મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: મેઘતાંડવને પગલે ભાદ્રોડી અને બગડ બની ગાંડીતુર
સ્થાનિક તંત્ર દ્વારા વિજપુરવઠ્ઠો બંધ કરી દેવાતા સમગ્ર ગામમાં અંધારપટ: મહુવાને ભાવગર સાથે જોડતા કોસ્ટલ હાઇવેનો ભાદ્રોડનો બ્રિજ બંધ, વાહનનો ઠઠ્ઠ ખડકાયો
Trending Photos
અમદાવાદ : હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ ચાલી રહ્યો છે. સમગ્ર ગીર અને અમરેલીને ધમરોળ્યા બાદ હવે વરસાદે ભાવનગર જિલ્લામાં અનરાધાર વરસવાનું ચાલુ કરી દીધું છે. જેનાં પગલે ભાવનગર જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને ઓઝત-2 ડેમ ઓવરફ્લો થવાનાં કારણે બગડ નદી બે કાંઠે વહી રહી છે. તો બીજી તરફ ભાદ્રોડી નદી પણ ગાંડીતુર બનીને વહી રહી છે.
સામાન્ય રીતે બગડ ડેમનાં કારણે નિષ્ક્રિય થઇ ચુકેલી ભાદ્રોડી નદીમાં છેલ્લા 30 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી આવ્યું છે. ભાદ્રોડ ગ્રામ્ય વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. ગામના રક્ષણ માટે ચણાયેલા કોટ (દિવાલ)ને પાર કરીને પાણી ગામમાં ઘુસી ચુક્યું છે. તો બગડ નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા બગદાણાના બગડેશ્વર મહાદેવનું મંદિર ડુબમાં છે.
ભાદ્રોડ ગામના બ્રિજ પરથી પાણી વહી રહ્યું હોવાનાં કારણે તાબડતોબ તંત્ર દ્વારા કાર્યવાહી કરાતા પુલ પરનો વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. જેના કારણે ભાદ્રોડીનાં બંન્ને કાંઠે ઘણો લાંબો ટ્રાફીક જામ સર્જાયો છે. બંન્ને તરફ વાહનોનો ઠઠ ખડકાઇ ચુક્યો છે. ઉપરાંત વરસાદનાં પગલે તંત્ર દ્વારા વિજ કનેક્શન કાપી નાખવામાં આવતા આ વિસ્તારમાં અંધારપટની પરિસ્થિતી પણ સર્જાઇ છે. નદીમાં હાલ પાણી ઓસરે તેવી શક્યતાઓ નહીવત્ત છે. કારણ કે ઉપરવાસમાં હજી પણ સતત વરસાદ પડી રહ્યો હોવાનાં કારણે પાણીની આવક સતત ચાલું છે.
સ્થાનિક વ્યક્તિ હિતેશભાઇ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષમાં ક્યારે પણ આ પ્રકારનું પુર નદીમાં આવ્યું નથી. ઉપરાંત તેમણે જણાવ્યું કે, હાલમાં ગામની શાળામાં પણ પાણી ઘુસી ચુક્યું છે. જો કે સદ્ભાગ્યે રવિવાર હોવાથી બાળકો શાળામાં નહોતા જેથી મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ શાળાની નજીક રહેલી પાણીની ટાંકી હાલ ભયજનક બની છે. જે અંગે તંત્ર દ્વારા ત્વરીત પગલા ભરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે