પાકિસ્તાની પાવર ઓફ એટર્નીને આધારે નવસારીમાં 7 દસ્તાવેજ થયા! નોંધ રદ્દ, કલેક્ટરે લખ્યો સરકારને પત્ર
નવસારી જિલ્લામાં અનેક જમીનો બોગસ દસ્તાવેજોને આધારે પચાવી પાડવાની ઘટનાઓ સામે આવી છે. સરકારી પ્રોજેક્ટોમાં પણ જમીન સંપાદનમાં બોગસ દસ્તાવેજોના ઉપયોગ થકી કરોડો રૂપિયાના કૌભાંડ પોલીસ ચોપડે નોંધાયા છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: જિલ્લામાં ઘણા જમીન કૌભાંડ સામે આવ્યા છે. જેમાં ભારતમાં 8 દેશોના નાગરિકો જમીન ખરીદ વેચાણ કરી શકતા નથી, તેમ છતાં નવસારીમાં 10 વર્ષ અગાઉ પાકિસ્તાની મહિલાએ આપેલા પાવર ઓફ એટર્નીને આધારે જલાલપોર સબ રજીસ્ટ્રારે 7 દસ્તાવેજોની નોંધણી કરી દીધી હતી. સમગ્ર મુદ્દો બે વર્ષ અગાઉ રાજ્ય સરકારના ધ્યાને આવ્યા બાદ જિલ્લા કલેકટરે રિવ્યુમાં લઈ નોંધણી રદ્દ કરવાનો હુકમ કર્યો હતો, પરંતુ રદ્દ થવાની યોગ્ય નોંધ પડી ન હોવાની ચર્ચા ઉઠતા ફરી તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મુદ્દે તત્કાલીન જવાબદાર અધિકારીએ બેદરકારી દાખવી હોવાનો રિપોર્ટ સરકારમાં કર્યો છે.
નવસારી જિલ્લામાં અનેક જમીનો બોગસ દસ્તાવેજોને આધારે પચાવી પાડવાની ઘટનાઓ સામે આવી છે. સરકારી પ્રોજેક્ટોમાં પણ જમીન સંપાદનમાં બોગસ દસ્તાવેજોના ઉપયોગ થકી કરોડો રૂપિયાના કૌભાંડ પોલીસ ચોપડે નોંધાયા છે. ગત વર્ષોમાં તત્કાલીન મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ મહેસૂલ મેળો કરતા અનેક જમીન વિવાદ સામે આવ્યા હતા. ત્યારે 10 વર્ષ અગાઉ ગત 2013 માં નવસારીના જલાલપોર તાલુકાના સિમલક ગામે વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની 36 હજાર ચો. મી. જમીનમાં પાકિસ્તાનના કરાચીમાં રહેતી જૈનબ મુસા નાના દ્વારા મોકલેલા પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી 7 દસ્તાવેજોની નોંધ તત્કાલીન જલાલપોર સબ રજિસ્ટ્રાર દ્વારા પાકિસ્તાની જૈનબ નાનાનો જમીન અંગેની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના જ દસ્તાવેજના નંબર પાડી નોંધ કરી દીધી હતી.
આ સમગ્ર પ્રકરણ વર્ષ 2018 માં સામે આવતા વાત રાજ્ય સરકાર સુધી પહોંચી હતી. જેમાં સરકારના અગ્ર સચિવના આદેશથી તત્કાલીન કલેકટર આદ્રા અગ્રવાલે રિવ્યૂ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગત 30 જાન્યુઆરી, 2021 ના રોજ પાકિસ્તાની પાવર ઓફ એટર્ની થકી સીમલક ગામની જમીનના થયેલા દસ્તાવેજ અને ગામ દફતરે પડેલી ફેરફાર નોંધને નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
જોકે આ હુકમના 4 મહિના બાદ 11 મે, 2021 ના રોજ ફેરફાર નોંધને રદ્દ કરી, નામંજૂર કરી દેવામાં આવી હતી. પરંતુ જેની દસ્તાવેજોમાં આજ દિન સુધી યોગ્ય નોંધ કરવામાં આવી ન હોવાની ચર્ચા ઉઠતા તંત્ર સફાળે જાગ્યુ હતુ. જેમાં પાકિસ્તાની પાવર ઓફ એટર્નીની ચકાસણી કર્યા વિના અને કાયદાનું પાલન ન કરવાની બેદરકારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને ધ્યાને આવતા સંબંધિત તત્કાલીન અધિકારી સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રકરણમાં સિમલક ગામે 36 હજાર ચો. મી. જમીનમાં પડેલી ફેરફાર નોંધને તમામ દસ્તાવેજોમાં રદ્દ કરી પહેલાની સ્થિતિએ લાવી દેવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા વર્ષ 1999 માં ભારતમાં પાકિસ્તાન, ભૂતાન, ચીન, બાંગ્લાદેશ જેવા 8 દેશોના નાગરિકો દ્વારા જમીન ખરીદ વેચાણ ન થાય એનો ફેમાનો કાયદો બનાવવામાં આવ્યો હતો અને વર્ષ 2000 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયમો પણ બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં પાકિસ્તાની પાવર ઓફ એટર્નીને આધારે જમીન વેચી મારી દસ્તાવેજો કરાવી લેવાના પ્રકરણમાં નવસારી જિલ્લાના તત્કાલીન સંબંધિત અધિકારીઓ ઉપર ગાજ પડે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે