અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું મનદુખ
America Deports Indians : અમેરિકાથી ડિપોર્ટ કરેલા 112 ભારતીયોને લઈને અમૃતસર પહોંચ્યું ત્રીજું વિમાન.. હરિયાણાના 44, ગુજરાતના 33 અને પંજાબના 31 લોકો હોવાની માહિતી.. આજે ગુજરાતીઓ પહોંચશે અમદાવાદ..
Trending Photos
Illegal indians in US : અમેરિકાથી ગેરકાયદે ભારતીયોની ત્રીજી બેચ પણ પરત આવી ગઈ છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર આ ફ્લાઈટ લેન્ડ થઈ હતી. અમેરિકાના વિમાનમાં 112 ભારતીય લોકો ઉતર્યા છે. જેમાંથી અમૃતસરથી ગુજરાતના લોકો આજે અમદાવાદ લાવવામાં આવશે. ત્રીજી બેચમાં ગુજરાતના 33 લોકો હોવાનો દાવો છે. શનિવારે પણ બીજી બેચમાં 116 લોકો પરત આવ્યા હતા, જેમાંથી 8 ગુજરાતીઓ હતા.
અમેરિકામાં સીધી રીતે જવા મળતુ નથી, વીઝા મળતા નથી, એટલે દર વર્ષે અનેક ગુજરાતીઓ ડંકી માર્ગે અમેરિકા જતા હોય છે. અત્યાર સુધી ડંકી માર્ગે જઈને અમેરિકામાં વસવાટ કરવો સહેલો હતો. પરંતું ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન આવતા જ અમેરિકાએ ગેરકાયદેસર નાગરિકોને દેશનિકાલ કરવાની શરૂઆત કરી દીધી છે. જો વિદેશમાં વસતો ગુજરાતી ગામમાં આવે તો તેનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવી છે, પરંતું ડંકી રુટથી ગેરકાયદે જતા ગુજરાતીઓ મોઢું ઢાંકીને પરત આવવા મજબૂર બન્યા છે. એરપોર્ટ પર આ ગુજરાતીઓ મોંઢું છુપાવીને આવતા દેખાયા. એટલું જ નહિ, એકવાર ઘરે પહોંચ્યા બાદ તેઓ લગભગ ગાયબ જોવા મળી રહ્યાં છે. કેટલાક તો ઘર બંધ કરીને જતા રહ્યાં છે.
જો કોઈ ગુજરાતી અમેરિકાથી પરત ફરે તો આખા ગામમાં ‘અમેરિકા રિટર્ન’ ની છાપ લઈને ફરે છે. પરંતું આ ગુજરાતીઓ અમેરિકા રિટર્નની પણ ખુશી વ્યક્ત કરી શક્તા નથી. ઉપરથી અમેરિકાએ તેમને તગેડી મૂક્યા છે તેવો સિક્કો તેમના પર લાગી ગયો છે. અમેરિકાએ તેમને રીતસરના કાઢી મૂક્યા છે. અમેરિકાએ હાથપગમાં સાંકળ બાંધીને પરત મોકલ્યા છે.
એજન્ટ પાસે રૂપિયા ગુમાવ્યું તેનું દર્દ કહેવાય તેમ નથી
ડંકી માર્ગે ગેરકાયદેસર અમેરિકા જનારાઓ એજન્ટોને ભારે ભરખમ રૂપિયા ચૂકવતા હોય છે. ગેરકાયદે લઈ જનારા એજન્ટો 50 લાખથી લઈને 1.50 કરોડ સુધીની રકમ વસૂલે છે. કેટલાક લોકો પોતાના ઘર-ખેતીની જમીન વેચીને આખેઆખો પરિવાર લઈને અમેરિકા ગયા હતા. તેથી જ તો અમેરિકાથી મોકલનારાઓના લિસ્ટમાં બાળકો પણ જોવા મળ્યા છે. પરંતું હવે એજન્ટોને આપેલી રૂપિયા પણ વ્યર્થ ગયા છે. સમગ્ર ઘટના બાદ એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એક તરફ અમેરિકા જવાનું ખ્વાબ ચકનાચૂર થયું, બીજી તરફ લાખોમાં ન્હાયા, અને ત્રીજું બદનામી થઈ એ અલગ.
આવા ગુજરાતીઓ પર NRI નું લેબલ પણ નહિ લાગે
વિદેશમાં જઈને પરત આવતા ગુજરાતીઓ પર એનઆરઆઈનું લેબલ લાગતું હોય છે. જ્યારે પણ આ લેબલ લાગે ત્યારે ગુજરાતીઓ ગર્વ અનુભવતા હોય છે. ત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને તગેડી મૂકાયેલા આ ગુજરાતીઓ પર તો હવે NRI નું લેબલ પણ લાગી શકે તેમ નથી. ઉપરથી તેઓ કોઈને કહી પણ શક્તા નથી કે તેમને આ રીતે પરત મોકલી દેવાયા છે.
કઈ ફ્લાઈટમાં કેટલા ગુજરાતીઓ આવ્યા
- પહેલી ફ્લાઈટ - 37 ગુજરાતી
- બીજી ફ્લાઈટ - 8 ગુજરાતી
- ત્રીજી ફ્લાઈટ - 33 ગુજરાતી
ત્રણેય ફ્લાઈટમાં મળીને કુલ 75 ગુજરાતીઓ છે, જેઓ ગેરકાયદેસર અમેરિકા ગયા હતા અને જેઓને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે. આ આંકડો ચોંકાવનારો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે