ભાજપ મહેરબાન પણ કોંગ્રેસ નથી મહેરબાન, વિરોધ પક્ષના નેતા બનાવવા આ 2 નામ દિલ્હી પહોંચ્યા પણ ‘નો રિસ્પોન્સ’
Gujarat Congress : ગુજરાતમાંથી બે નેતાઓના નામ વિરોધ પક્ષના નેતા માટે દિલ્હી દરબારમાં મોકલાયા છે, પરંતું દિલ્હીમાં કોઈ જ નિર્ણય લેવાયો નથી
Trending Photos
Gujarat Congress : ગુજરાતમાં કોંગ્રેસ ગમે તેટલી સીટો જીતે પણ નેતાઓમાં આંતરિક વિખવાદો જશે નહીં. ગુજરાતની ચૂંટણીના પરિણામોમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે. જ્યારે કોંગ્રેસને માંડ 17 બેઠકો મળી છે. ભાજપની મહેરબાનીથી વિરોધ પક્ષના નેતા બનવાનો ચાન્સ મળી રહ્યો છે પણ નેતાઓ એકબીજાની ટાંટિયાખેંચમાંથી ઉંચા આવતા નથી. વિધાનસભામાં વિપક્ષના નેતાને લઈને અસમંજસ જોવા મળી છે. રાજ્યમાં ભાજપની સરકારે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે, પણ પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એ હજી નક્કી નથી. કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવવા માટે બે નામો દિલ્હી હાઈકમાન્ડને મોકલી આપ્યાં છે. પરંતુ હજી હાઈકમાન્ડે કોઈ પણ પ્રકારનો જવાબ મોકલ્યો નથી. જેને પગલે સ્થાનિકમાં વિવાદો વધતા જાય છે.
સીજે ચાવડાનું નામ રેસમાં આગળ
શરૂઆતથી આ પદ માટે સી. જે ચાવડાનું નામ ચાલી રહ્યું છે. જેમાં નવા નામો ઉમેરાઈ રહ્યાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વિપક્ષના નેતા માટે બે ધારાસભ્યોના નામ હાઈકમાન્ડને મોકલ્યાં છે. જેમાં વિજાપુરના ધારાસભ્ય સી.જે.યાવડા અને દાણિલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનું નામ મોકલવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ બંને માંથી કોઈ એક ધારાસભ્ય વિપક્ષના નેતા બની શકે છે એવું કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બીજી બાજુ પક્ષના સિનિયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાનો ઈનકાર કરતાં કોઈ નવા ચહેરાને સ્થાન આપવાની ઈચ્છા દર્શાવી છે. આ પહેલાં જિજ્ઞેશનું અને અનંત પટેલનું પણ નામ ચાલ્યું હતું.
1990 પછી કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સીટો જીતવી જરૂરી છે. જેથી કોઈપણ પક્ષ હોય તેના માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. કોંગ્રેસ પાસે આટલી સીટો પણ નથી એવી રાજ્યમાં ભૂંડી હાર થઈ છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે. ભાજપે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને 156 બેઠકો પ્રાપ્ત કરી છે. જ્યારે 1990 પછી કોંગ્રેસનું આ સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે માંડ 17 બેઠકો પર વિજય થયો છે. ભાજપને આ ચૂંટણીમાં 156 બેઠકો મળી છે. 3 અપક્ષના ધારાસભ્યો ચૂંટાયા છે. ગુજરાતમાં કોંગ્રેસનો ધીમેધીમે એકડો નીકળી રહ્યો છે પણ નેતાઓ હુંસાતુસીમાંથી બહાર આવી રહ્યા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે