સુખી સંપન્ન પાટીદાર સમાજની પીડા છલકાઈ! ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી
Patidar Samaj : પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ એક નિવેદનમાં પાટીદાર સમાજને ચેતવ્યા છે... ત્યારે આ નિવેદન બાદ પાટીદાર સમાજના અગ્રણીઓના મત સામે આવ્યા છે
Trending Photos
Gordhan Zadafia Statement On Patidar Samaj : મહેસાણાના કડીમાં ચુવાળા 72 કડવા પાટીદાર સમાજનો યોજાયો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના નેતા ગોરધન ઝડફીયાએ સ્ટેજ પરથી પાટીદાર સમાજના આગેવાનોને ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. ત્યારે ગોરધન ઝડફીયાના આવા નિવેદન બાદ સમાજમાં રાજકારણ ગરમાયું છે. સાથે જ અન્ય પાટીદાર આગેવાનોના પણ નિવેદન સામે આવી રહ્યાં છે.
સમાજે આ બાબતે ચિંતન-મનન કરવું જોઈએ - અલ્પેશ કથીરિયા
ગોરધન ઝડફિયાએ જાહેર મંચથી કરેલ ટકોરને લઈને સામાજિક અગ્રણી અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, 74 પાટીદાર સમાજના પ્રોગ્રામમાં પાટીદાર સમાજને આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે તે રીતે સંસ્કારો પ્રાપ્ત થવા જોઈએ અને વ્યસનથી દૂર રહેવા માટેની તેમને ટકોર કરી છે. અમારા જેટલા વર્ષ નથી તેટલો તેમનો અનુભવ છે અને તેમને જ્યારે આ ટકોર કરે છે ત્યારે સમાજ પણ આ બાબતે ચિંતન અને મનન કરવું જોઈએ. જમીન વેચીને જે ઔડી લે છે અને પીળું પ્રવાહી લે છે આવા લોકોનો સમાજે બહિષ્કાર કરવો જોઈએ અને સમાજથી દૂર રાખવા જોઈએ. આવા લોકોને સમાજના સુખમાં અને દુઃખમાં પ્રસંગમાં પ્રવેશ આપવો ન જોઈએ અને આવું થશે તો આ લોકો સુધરી જશે. સમાજમાં ઘણા હોદ્દેદારો છે તે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. સમાજને સારું મળે અને સમાજને સારો પ્રાપ્ત થાય તે માટે સમાજના હોદ્દેદારો સમાજ માટે કામ કરે છે. ગોરધન ઝડફિયા એ માતા અને દીકરીઓ માટે જે ટકોર કરી છે તેને ગંભીરતાથી લેવી જોઈએ. બહેન અને દીકરીઓએ પણ જાગૃત થઈને વ્યસનિયો હોય તેના ઘરે જવું ન જોઈએ અને તેની સાથે વ્યવહાર પણ રાખવાના જોઈએ અને આવો યુવક હોય તો તેને યુવતી પણ ન આપવી જોઈએ.
લાલજી પટેલે શું કહ્યું....
મહેસાણાના કડી ખાતે ગોરધન ઝડપીયાએ આપેલ નિવેદન મામલે લાલજી પટેલે કહ્યું કે, સુરતમાં ઉર્વશી બેને પણ પાટીદાર સમાજના યુવાનો માટે ખૂબ જ ચિંતા કરી છે. યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી. ગોરધનભાઈ વિદ્વાન અને વડીલ છે હું એમની વાત સાથે સહમત છું. અત્યારે માતા પિતા પોતાના સંતાનોને મિલકત કેવી રીતે અને કેટલી વધારે આપી તે વિચારી રહ્યા છે. યુવાનોને મિલકત સાથે સાથે સંસ્કાર આપવાની જરૂર છે. અત્યારે મિલકત આપવાની જરૂર નથી સંસ્કારોનું સિંચન કરવાની જરૂર છે. પાટીદાર સમાજ ગામડાઓમાંથી શહેરમાં આવ્યો અને અત્યારે બધા યુવાનો વિચારે છે કે અમે વિદેશમાં જઈએ. અત્યારે કોઈ ગામડામાં રહેવા તૈયાર નથી. પાટીદાર સમાજની દીકરીઓ પણ સરકારી નોકરી હોય વિદેશમાં પીઆર હોય ત્યાં જ લગ્ન કરવાની વાત કરે છે. એટલે જ ગામડાના યુવાનને અત્યારે દીકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. અત્યારે જમીનોની કિંમત ખૂબ જ વધી ગઈ છે. એટલે લોકો જમીન વેચીને ગાડી ને બંગલા બનાવવા લાગ્યા છે. યુવાનોએ જમીનો વેચ્યા કરતા મહેનતથી સારું શિક્ષણ મેળવી વધવાની જરૂર છે.
સમાજને ચેતવવાનું કામ કર્યું છે - ડો.પરસોત્તમ પીપળીયા
પાટીદાર અગ્રણી ડૉ.પરસોતમ પીપળીયાએ કહ્યું કે, ગોરધનભાઈ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે પટેલ સમાજના કાર્યક્રમમાં પટેલ યુવાનો માટે આપવામાં આવ્યું છે. ગોરધનભાઈ દ્વારા પટેલ સમાજના યુવાનોને ચેતવવાનું કામ કર્યું છે. જે દુષણો ફેલાયા છે તેને દૂર કરવાની જવાબદારી માત્ર સમાજની નથી. પરંતુ સમાજની સાથો સાથ જે તે સંતાનોના માતા પિતાઓ તેમજ તંત્રની પણ છે. કલેક્ટિવ કામગીરી કરવામાં આવશે તો જ દુષણોને દૂર કરી શકાશે.
દરેક સમાજને લાગુ પડે છે - હસમુખ લુણાગરિયા
ગોરધન ઝડફિયા અને ઉર્વિષા મેંદપરા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ગોરધનભાઈ ઝડફિયા સમાજના મુરબ્બી, વડીલ આગેવાન છે. તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે સમાજને ટક્કોર કરનારું છે. મહિલા પીએસઆઈ ઉર્વિષા મેંદપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ન માત્ર પાટીદાર સમાજને લાગુ પડે છે પરંતુ અન્ય સમાજને પણ લાગુ પડે છે. માત્ર પાટીદાર સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં વધુ હોવાના કારણે વધુ કિસ્સા સામે આવતા હોઈ છે.
ગોરધન ઝડફિયાએ શું કહ્યું હતું....
ચુંવાળ 72 કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં ગોરધન ઝડફીયાએ જાહેર મંચ પરથી પાટીદાર સમાજને ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પેટ માટે જરૂર પડે તો જ વેચજો. 21 મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખી ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે, એનું શું પરિણામ આવે છે. સમાજમાં પરિવર્તન ના લાવી શક્તા હોય તો કોઈ હોદ્દા ઉપર રહેવાની આગેવાનને જરૂર નથી. પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપતિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. સંસ્કાર વિનાની તો રાવણ જોડે સોનાની લંકા હતી, પણ તે સુખી નહોતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. આપણા વડવાઓએ સંપતિ નહીં પણ સંસ્કાર આપ્યા હતા તેની આ ઓળખ છે. ગામડાઓમાં ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિ નું નિર્માણ થયું છે. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે