છાપરા ખાલી કરાવવા ગયેલી AMC ની ટીમ સાથે સ્થાનિકોનું ઘર્ષણ, પોલીસે બળપ્રયોગ કર્યો
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરનાં ખાનપુર સ્થિત માકુભાઈ શેઠના છાપરા છેલ્લા ઘણા સમયથી ખાલી કરાવવા પ્રયત્નો થઇ રહ્યા હતા. જોકે સ્થાનિકો છાપરા ખાલી કરતા નહી હોવાનાં કારણે આખરે આજે સવારે AMC ની ટીમો મકાનો ખાલી કરાવવા પહોંચી હતી. કામાં હોટેલ નજીક માકુભાઈ શેઠના છાપરા વિસ્તારમાં અંદાજીત 50થી વધારે પરિવારના મકાન ખાલી કરાવવામાં આવ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા મકાન ખાલી કરવામાં આના કાની કરતા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે હાજર રાખવામાં આવ્યો હતો.
AMC દ્વારા સ્થાનિકોને એક વર્ષ અગાઉ સ્થળ ખાલી કરવા નોટિસ ફટકારી હતી. ત્રણ મહિના પહેલા અને એક સપ્તાહ પહેલા આપેલી બે નોટીસો આપવા છતાં પણ સ્થળ ખાલી ન કરવામાં આવ્યું હોવાથી આજે AMC,સ્થાનિક પોલીસ અને કલેકટર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. દબાણો તોડવા માટે ટીમ સ્થળ પર આવી પહોંચતાં જ ત્યાંના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ પોતાના મકાનમાંથી સામાન પણ બહાર કાઢ્યો નહોતો. સરકાર અને તંત્ર વિરોધી નારા લગાવવાનું શરૂ કર્યું હતું. સ્થિતી વણસે તેવું લાગતા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
આખરે લોકોને મકાનો ખાલી કરવા પડ્યાં હતાં. સરકારી પ્લોટમાં છાપરા બાંધીને રહેતા લોકોએ આક્ષેપ કર્યો છે કે, તેઓ છેલ્લાં 50 વર્ષથી આ જગ્યા પર રહે છે અને હવે કેમ સરકાર ખાલી કરાવે છે? આ અંગે સીટી સર્વે સુપરિટેન્ડેન્ટ.1- એ.એચ.મોદીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા છેલ્લા એક વર્ષથી ચાલુ છે. આ લોકોને નોટીસ પણ પાઠવવામાં આવી છે. ત્રણ મહિનાથી કાર્યવાહી ચાલુ છે. ગત 6 જાન્યુઆરીએ તેમને નોટીસ આપવામાં આવી હતી. પરંતુ તેમણે સ્વીકારવાનો ઈનકાર કરતાં ફરીવાર 12 તારીખે તમામને રૂબરૂમાં ફરી નોટીસ બજવવામાં આવી હતી. ત્યાર બાદ દબાણ તોડવા માટે જાહેર નોટીસ દ્વારા પણ તેમને જણાવવામાં આવ્યું છે. બાદમાં આજની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે