ગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન જાહેર

School Picnic Guideline : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ માટે માર્ગદર્શિકા થઈ જાહેર..પ્રવાસ પહેલા મંજૂરી કરવામાં આવી ફરજિયાત...વડોદરાના હરણી બોટકાંડ બાદ શૈક્ષણિક પ્રવાસ પર મુકાયો હતો પ્રતિબંધ..

Trending Photos

ગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન જાહેર

New Guidelines for Educational Tour for Schools : વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે રાજ્યની શાળાઓ માટે પ્રવાસને લઈ માર્ગદર્શિકા જાહેર કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં હવેથી પ્રવાસ કરતા પહેલા જરૂરી મંજૂરી લેવી પડશે. સાથે જ શાળા પ્રવાસન માટે ઠરાવ જાહેર થયો છે. તેથી હવેથી જો ગુજરાતની કોઈ પણ શાળામાં પ્રવાસનું આયોજન કરવું હોય તો નિયમોનું પાલન કરવું પડશે.  

આ વિશે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરી પોસ્ટ કરતા કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર થાય, અવલોકન શક્તિ વધે, જિજ્ઞાસા સંતોષાય તથા વિદ્યાર્થીઓને આનંદ સાથે શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે માટે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક તથા વિકસિત સ્થળોએ પ્રવાસનું આયોજન કરવા અંગેની માર્ગદર્શક સૂચનાઓ જાહેર.

મહત્વની સૂચનાઓ

  • પ્રવાસ માટે વાલીઓની સહમતી મેળવવાની રહેશે
  • આચાર્ય ની અધ્યક્ષતામાં પ્રવાસ માટે સમિતિ બનાવવાની રહેશે
  • પ્રવાસ ના પ્રકાર અનુસાર ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે
  • પ્રવાસના દિવસ પ્રમાણે વિગતો આપવાની રહેશે
  • અનુભવી વ્યક્તિ કન્વિનર તરીકે રહેશે 
  • પ્રવાસ માટે કોઈને ફરજ પાડી શકાશે નહીં 
  • ૧૫ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક રીખવાનો રહેશે 
  • ફર્સ્ટ એઈડ કીટ સાથે રાખવાની રહેશે 
  • જીપીએસ ટ્રેકિંગ વાળા વાહનો માં જ પ્રવાસ કરવાનો રહેશે 
  • ફાયર સેફ્ટી ના સાધનો રાખવાના રહેશે 
  • બોટ રાઈડ મરજિયાત રાખવામાં આવ્યું 
  • બોટ રાઈડ ટાળવા અથવા ક્ષમતાથી વધુ ન બેસાડવા
  • ગૃપ વાઈઝ એક શિક્ષક સાથે રાખવા અને લાઈફ જેકેટ ફરજિયાત રાખવા સૂચના 
  • તરણ જેવી જોખમી સ્પર્ધા માં ભાગ લેવાનો રહેશે નહીં 
  • રાત્રી ૧૦ વાગ્યા સુધી રાત્રી રોકાણ ના સ્થળ સુધી પોહોંચી જવું

શિક્ષણ વિભાગે પરિપત્રમાં જણાવ્યું કે, પ્રવાસનો મુળ હેતુ ફલિતાર્થ થાય અને આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ/ શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે વિદ્યાર્થીઓના વયજુથને ધ્યાને લઇ રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગેની માર્ગદર્શક સૂચનાઓ પ્રસિધ્ધ કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. રાજ્યની સરકારી/અનુદાનિત/ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના, આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે નીચે મુજબની સૂચનાઓનો તેમજ કાર્યપધ્ધતિનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

1. શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત 'સમિતિ'ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વયજુથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી. 

2. શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (૧) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીને (૨) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશ્નરશ્રી/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (૩) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિન-૧૫ પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે. 

3. સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે.

4. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના 'કન્વીનર' તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

5. જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક (Meeting) યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઇ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇ.ડી.પ્રુફ તથા મોબાઇલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી. 

6. પ્રવાસ મરજિયાત રહેશે કોઇ પણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ. 

7. પ્રવાસમાં ૧૫ વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા ૧ (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે 

8. દેખીતા જ બિમાર / ગંભીર બિમાર હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસ સહન ન કરી શકે તેવા શારીરિક-માનસિક રીતે નબળા વિદ્યાર્થીઓ, પ્રવાસથી એલર્જી હોય તેમજ મુસાફરી ન કરી શકે તેવા વિદ્યાર્થીઓનો પ્રવાસમાં સમાવેશ કરવાનો રહેશે નહી. 

9. જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે. ૧૦. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટીંગ કરી "શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવુ તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો.

10. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટીંગ કરી 'શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવુ તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી. ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો

પ્રવાસ લઈ જતા સમયે આટલું પણ કરવું પડશે
1. પ્રવાસની તારીખના ૧૫ દિવસ પહેલાં પ્રવાસ અંગેની જાણ સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(R.T.O.) તથા સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ કરવાની રહેશે. 
2. નાણાકીય હિસાબ સ્પષ્ટ અને પારદર્શક રાખવા તથા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેનાથી અવગત કરવાના રહેશે. 
3. આ બાબતે સરકારશ્રીના અન્ય વિભાગો દ્વારા આનુષાંગિક સૂચનાઓ કે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવે તો તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. 

ઉપર્યુક્ત સૂચના સરકારી/અનુદાનિત/ખાનગી(સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે. ઉક્ત તમામ સૂચનાઓનો અચૂકપણે અમલ કરવાનો રહેશે. આ 'ઠરાવ' સમાન કમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની તા:૨૩/૧૦/૨૦૨૪ના રોજ મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news