ભાવનગરમાં 8 તો વડોદરામાં 6 મહિનાથી ચાલી રહ્યું છે રોડનું કામ, તંત્રની ધીમી કામગીરીથી જનતા પરેશાન
વિકસિત ગુજરાતમાં પણ તંત્રની કામગીરી સતત ચર્ચામાં રહે છે. તંત્ર કોઈ એક કામ શરૂ કરે તો તેને પૂરુ કરવામાં લાંબો સમય પસાર થઈ જાય છે અને લોકો પરેશાન રહે છે. વડોદરા અને ભાવનગરમાં લાંબા સમયથી ચાલી રહેલા રોડના કામને લઈને પ્રજા મુશ્કેલી સહન કરી રહી છે.
Trending Photos
વડોદરા/ભાવનગરઃ એક તરફ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે. કરોડોના કામો કર્યાનો જશ લઈ રહી છે, ત્યારે બીજી તરફ મહાનગરોમાં ગોકળગતિએ ચાલતા રોડ રસ્તાના કામથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. નાના ગામ અને તાલુકા તો ઠીક હવે મહાનગરોમાં પણ મહિનાઓ સુધી ચાલી રહ્યા છે રોડ રસ્તાના કામ... આવા રસ્તાઓથી કોને કેટલી પડી રહી છે હાલાકી, જોઈએ આ અહેવાલમાં....
ગુજરાતમાં વિકાસના કામો રોકેટ ગતિએ થતાં હોવાના દાવા સરકાર કરતી આવી છે. રોડ-રસ્તાના કામ માટે બજેટમાં સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. પરંતુ સરકારના જ તંત્રમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓના કારણે સમયસર રસ્તા બનતાં નથી અને ભોગવવાનો વારો લોકોને આવે છે. આવી જ સ્થિતિ વડોદરા અને ભાવનગરમાં ઉભી થઈ છે જ્યાં મહિનાઓથી રોડ-રસ્તાંનું કામ ચાલતું હોવાથી તોબા પોકારી ઉઠ્યા છે.
સૌથી પહેલાં વાત કરીએ વડોદરાની. માંજલપૂર વિસ્તારનો આ રસ્તો ગૌરવપથના નામથી ઓળખાય છે. પરંતુ તંત્રની કામગીરી જોતા આ રસ્તાને લઈને ગૌરવ લેવા જેવી એકેય વાત નથી, ઉલ્ટાના આ રસ્તા પર ચાલતી કામગીરીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. ભાજપ કોર્પોરેટર સંગીતાબેન પટેલના ઘર આગળ ફૂટપાથ મોટો રખાતા ધારાસભ્ય યોગેશ પટેલે વિરોધ નોંધાવ્યો હતો. જેથી ફૂટપાથને નાનો કરવા માટે 6 મહિના પહેલા તુલસીધામથી દીપ સર્કલ સુધી નાંખેલા પેવર બ્લોક કાઢી નંખાયા છે. ત્યારે 6 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ સુધી રોડનું કામ પૂર્ણ થયુ નથી.
આ તો વાત થઈ વડોદરાની, હવે વાત કરીએ ભાવનગરની... ભાવનગરમાં પણ ટોપ3 સર્કલથી અધેવાડા વચ્ચે 8 મહિનાથી રોડ બની રહ્યો છે, જે 8-8 મહિના થવા છતાં પૂર્ણ થઈ રહ્યો નથી... ગયા વર્ષે ચોમાસા પહેલા આ રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ આ વાતને 8 મહિના થઈ ગયા છતાં કામ પૂર્ણ ન થતાં પરેશાન થઈ ગયા છે. એટલું જ નહીં અધુરા રહેલા રોડના કારણે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, જેથી લોકો તો જાણે ભ્રષ્ટ તંત્રની કામગીરીથી તોબા પોકારી ઉઠ્યા છે.
સાંભળીને લોકોની વેદના. મહાનગર પાલિકાનું આળસુ તંત્ર રોડ બનાવવાનું શરૂ તો કરે છે. પરંતુ તે કામ પૂર્ણ કરવા માટે મહિનાઓના મહિના કાઢી નાંખે છે. આવા અધિકારીઓ તો એસી રૂમમાં બેસીને આરામ કરતા હોય છે, પરંતુ તેમની આળસના કારણે ભોગવવાનો વારો તો જનતાના ભાગે જ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે