન મળવાને કારણે તેમની સામાજિક સલામતી અને જીવન નિર્વાહ કરવા માટે માસિક 3,000નું પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં શ્રમિકોને હાલ કઇ યોજના હેઠળ મળે છે કયા લાભ
તમામ નોંધાયેલ બાંધકામ શ્રમયોગીઓને PLAY-માં યોજનાનો લાભ અપાય છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં સુધારો કરાયો છે. આવા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓ તથા તેમના બાળકો માટેની કુશળ શ્રમિક સહાય યોજનાનો લાભ અપાય છે. બાંધકામ શ્રમિકોને બેટરી ઓપરેટેડ દ્વિ-ચક્રી વાહનની ખરીદી માટે નાણાકીય સહાય અપાય છે. બાંધકામ શ્રમયોગીઓ માટે પ્રિફેબ્રીકેટેડ કામચલાઉ આવાસ પૂરા પાડવા આવે છે. બાંધકામ શ્રમિકો માટેની અકસ્માત મૃત્યુ સહાય યોજનામાં સુધારો કરીને સહાયમાં વધારો કરાયો છે. તેમને સંપૂર્ણ તબીબી સહાય અપાય છે. 
નોંધાયેલ બાંધકામ શ્રમયોગીના બાળકોના વિશિષ્ટ અભ્યાસના કોચિંગ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. અમદાવાદના નોંધાયેલા બંધાકામ શ્રમિકોને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના આપવામાં આવે છે. પ્રધાન મંત્રી શ્રમયોગી માનધન યોજના, નોંધાયેલા દિવ્યાંગ બાંધકામ શ્રમિકોને બેટરી સંચાલીત ત્રિ-ચક્રી (ઇ-રેક્ષા) વાહન માટે સબસીડી આપવાની યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, બાંધકામ શ્રમિકો માટે વધુ ૧૦૦ ધન્વંતરી આરોગ્ય રથ યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news