Mahesana: ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર નહીં, ભાજપની સામે તેના બળવાખોર મેદાનમાં
ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં નથી. ત્યારે ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું બળવાખોર જૂથ ચૂંટણી જંગ લડી રહ્યું છે.
Trending Photos
મહેસાણાઃ મહાનગર પાલિકાની ચૂંટણી બાદ હવે 28 ફેબ્રુઆરીએ તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પહેલા ઊંઝા નગરપાલિકા (Unjha Municipality) માં અનોખી સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર ગુજરાતમાં કદાચ મહેસાણા જિલ્લાની એકમાત્ર ઊંઝા નગરપાલિકામાં વિરોધ પક્ષ નહી પણ એક જ પક્ષના બે જૂથો સામસામે ચુંટણી લડતા હોય એવું લાગી રહ્યું છે. ઊંઝા નગરપાલિકાના ૯ વોર્ડની કુલ ૩૬ બેઠકો માટે યોજાનાર ચુંટણીમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ચુંટણી મેદાનમાં નથી. તો વળી ભાજપ તમામ ૩૬ બેઠકોમાંથી બે બેઠકો બિનહરીફ જીતી ચુક્યું છે. આ સ્થિતિ ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની સામે ભાજપનું જ બળવાખોર જૂથ કામદાર પેનલ (Kamdar penal) બનાવી ભાજપ સામે ચૂંટણી જંગમાં સામે આવી ગયું છે.
મહેસાણા જિલ્લામાં કુલ ૪ નગરપાલિકાઓની ચૂંટણી આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે અને ઊંઝા નગરપાલિકા (Unjha Municipality) સિવાય તમામ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ આમને-સામને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પરંતુ ઊંઝા નગરપાલિકામાં કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં નથી. ત્યારે ઊંઝા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું બળવાખોર જૂથ ચૂંટણી જંગ લડી રહ્યું છે. કુલ ૯ વોર્ડની કુલ ૩૬ બેઠકોના ચૂંટણી જંગમાં અગાઉ બે બેઠકો બિનહરીફ થઇ ચુકી છે. આ સ્થિતિમાં કુલ ૩૪ બેઠકો માટે ચૂંટણી જંગમાં ભાજપ અને ભાજપનું બળવાખોર જૂથ કામદાર પેનલ સ્વરૂપે આમને-સામને છે.
કુલ ૩૪ બેઠકોના ચૂંટણી જંગમાં ભાજપ સામે બળવાખોર ભાજપ જૂથ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપનું બળવાખોર જૂથ કામદાર પેનલ બનાવી અપક્ષ ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતાર્યા છે. ઊંઝામાં કોંગ્રેસ ચૂંટણી જંગમાં જ નથી. ત્યારે ભાજપ જ ભાજપને હરાવવા ઉતર્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવારો અને ભાજપના આગેવાનો પાલિકા ચૂંટણીમાં જીતનો દાવો કરી રહ્યા છે. કારણ કે ચૂંટણીમાં કોઈ પણ જીતે પણ સત્તા ભાજપ ના ફાળે જ આવશે.
ઊંઝા નગરપાલિકા ચૂંટણી જંગમાં ભાજપ જ આમને-સામને છે ત્યારે મતદારો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ગત ચૂંટણી માં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપ અને કોંગ્રેસના બદલે અપક્ષોએ ઊંઝા પાલિકામાં સત્તા મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે