સોમનાથ ટ્રસ્ટ દ્વારા 'નંદીપ્રસાદ' સેવાનો આરંભ; ગીર ગાયની જાતના પ્રસાર માટે મહત્વપૂર્ણ પહેલ
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગીર ગાયની જાતને ભારતના વિવિધ રાજ્યોમાં વધુ પ્રસારિત કરવો છે.
Trending Photos
કૌશલ જોષી/ગીર સોમનાથ: ગીર ગાય, જેની ગુણવત્તા અને દૂધ ઉત્પાદન માટે વિશ્વભરમાં જાણીતી છે. તેને વધુ પ્રોત્સાહિત કરવા અને સંરક્ષણ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવા 'નંદીપ્રસાદ'નો આરંભ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર આ પહેલ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ ગીર ગાયની જાતને ભારતના વિવિધ રાજ્યોમાં વધુ પ્રસારિત કરવો છે.
પ્રથમ વખત, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ગીર ગાયના નંદીઓને સાબરમતી ગૌશાળા- અમદાવાદ, સુરત, બોટાદ, જૂનાગઢ, અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓના ખેડૂતો અને ગૌશાળાઓને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ નંદીઓ દ્વારા ગીર ગાય ની જાતમાં થયેલ સુધારને લઈને મળેલા સકારાત્મક પરિણામો અને ગુણવત્તાવાળા દૂધના ઉત્પાદનને લઈને ગૌશાળાઓમાં આનંદ છે.
ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે કે સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતો ગીર ગાયની શ્રેષ્ઠ જાતનો લાભ લઈ શકે. રાજ્ય અને દેશના કોઈ પણ ખેડૂત કે ગૌશાળા સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રદાન કરવામાં આવેલા 'નંદીપ્રસાદ' માટે અરજી કરી શકે છે. યોગ્ય ચકાસણી બાદ, ટ્રસ્ટ દ્વારા આ નંદીઓને નિશુલ્ક પણે આપવાની વ્યવસ્થા છે.
સોમનાથ મંદિરની આ પહેલથી સમગ્ર દેશમાં ગૌશાળાઓમાં ગુણવત્તાવાળા પશુઓનો પ્રસાર થવાથી ગીર ગાયના દૂધના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે. આ નિર્ણય ગુજરાતી ખેડૂતો અને ગૌપ્રેમીઓ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ગુજરાત અને સમગ્ર ભારતમાં ગૌપ્રેમ અને ગૌરવ વધારવા માટે પ્રેરણારૂપ સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે